ખ્રિસ્તી ધર્માંતરણ બાદ ST દરજ્જો અને અનામત કેમ? જનજાતિ સુરક્ષા મંચે ફરી કેન્દ્ર સમક્ષ ઉઠાવી ડીલિસ્ટિંગની માંગ, નવી વ્યાખ્યા નક્કી કરવાની અપીલ

દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે 24 મેના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતિ સમાગમ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જનજાતિ સુરક્ષા મંચે આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ અને બંધારણીય અધિકારોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ ફરીથી રજૂ કરી. મંચનું કહેવું છે કે આ મુદ્દો માત્ર અનામતનો નહીં પરંતુ કરોડો આદિવાસીઓની ઓળખ અને અસ્તિત્વ સાથે જોડાયેલો છે.

મંચની મુખ્ય માંગ છે કે અનુસૂચિત જનજાતિનીની (ST) સ્પષ્ટ કાનૂની વ્યાખ્યા નક્કી કરવામાં આવે. તેમના મતે વર્તમાન સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકુર સમિતિના માપદંડો અનુસાર નવી વ્યાખ્યા તૈયાર થવી જોઈએ, જેથી આદિવાસી ઓળખ અંગેની ગેરસમજો દૂર થઈ શકે.

મંચે બીજી મહત્વપૂર્ણ માંગણી તરીકે જણાવ્યું કે જે વ્યક્તિ ધર્મપરિવર્તન બાદ પોતાની પરંપરાગત આદિવાસી આસ્થા, સંસ્કૃતિ, રિવાજો અને જીવનપદ્ધતિનો ત્યાગ કરે છે, તેને અનુસૂચિત જનજાતિનો દરજ્જો અને તેના લાભો ન મળવા જોઈએ. મંચનું માનવું છે કે ઓળખ, સંસ્કૃતિ અને પરંપરા એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે.

ખ્રિસ્તી બન્યા છતાં લઈ રહ્યા છે STના લાભો

મંચે દાવો કર્યો કે દેશની અંદાજે 12 કરોડ આદિવાસી વસ્તીમાંથી 1.5થી 2 કરોડ લોકો ખ્રિસ્તી મત અપનાવી ચૂક્યા છે. તેમના મતે કેટલાક કિસ્સાઓમાં ધર્મ-પરિવર્તિત લોકો એક તરફ ST અનામતનો લાભ મેળવે છે અને બીજી તરફ લઘુમતી કલ્યાણ યોજનાઓનો પણ લાભ લે છે. મંચનું કહેવું છે કે આ સ્થિતિ બંધારણીય સમાનતા અને સામાજિક ન્યાયની મૂળ ભાવના સાથે સુસંગત નથી. આ મુદ્દે વર્ષોથી ચર્ચા ચાલી રહી છે અને તેને કાનૂની રીતે સ્પષ્ટ કરવાની જરૂર છે.

જનજાતિ સુરક્ષા મંચે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સમક્ષ પણ આ માંગણીઓ રજૂ કરી હતી. મંચે સરકારને આ સમગ્ર મામલો રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગને સોંપીને જરૂરી તપાસ કરાવવા તેમજ બંધારણ અને સંબંધિત કાયદાઓમાં જરૂરી સુધારા કરવા અપીલ કરી છે.

મંચનું કહેવું છે કે આદિવાસી સમાજ છેલ્લા 75 વર્ષથી શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરતો આવ્યો છે અને હવે તેમની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત માન્યતાઓ અને બંધારણીય અધિકારોના સંરક્ષણ માટે સકારાત્મક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે આ માંગ પાછલા ઘણા વર્ષોથી થઈ રહી છે અને જનજાતિ સમુદાય ડીલિસ્ટિંગની પણ માંગ કરી રહ્યો છે.