તરુણ તેજપાલને રેપ કેસમાં 10 વર્ષની સજા આપવાના હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ગઈ ગોવા સરકાર, આજીવન કેદની માંગ

‘તહેલકા’ મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલને રેપ કેસમાં થયેલી 10 વર્ષની સજા મામલે ગોવા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. સરકારે કોર્ટમાં અરજી દાખલ કરીને તરુણ તેજપાલને આજીવન કેદની સજા ફટકારવા માટે માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ આગામી સમયમાં અરજી પર સુનાવણી હાથ ધરશે.

6 ઑગસ્ટના રોજ બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે મે 2021નો ટ્રાયલ કોર્ટનો ચુકાદો પલટાવીને તરુણ તેજપાલને દોષી ઠેરવીને 10 વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય સામે ગોવા સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ છે.

સરકારે અરજીમાં કહ્યું છે કે ગુનાની ગંભીરતા જોતાં 10 વર્ષની સજા અપૂરતી અને અપ્રમાણસર છે અને આરોપીને આજીવન કેદની સજા થવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેજપાલે તેના હોદ્દાનો દુરુપયોગ કરીને વિશ્વાસભંગ કરીને દુષ્કૃત્ય આચર્યું હતું અને તેની ઉચિત સજા તેને મળવી જોઈએ.

ગોવા સરકારનું કહેવું છે કે સજા નક્કી કરતી વખતે બૉમ્બે હાઇકોર્ટ અમુક બાબતોની ગંભીરતાની નોંધ લેવાની ચૂકી ગઈ હતી અને તેને સુધારવામાં આવે. સાથે સરકારે બે સજા સાથે કાપવાના આદેશ સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

બૉમ્બે હાઇકોર્ટે સજા આપતી વખતે ગુનાને 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાની વાત પણ ધ્યાને લીધી હતી, પરંતુ ગોવા સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે ન્યાયમાં વિલંબ થવાના કારણે ગુનેગારને આ પ્રકારનો લાભ ન આપી શકાય, ખાસ કરીને આવા ગંભીર ગુનાઓમાં.

અહીં ઉલ્લેખનીય છે કે ગોવા હાઇકોર્ટના ચુકાદા બાદ તરુણ તેજપાલે પણ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સજા રદ કરવાની માંગણી કરી છે. હવે ગોવા સરકાર પણ ગઈ છે. બંને અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

શું છે કેસ?

સમગ્ર મામલો નવેમ્બર 2013નો છે. ગોવાની એક હોટેલમાં તહેલકાનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે મેગેઝિનમાં કામ કરતી એક મહિલા પત્રકારે તરુણ તેજપાલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેજપાલની ધરપકડ થઈ હતી. જોકે પછીથી જામીન મળી ગયા હતા.

મે 2021માં આ કેસમાં ગોવાની ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો અને તેજપાલને દોષમુક્ત ઠેરવ્યો હતો. ગોવા સરકાર આ ચુકાદા સામે હાઇકોર્ટ ગઈ હતી. હાઇકોર્ટે 6 ઑગસ્ટના રોજ ટ્રાયલ કોર્ટનો ચુકાદો પલટાવીને તેજપાલને 10 વર્ષની સજા ફટકારી હતી.

સમગ્ર કેસ શું છે, ટાઈમલાઈન શું છે– એ અહીંથી વાંચી શકાશે.