કર્ણાટકના ધર્મસ્થળને બદનામ કરવા માટેના કાવતરામાં એક્ટર પ્રકાશ રાજ પણ સામેલ? સામૂહિક દફનનો ખોટો દાવો કરનાર સેનિટેશન વર્કરે જ હાઇકોર્ટમાં દાખલ કરી અરજી

કર્ણાટકના બહુચર્ચિત ધર્મસ્થળ કેસમાં સૌથી પહેલો દાવો કરનાર ચિનૈયા નામના શખ્સે હવે એક રિટ પીટીશન દાખલ કરીને કહ્યું છે કે આ સમગ્ર ષડ્યંત્રમાં તે તો માત્ર એક પ્યાદા તરીકે કામ કરી રહ્યો હતો અને મંદિર નગર અને તેના સંચાલકોને બદનામ કરવાનું કાવતરું અન્ય અમુક લોકોએ રચ્યું હતું. આ અરજીમાં અભિનેતા પ્રકાશ રાજનું પણ નામ આવ્યું છે.

અહીં એ ઉલ્લેખવું રહ્યું કે વર્ષ 2025માં ધર્મસ્થળમાં કામ કરી ચૂકેલા સેનિટેશન વર્કર ચિનૈયાએ એક સ્ફોટક દાવો કર્યો હતો કે 1995થી 2014 દરમ્યાન તેણે મંદિર નગરમાં જુદાં-જુદાં ઠેકાણે અનેક લાશો દફનાવી હતી, જેમાંથી મોટાભાગની મહિલાઓની હતી જેમનું યૌન શોષણ કર્યા બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. આ દાવા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ અને કર્ણાટક સરકારે એક SITની રચના કરી હતી. SITએ તપાસ દરમ્યાન અનેક ઠેકાણે ખોદકામ કર્યું અને ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારની પણ મદદ લેવામાં આવી પરંતુ કોઈ લાશો મળી ન હતી. જે હાડપિંજર મળ્યાં એ 30 વર્ષ જૂનાં અને પુરુષોનાં હતાં. ત્યારબાદ SITને પ્રશાસનને ક્લીન ચિટ આપી હતી અને પોલીસે ચિનૈયા સામે જ ગુનો દાખલ કરી દીધો હતો.

હાલ ટ્રાયલનો સામનો કરતા ચિનૈયાએ હાઇકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરી છે. તેનું કહેવું છે કે તેને આ ખોટા દાવા કરવા માટે પચાસ લાખ રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાવતરું અમુક એક્ટિવિસ્ટો, યુટ્યુબરો અને અન્ય અમુક લોકોએ રચ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય ધર્મસ્થળ અને તેના સંચાલકોને બદનામ કરવાનો હતો, જેથી તેમને જેલ થાય.

‘પ્રકાશ રાજે મારી સાથે વાત કરી હતી’

ચિનૈયાએ જણાવ્યું કે પોલીસ ફરિયાદ દાખલ કર્યા બાદ તેને કેરળની એક રિસોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં અન્ય એક વ્યક્તિએ તેને ફોન પકડાવી દીધો હતો. સામે તરફથી પ્રકાશ રાજે તેની સાથે વાત કરી હતી. ચિનૈયાનું કહેવું છે કે પ્રકાશ રાજે તેને એક્ટિવિસ્ટો જે કંઈ કહેવા માટે કહે તે જાહેરમાં બોલવા માટે કહ્યું હતું.

આરોપ અનુસાર આ સમગ્ર કાવતરા માટે ₹200 કરોડનું ફંડ નક્કી કરવામાં આવ્યું હતું અને પ્લાન જો સફળ થાય તો ચિનૈયાને ₹50 લાખ આપવા માટેનો વાયદો કરવામાં આવ્યો હતો. ચિનૈયાનું કહેવું છે કે તેણે એ પણ પૂછ્યું હતું કે આટલા રૂપિયા ક્યાંથી આવશે. પહેલાં કોઈ જવાબ ન અપાયો પણ પછીથી કહેવાયું કે પૈસા કેરળથી આવી રહ્યા છે.

તેણે એક્ટિવિસ્ટો પર તેને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે તેને દરેક પ્રકારની તાલીમ આપી હતી, ઉપરાંત કોર્ટમાં શું અને કઈ રીતે કહેવું તેની પણ ટ્રેનિંગ આપી હતી.

આ અરજી મામલે કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી છે તેમજ SIT પાસેથી અત્યાર સુધીની તપાસની સ્થિતિ વિશે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. મામલાની સુનાવણી 29 જૂનના રોજ થશે.

બીજી તરફ એક્ટર પ્રકાશ રાજે પોતાની ઉપર લાગેલા આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ મીડિયા સમક્ષ આવીને તમામ બાબતોના જવાબ આપશે.