Thursday, April 2, 2026
More
    હોમપેજક્રાઈમ17 સ્થળોએ કર્યું ખોદકામ, ન મળ્યા અવશેષો: કર્ણાટકના ધર્મસ્થળ કેસમાં હવે આરોપો...

    17 સ્થળોએ કર્યું ખોદકામ, ન મળ્યા અવશેષો: કર્ણાટકના ધર્મસ્થળ કેસમાં હવે આરોપો પર ઉઠ્યા સવાલ

    આ ઘટનાએ ભક્તોમાં રોષ ફેલાવ્યો છે અને તેઓ ‘સફાઈ કર્મચારી’ તથા તેના આરોપોને સમર્થન આપનારાઓ સામે કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. પરિણામે, રાજ્ય સરકારે ખોટા આરોપો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

    - Advertisement -

    કર્ણાટકના (Karnataka) બહુચર્ચિત ધર્મસ્થળ કેસમાં (Dharmasthala Case) હવે વળાંક આવ્યો છે. એક સફાઈ કર્મચારીના આરોપો હતા કે એક દાયકા દરમિયાન તે વિસ્તારમાં અનેક મહિલાઓ અને બાળકીઓની હત્યા કરીને તેમના મૃતદેહો દફનાવી દેવામાં આવ્યા હતા. હવે સરકારે રચેલી SITની તપાસ દરમિયાન આવાં 17 સ્થળોએ કોઈપણ પુરાવા મળી શક્યા નથી. આ ઘટનાને લઈને કર્ણાટકનું રાજકારણ પણ ગરમાયું છે. ભાજપ નેતાએ દાવો કર્યો છે કે, આ સનાતન સંસ્કૃતિના ધર્મસ્થળને બદનામ કરવાનું કાવતરું છે. આ ઉપરાંત તેમણે ધર્મસ્થળ સુધી રેલીનું આયોજન પણ કર્યું હતું. 

    વિગતે વાત કરીએ તો SITની ગહન તપાસ બાદ થયેલા ખોદકામમાં કથિત રીતે બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી એક પણ મહિલાનું હાડપિંજર મળી આવ્યું નથી. હવે ભાજપે મંદિરને બદનામ કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની માંગણી કરી છે. વધુમાં સત્તારૂઢ કોંગ્રેસે ભાજપ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, સરકારે ખોટી ફરિયાદને લઈને કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.

    17 સ્થળોએ કર્યું ખોદકામ, પણ ન મળ્યા અવશેષો

    ધર્મસ્થળમાં કોઈ અજ્ઞાત ‘સફાઈ કર્મચારી’ દ્વારા લગાવાયેલા યુવતીઓ અને સગીર બાળકીઓના બળાત્કાર અને હત્યા બાદ સામૂહિક દફનના આરોપો પર પ્રશ્નો ઉઠવાના શરૂ થયા છે. કારણ કે, આ મામલે એક પણ પુરાવો મળી શક્યો નથી. આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે 19 જુલાઈએ SITની રચના કરી હતી. ‘સફાઈ કર્મચારીએ’ 13 ‘દફન સ્થળો’ની માહિતી આપી અને SITએ તે સ્થળોનું ખોદકામ શરૂ કર્યું. જોકે, કોઈ જગ્યાએ શંકાસ્પદ પુરાવા મળી શક્યા નહીં. 

    - Advertisement -

    જેમ-જેમ SITએ એક પછી એક સ્થળનું ખોદકામ કર્યું, આ આરોપો ખોટા સાબિત થવા લાગ્યા. કારણ કે, કોઈપણ સ્થળે કંઈ મળ્યું નહીં. ‘સફાઈ કર્મચારીએ’ અદાલતમાં રજૂ કરેલી ખોપરી પણ પુરુષની હોવાનું સામે આવ્યું છે. બે હોસ્પિટલોમાં કરાયેલા પરીક્ષણોમાં પુષ્ટિ થઈ કે, તે 30 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા એક પુરુષની ખોપરી હતી. માત્ર એક સ્થળે થોડાં હાડકાં મળ્યાં, તે પણ પુરુષનાં હતાં. અન્ય એક સ્થળે મળેલા કેટલાક આઈડી કાર્ડ્સ એક એવા પુરૂષના હતા જેનું માંદગીથી મૃત્યુ થયું હતું.

    17 સ્થળોનું ખોદકામ કર્યા બાદ પણ કંઈ ન મળતાં SITએ ‘સફાઈ કર્મચારી’ની માંગણી પર ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારનો ઉપયોગ કર્યો, પરંતુ તેમાં પણ સફળતા ન મળી. અહેવાલો અનુસાર, માત્ર એક સ્થળ (સ્થળ નંબર 6) પર હાડકાં મળ્યાં, જે ફોરેન્સિક ડોક્ટરો અનુસાર પુરુષનાં હતાં. ‘સફાઈ કર્મચારીએ’ દાવો કર્યો હતો કે, સ્થળ નંબર 13 પર 16 ફૂટની ઊંડાઈએ 60-100 મૃતદેહો દફનાવાયા હતા. પરંતુ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારથી કંઈ ન મળ્યું અને ખોદકામમાં પણ કંઈ હાથ લાગ્યું નહીં.

    ‘સફાઈ કર્મચારી’નું વર્તન પણ શંકાસ્પદ રહ્યું. જ્યારે SIT સ્થળ નંબર 11નું ખોદકામ કરી રહી હતી, ત્યારે તેને અચાનક ‘યાદ આવ્યું’ કે, વાસ્તવિક સ્થળ 150 મીટર દૂર છે. ત્યાં 81 હાડકાં જમીન પર પડેલાં મળ્યાં, દફનાવેલાં ન્હોતાં. નિષ્ણાતોના મતે આ હાડકાં પણ પુરુષનાં હતાં. ત્યાં પુરૂષનાં કપડાં અને ઝાડ પર લટકતી લાલ સાડી મળી, જે આત્મહત્યાનો કેસ હોવાનું સૂચવે છે. તે સ્થળનું ખોદકામ કરતાં પણ કંઈ મળ્યું નહીં.

    17 સ્થળોનું ખોદકામ નિષ્ફળ રહ્યા બાદ SITએ ‘સફાઈ કર્મચારી’ દ્વારા જણાવેલા તમામ સ્થળોનું ખોદકામ ન કરવાનો નિર્ણય લીધો છે. તેઓ હજુ થોડાં સ્થળોની તપાસ કરશે, જ્યાં તેણે સામૂહિક દફનનો દાવો કર્યો હતો. એક અન્ય ફરિયાદી, જેણે 13 વર્ષની બાળકીના દફનનો દાવો કર્યો હતો, તે સ્થળની પણ તપાસ થશે. SITએ બે સ્થળોએ મળેલા હાડપિંજરના અવશેષો માટે અકુદરતી મૃત્યુની FIR નોંધી છે અને તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, અનન્યા ભટ્ટ નામની ગુમ થયેલી બાળકીના કેસની પણ તપાસ ચાલુ છે.

    આ ઘટનાએ ભક્તોમાં રોષ ફેલાવ્યો છે અને તેઓ ‘સફાઈ કર્મચારી’ તથા તેના આરોપોને સમર્થન આપનારાઓ સામે કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. પરિણામે, રાજ્ય સરકારે ખોટા આરોપો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

    શરૂ થયું રાજકીય ઘમાસાણ

    નોંધનીય છે કે, ભાજપે શનિવારે (16 ઑગસ્ટ) ધર્મસ્થળ મંદિર સુધી મોટી રેલી કાઢી હતી અને કાવતરાખોરો સામે કાર્યવાહીની માંગણી કરી હતી. ભાજપે જણાવ્યું હતું કે, ‘સામૂહિક દફન’ના આરોપો દ્વારા સનાતન ધર્મના મંદિરની બદનામી કરવાનો ખોટો પ્રચાર ચલાવવામાં આવ્યો છે. ભાજપ નેતા એસ. આર. વિશ્વનાથે જણાવ્યું કે, શરૂઆતમાં પાર્ટીએ કંઈ નહોતું કહ્યું, કારણ કે તેમને લાગ્યું કે, આરોપોમાં કદાચ સત્યતા હોય શકે.

    ભાજપ નેતાએ વધુમાં જણાવ્યું કે, હવે જ્યારે ખોદકામમાં કોઈ સામૂહિક દફન મળ્યું નથી તો પાર્ટીએ ધર્મસ્થળ ક્ષેત્રના સમર્થનમાં ઊભા રહીને ખોટા પ્રચાર સામે લડવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ‘સફાઈ કર્મચારી’ હાલ સુરક્ષા હેઠળ છે. ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે દાવો કર્યો છે કે, કુદરતી કારણો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને લીધે જમીન ખસી ગઈ હોવાથી મૃતદેહો મળ્યા નથી.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કર્ણાટક સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે જણાવ્યું છે કે, ધર્મસ્થળની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું એક સુનિયોજિત કાવતરું રચવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જો ‘સામૂહિક દફન’ના આરોપો ખોટા સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં