ઉત્તરાખંડના દેહરાદૂનમાં ખેતરના વિવાદમાં હિંદુ વ્યક્તિની હત્યા, 35ના મુસ્લિમ ટોળા સામે FIR: આરોપીઓનાં ઘર પર બુલડોઝર એક્શન

દેહરાદૂનમાં હિંદુ વ્યક્તિની હત્યા બાદ આક્રોશ, (જમણે) આરોપીઓના ઘર પર બુલડોઝર એક્શન (ફોટો- ANI)

ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક હિંદુ વ્યક્તિની હત્યા બાદ તણાવ સર્જાયો છે. વિનોદ કશ્યપના પરિવારનો ખેતરમાં સિંચાઈ બાબતે પાડોશી ઈમ્તિયાઝ અને તેના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. દરમ્યાન શનિવારે (13 જૂન) વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઈમ્તિયાઝ અને અન્યોએ હિંદુ પરિવાર પર કરી દીધેલા જીવલેણ હુમલામાં વિનોદનો જીવ ગયો.

હત્યા બાદ દેહરાદૂનમાં હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થયા અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે, ઉપરાંત આરોપીઓનાં ઘર પર બુલડોઝર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

વિગતો એવી છે કે વિનોદ કશ્યપ અને ઈમ્તિયાઝ વચ્ચે ખેતરમાં પાણીના સપ્લાય બાબતે વિવાદ ચાલતો હતો. ફરિયાદમાં વિનોદના ભાઈ અશોક કુમારે જણાવ્યું કે શનિવારે સાંજે 6 વાગ્યે ઈમ્તિયાઝ, રઝાક, અમન, યુનુસ, શાહબાઝ, શરાફત, માસૂમ, આદિલ, શમુન, સલમાન, જાવેદ, ઇન્તેજાર વગેરેનું ટોળું અન્ય 30-35 માણસોને લઈને વિનોદના ઘરે પહોંચી ગયું હતું. તમામ પાસે લાઠી-દંડા, હથોડા જેવાં હથિયારો હતાં. આ તમામે હિંદુ પરિવાર પર હુમલો કરી દીધો, જેમાં સૌથી મોટા ભાઈ વિનોદનો જીવ ગયો. અન્ય અમુક ભાઈઓને ઈજા પહોંચી હતી, જેઓ હાલ સારવાર હેઠળ છે.

આ ફરિયાદના આધારે પોલીસે હત્યા, હત્યાના પ્રયાસ, રાયોટિંગ વગેરેની કલમો હેઠળ અમુક આરોપીઓ સામે નામજોગ અને બાકીના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને અન્યોની શોધખોળ માટે ટીમો બનાવવામાં આવી છે.

બીજી તરફ હત્યા બાદ હિંદુ સમાજ મોટી સંખ્યામાં એકઠો થયો હતો અને આરોપીઓનાં એનકાઉન્ટર કરીને તેમનાં ઘરો પર બુલડોઝર કાર્યવાહીની માંગ કરી હતી. ઘણા સમય સુધી પ્રદર્શન ચાલ્યા બાદ પોલીસે કાર્યવાહીનું આશ્વાસન આપીને પ્રદર્શનકારીઓને વિખેર્યા હતા. ઉપરાંત વિસ્તારમાં વધારાનું  પોલીસ બળ પણ તહેનાત કરી દીધું હતું.

આક્રોશિત ટોળાએ એક આરોપીનું ઘર ફૂંકી માર્યું, બુલડોઝર એક્શન શરૂ

રવિવારે (14 જૂન) હિંદુ સંગઠનોએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અને બુલડોઝર એક્શનની માંગ સાથે ફરી પ્રદર્શન કર્યું હતું. દરમ્યાન આગજનીની પણ ઘટના બની. ટોળાએ એક આરોપીનું ઘર ફૂંકી માર્યું હતું અને અમુક વાહનો પણ સળગાવવામાં આવ્યાં. જોકે પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી.

રવિવારે (14 જૂન) સ્થાનિક પ્રશાસને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓનાં ઘરો પર બુલડોઝર કાર્યવાહી શરૂ કરી હતી અને બાંધકામો તોડવામાં આવ્યાં હતાં. હાલ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે, તેને જોતાં સુરક્ષા વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી પણ કેસ પર નજર રાખી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.