
તાજેતરમાં કર્ણાટક હાઇકોર્ટે એક ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે. આ આદેશ અંતર્ગત કોર્ટે 10 લોકો સામે ચાલી રહેલી પોલીસ તપાસ પર રોક લગાવી દીધી છે. આ લોકો ઉપર મુસ્લિમ મતદારોનાં નામ ગેરકાયદેસર રીતે કઢાવી નાખવાના આરોપો લાગ્યા હતા.
આ સમગ્ર વિવાદની શરૂઆત કર્ણાટકમાં મતદાર યાદી સુધારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન થઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન ભાજપના BLA પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે ખોટી અરજીઓ આપીને મતદાર યાદીમાંથી મુસ્લિમ મતદારોનાં નામ હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
ચૂંટણી પંચના નિયમો અનુસાર જો કોઈ મતદારનું મૃત્યુ થયું હોય કે તે સ્થળાંતર કરી ગયો હોય તો તેનું નામ કમી કરવા માટે ‘ફોર્મ-7’ ભરવાનું હોય છે. પરંતુ, આ કેસમાં એવો આક્ષેપ થયો કે આ ફોર્મનો દુરુપયોગ કરીને જાણીજોઈને મુસ્લિમ મતદારોનાં નામ યાદીમાંથી કાઢી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે બેંગલુરુ અને જયનગર જેવા મોટા વિસ્તારોમાં હજારોની સંખ્યામાં આવી શંકાસ્પદ અરજીઓ કરવામાં આવી હતી. માત્ર એક જ વોર્ડમાંથી સેંકડો મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા માટે ફોર્મ ભરાયા હોવાની ફરિયાદો નોંધાઈ હતી, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે મોટો વિવાદ ઊભો થયો હતો.
આરોપીઓની કોર્ટમાં અરજી
આરોપીઓના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આરોપીઓએ આ અરજીઓ પોતાના કાયદેસરના અધિકાર હેઠળ કરી છે અને આ અરજીઓ સાચી છે કે ખોટી તેની તપાસ કરવાની જવાબદારી ચૂંટણી અધિકારીની છે, પોલીસની નહીં. ટૂંકમાં આ ચૂંટણી પ્રક્રિયાનો મામલો હોવાથી તેમાં પોલીસ સીધી દખલગીરી કે તપાસ ન કરી શકે.
બીજી તરફ, રાજ્ય સરકારના વકીલે પોલીસ તપાસ ચાલુ રાખવાની માગ કરી. તેમણે દલીલ કરી હતી કે મતદાન કરવાનો અધિકાર ખૂબ જ પવિત્ર છે અને કોઈને આ અધિકારથી વંચિત ન કરી શકાય. આ કારણે આ મામલે કડક તપાસ થવી જરૂરી છે.
પરંતુ, હાઇકોર્ટે આ મામલે ખૂબ જ સંતુલિત વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચ અને મતદાર નોંધણી અધિકારી (ERO) પાસે આવા મામલાઓની તપાસ કરવા માટે પોતાના પહેલેથી જ ચોક્કસ કાનૂની નિયમો અને પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે.
હાઇકોર્ટે હાલ પૂરતી આ કેસમાં પોલીસની આગળની તપાસ પર સ્ટે લગાવી દીધો છે. કોર્ટે ચૂંટણી પંચ પાસે તમામ અરજીઓનો સત્તાવાર રેકોર્ડ માગ્યો છે. ચૂંટણી અધિકારીઓ આ અરજીઓની ખરાઈ કરશે, ત્યારબાદ જ નક્કી થશે કે આગળ કાનૂની પગલાં લેવા કે નહીં.

