હોમપેજક્રાઈમ‘એક દાયકામાં દફનાવ્યા સેંકડો મૃતદેહ, નગ્નાવસ્થામાં અપાતી લાશો’: કર્ણાટકના સફાઈ કર્મચારીના સ્ફોટક...

‘એક દાયકામાં દફનાવ્યા સેંકડો મૃતદેહ, નગ્નાવસ્થામાં અપાતી લાશો’: કર્ણાટકના સફાઈ કર્મચારીના સ્ફોટક દાવા બાદ કર્ણાટક સરકારે બનાવી SIT– વાંચો શું છે સમગ્ર કેસ

ફરિયાદીએ એ પણ દાવો કર્યો છે કે, મૃતદેહોને નેત્રાવતી નદીના કિનારે અને અન્ય ગુપ્ત સ્થળોએ દફનાવવામાં આવ્યા હતા, જેથી તે ઝડપથી ડિકમ્પોઝ થઈ જાય અને શોધી શકાય નહીં.

- Advertisement -

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલ યાત્રાધામ ‘ધર્મસ્થળ’ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. એક પૂર્વ સફાઈ કર્મચારીના આરોપોના કારણે આ યાત્રાધામ વિવાદમાં આવ્યું છે. સફાઈ કર્મચારીએ ઘટસ્ફોટ કરતા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી હતી કે, 1998થી 2014 દરમિયાન મંદિરના વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકોએ તેને સેંકડો મૃતદેહોને ગેરકાયદેસર રીતે દફનાવવા અથવા બાળી નાખવા માટે દબાણ કર્યું હતું. વધુમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે, આ મૃતદેહોમાં ઘણી મહિલાઓ અને સગીર બાળકીઓ હતી અને તેમના શરીર પર જાતીય અત્યાચાર અને ઈજાના નિશાન પણ હતા. આવું સતત એકાદ દાયકા સુધી બન્યું હોવાનું તે સફાઈકર્મીએ જણાવ્યું હતું. 

સમાચાર સામે આવ્યા બાદ દેશભરમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત તપાસની માંગણી પણ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને અન્ય કેટલાક લોકોએ SIT તપાસની માંગણી પણ કરી હતી. જે બાદ કર્ણાટક સરકારે આ ઘટનાની તપાસ માટે SITનું ગઠન કર્યું છે. SITનું નેતૃત્વ DGP (આંતરિક સુરક્ષા વિભાગ) પ્રણબ મોહંતી કરશે અને તેમાં DIG એમ.એન. અનુચેથ, IPS અધિકારી સૌમ્યલતા અને SP દયામાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખમાં આપણે સમગ્ર કેસને સમજવાનો પ્રયાસ કરીશું.

શું છે ધર્મસ્થળ અને શું છે આરોપો? 

ધર્મસ્થળ એ કર્ણાટકનું એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે, જે ભગવાન મંજુનાથના મંદિર માટે જાણીતું છે. આ મંદિર લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે અને તેનું સંચાલન હેગ્ગડે પરિવાર દ્વારા કરવામાં આવે છે. હેગ્ગડે પરિવારનું આ પ્રદેશમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય પ્રભુત્વ છે. વીરેન્દ્ર હેગ્ગડે મંદિરના ધર્માધિકારી અને ભાજપ-નિયુક્ત રાજ્યસભા સાંસદ છે. આ પ્રદેશના તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિ પણ છે. આ બધી બાબતોને લઈને હવે પરિવાર પણ વિવાદોના કઠેડામાં આવીને ઊભો રહી ગયો છે.

- Advertisement -

આ કેસનું કેન્દ્રબિંદુ એક પૂર્વ સફાઈ કર્મચારી છે. તે  દલિત સમુદાયમાંથી આવે છે અને 1995થી 2014 સુધી ધર્મસ્થળ મંદિર વહીવટીતંત્રમાં કામ કરતો હતો. આ વ્યક્તિએ 3 જુલાઈ, 2025ના રોજ ધર્મસ્થળ પોલીસ સ્ટેશન અને મેંગલુરુ પોલીસ અધિક્ષકને ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા અને સાથે પુરાવા તરીકે કેટલાક માનવ કંકાળના ફોટા પણ આપ્યા હતા. તેણે નીચે મુજબ આરોપો લગાવ્યા હતા.

સામૂહિક હત્યા અને જાતીય અત્યાચાર

ફરિયાદીએ એવો દાવો કર્યો છે કે, 1995થી 2014 દરમિયાન તેને સેંકડો મૃતદેહો દફનાવવા અથવા બાળવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમાંથી મોટાભાગના મૃતદેહો મહિલાઓ અને સગીર યુવતીઓના હતા. આ મૃતદેહો પર જાતીય અત્યાચાર, ગળું દબાવીને હત્યા અને અન્ય હિંસક નિશાનો હોવાનું પણ તેણે જણાવ્યું હતું. ઉદાહરણ તરીકે, ફરિયાદીએ 2010માં એક 12-15 વર્ષની સ્કૂલગર્લના મૃતદેહને દફનાવવાનો ઉલ્લેખ કર્યો, જેના શરીર પર દુષ્કર્મ અને ગળું દબાવવાના નિશાન હતા. તેણે કહ્યું હતું કે, કલ્લેરી ખાતે એક પેટ્રોલ પંપ નજીક તે બાળકીને દફનાવવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં એક 20 વર્ષની યુવતીનું શરીર એસિડથી ઓગાળી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ડીઝલથી સંપૂર્ણપણે બાળી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ફરિયાદીએ ફરિયાદમાં લખ્યું છે કે, “ઘણી મહિલાઓના મૃતદેહો કપડાં વિનાના અથવા તો અન્ડરવિયર વગરના હતા. કેટલાક મૃતદેહો પર યૌન ઉત્પીડન અને હિંસાના સ્પષ્ટ નિશાન હતા. કેટલાકના ગળા પર નિશાન હતા. 100થી વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરીને તેમને દફનાવી દેવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થઈ જાય છે. ફરિયાદ નોંધાયાના લગભગ એક અઠવાડિયા બાદ પૂર્વ સફાઈકર્મી પોતાની ઓળખ છુપાવવા માટે માથાથી લઈને પગ સુધી ઢંકાયેલી હાલતમાં જુબાની આપવા માટે કોર્ટમાં હાજર થયો હતો. તેણે દાવો કર્યો હતો કે, મંદિર પ્રશાસન સાથે જોડાયેલા પ્રભાવશાળી લોકો દોષી છે.

ધમકીઓ અને દબાણ

ફરિયાદીનું કહેવું છે કે, તેને મંદિર વહીવટીતંત્ર સાથે સંકળાયેલા પ્રભાવશાળી લોકો દ્વારા મૃતદેહો દફનાવવા અથવા બાળવા માટે ધમકીઓ આપવામાં આવી હતી. ધમકીઓમાં તેની અને તેના પરિવારની હત્યાની ચેતવણીઓનો સમાવેશ થતો હતો. જેમ કે ‘તારા કટકા કરી નાખીશું’ અને ‘તારા પરિવારને ખતમ કરી દઈશું.’

ગેરકાયદેસર દફનના સ્થળો

ફરિયાદીએ એ પણ દાવો કર્યો છે કે, મૃતદેહોને નેત્રાવતી નદીના કિનારે અને અન્ય ગુપ્ત સ્થળોએ દફનાવવામાં આવ્યા હતા, જેથી તે ઝડપથી ડિકમ્પોઝ થઈ જાય અને શોધી શકાય નહીં. ફરિયાદીએ દાવો કર્યો કે તેણે 2024માં ગુપ્ત રીતે એક દફન સ્થળ પરથી હાડપિંજરના અવશેષો ખોદી કાઢ્યા હતા અને તેના ફોટોગ્રાફ્સ ફરિયાદ સાથે તેણે પોલીસને પણ સોંપ્યા છે. જેમાં તેની વિશ્વસનીયતા સાબિત કરવા માટે તેનું આધાર કાર્ડ અને જૂનું કર્મચારી આઈડી પણ સામેલ કરવામાં આવ્યું છે.

વ્યક્તિગત ટ્રોમા

ફરિયાદીએ આરોપ લગાવતા વધુમાં કહ્યું છે કે, 2014માં તેના પરિવારની એક સગીર યુવતી પર મંદિર વહીવટીતંત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ દ્વારા જાતીય અત્યાચારઆચરવામાં આવ્યો હતો, જેના કારણે તેણે પોતાના પરિવાર સાથે ધર્મસ્થળ છોડીને બહાર ભાગી જવું પડ્યું હતું. દાયકાઓ સુધી છુપાઈને જીવ્યા બાદ અપરાધબોધ અને ન્યાયની ઈચ્છાએ તેને 2024માં પાછા ફરવા અને આ આરોપો રજૂ કરવા પ્રેર્યો. તેણે જણાવ્યું કે, “જો આ મૃતદેહોને યોગ્ય અંતિમ સંસ્કાર આપવામાં આવે તો પીડિતોના આત્માઓને શાંતિ મળશે અને મારો અપરાધબોધ પણ ઓછો થશે.”

ફરિયાદ બાદ સામે આવ્યા અનેક કિસ્સાઓ

ફરિયાદી સફાઈ કર્મચારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ સુજાતા નામની એક અન્ય મહિલાએ પણ ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ હતો કે, તેની પુત્રી ધર્મસ્થળની યાત્રા દરમિયાન ગુમ થઈ ગઈ હતી અને હજુ સુધી મળી શકી નથી. ગુમ થયેલી આ યુવતીની માતાનું માનવું છે કે, તેમની પુત્રી આ કેસની પીડિતા છે. જોકે, તે સિવાયના કિસ્સા ફરિયાદીએ પોતે જ વર્ણવ્યા છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે, તેણે 2010માં કલ્લેરીમાં એક પેટ્રોલ પંપ પાસે 12-15 વર્ષની એક સ્કૂલની વિદ્યાર્થિનીને દફનાવી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, બાળકી સ્કૂલ યુનિફોર્મમાં હતી, પરંતુ તેની સ્કર્ટ અને અંડરગારમેન્ટ્સ ગુમ હતા અને તેના શરીર પર યૌન શોષણ અને ગળું દબાવ્યાના નિશાન પણ હતા.


અન્ય એક પીડિતા વિશે વાત કરતા સફાઈ કર્મચારીએ  કહ્યું હતું કે, તે 20 વર્ષની યુવતી હતી, જેનો ચહેરો એસિડથી બાળી નાખવામાં આવ્યો હતો અને તેનો મૃતદેહ અખબારોમાં લપેટી દેવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, તેને ડીઝલથી યુવતીના શરીરને બાળવાની સૂચના આપવામાં આવી હતી. વધુમાં તેણે એ પણ કહ્યું છે કે, તેને કેટલાક મૃતદેહોને નેત્રાવતી નદીના કિનારે દફનાવવાની સૂચના આપવામાં આવી હતી, જેથી મૃતદેહો શોધી ન શકાય અને ભીની માટીને કારણે ઝડપથી સડી જાય.

કેટલે પહોંચી તપાસ? 

દક્ષિણ કન્નડ પોલીસે કોર્ટની પરવાનગી મેળવીને દફન સ્થળોની ખોદકામની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોલીસે ફરિયાદીના નિવેદનની સત્યતા ચકાસવા માટે પોલિગ્રાફ, બ્રેઈન મેપિંગ અને નાર્કો એનાલિસિસ જેવા વૈજ્ઞાનિક પરીક્ષણોની મંજૂરી પણ માંગી છે. ફરિયાદીની સુરક્ષા માટે તેને વિટનેસ પ્રોટેક્શન સ્કીમ, 2018 હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે.

જાહેર દબાણ, કર્ણાટક રાજ્ય મહિલા આયોગની ભલામણ અને નિવૃત્ત સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ વી. ગોપાલ ગૌડા સહિતના આગેવાનોની માંગણીઓને પગલે, કર્ણાટક સરકારે 19 જુલાઈ, 2025ના રોજ SITની રચના કરી છે. SITને ધર્મસ્થળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર 39/2025 સહિત રાજ્યભરના સંબંધિત તમામ ગુનાઓની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તેમને નિયમિત પ્રગતિ અહેવાલ DGP અને IGPને સબમિટ કરવા અને અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાની સૂચના આપવામાં આવી છે.

SITને નેત્રાવતી નદીના કિનારે અને અન્ય સ્થળોએ દફનાવેલા અવશેષોની ખોદકામની પ્રક્રિયા હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં વિડીયો રેકોર્ડિંગ અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. ફરિયાદીએ દફન સ્થળો બતાવવાની અને ગુનેગારોની ઓળખ કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ તેની અને તેના પરિવારની સુરક્ષા એ મુખ્ય ચિંતાનો વિષય છે.

આ ઉપરાંત ધર્મસ્થળ તરફથી પણ આધિકારિક નિવેદન સામે આવ્યું છે. 21 જુલાઈ, 2025ના રોજ શ્રી ક્ષેત્ર ધર્મસ્થળના પ્રવક્તા કે. પાર્શ્વનાથ જૈને નિવેદન જાહેર કરીને SIT દ્વારા સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની આશા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, ‘સત્ય અને વિશ્વાસ સમાજની નૈતિકતા અને મૂલ્યોનો આધાર છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં