બોટાદ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ સાળંગપુર ધામ ફરી એકવાર રાજ્યના ધાર્મિક-સામાજિક વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિર સાથે સંકળાયેલા એક નિર્ણયે માત્ર પંથકમાં જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ સંતો, ધાર્મિક સંગઠનો અને ભક્તવર્ગમાં પણ ઉગ્ર ચર્ચા જગાવી છે. ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી વિરાટ હનુમાન પ્રતિમા, કષ્ટભંજનદેવ હનુમાનજીના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ વાઘાં-શણગાર અને અન્ય સર્જનાત્મક કૃતિઓ માટે કૉપીરાઇટ તથા ટ્રેડમાર્ક સુરક્ષા મેળવવામાં આવી હોવાની જાહેરાત થયા બાદ સમગ્ર વિવાદ શરૂ થયો છે.
એક તરફ મંદિર ટ્રસ્ટ આ નિર્ણયને આધ્યાત્મિક વારસાના રક્ષણ અને ડિજિટલ યુગમાં વધી રહેલી છેતરપિંડી સામેનાં જરૂરી પગલાં તરીકે રજૂ કરી રહ્યું છે તો બીજી તરફ અનેક સંતો, બ્રાહ્મણો, મહામંડલેશ્વરો અને હિંદુ સંગઠનો આ મુદ્દાને ભગવાનનાં સ્વરૂપો સાથે જોડાયેલી આસ્થા અને પરંપરાનો પ્રશ્ન ગણાવી રહ્યા છે. પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી સાળંગપુર ધામ કૉપીરાઇટ, ટ્રેડમાર્ક અને ધાર્મિક અધિકાર જેવા મુદ્દાઓને લઈને ચર્ચામાં આવ્યું છે.
આખરે સાળંગપુર ધામે એવું શું કર્યું કે આ વિવાદ ઊભો થયો? મંદિર ટ્રસ્ટ શું કહી રહ્યું છે? વિરોધ કરનારા સંતો અને સંગઠનોના વાંધા શું છે? અને આ સમગ્ર મામલો હકીકતમાં છે શું?– વાંચો.
સાળંગપુર ધામે એવી શું જાહેરાત કરી કે વિવાદ શરૂ થયો?
વિવાદની શરૂઆત 12 જૂન 2026ના રોજ થઈ. આ દિવસે સાળંગપુર ધામ તરફથી જાહેર કરવામાં આવ્યું કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં વિવિધ દિવ્ય સ્વરૂપો, ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી વિરાટ પ્રતિમા, વિશિષ્ટ વાઘાં-શણગાર તથા કેટલીક અન્ય સર્જનાત્મક કૃતિઓ માટે કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક સંબંધિત પ્રમાણપત્રો પ્રાપ્ત થયાં છે. ત્યારબાદ આ પ્રમાણપત્રો હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યાં હતાં.
મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત રાખવી સમયની જરૂરિયાત બની ગઈ છે. મંદિર તંત્રના જણાવ્યા મુજબ આ માત્ર એક કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ ભવિષ્યમાં મંદિરની આગવી ઓળખ અને તેની સાથે સંકળાયેલી આધ્યાત્મિક સંપત્તિના સંરક્ષણ માટેનું પગલું છે.
જાહેરાત સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. ઘણા લોકો આ નિર્ણયને મંદિરની આગવી ઓળખ બચાવવા માટે જરૂરી ગણાવી રહ્યા હતા, જ્યારે બીજી તરફ કેટલાક વર્ગોમાં એવી ધારણા મજબૂત થવા લાગી કે શું હવે ભગવાનનાં સ્વરૂપો પર પણ કૉપીરાઇટ અથવા ટ્રેડમાર્ક મેળવી શકાય? આ પ્રશ્ને જ સમગ્ર વિવાદને જન્મ આપ્યો.
મંદિર ટ્રસ્ટને આ પગલું ભરવાની જરૂર કેમ પડી?
સાળંગપુર ધામના વહીવટીતંત્રનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મંદિરના નામે મોટા પ્રમાણમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સામે આવ્યા હતા. ટ્રસ્ટના જણાવ્યા મુજબ અનેક નકલી વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પેજ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા સાળંગપુરના નામે ખોટા રૂમ બુકિંગ, ઓનલાઈન પ્રસાદ, દાન-ફાળો અને વિવિધ સેવાઓના નામે ભક્તો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
મંદિરનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં માત્ર સામાન્ય ફરિયાદો પૂરતી સાબિત થતી નહોતી. ઘણી વખત છેતરપિંડી કરનારા તત્વો મંદિરની તસવીરો, પ્રતિમાઓ, શણગાર અને ઓળખનો ઉપયોગ કરીને ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. આવી સ્થિતિમાં કાનૂની કાર્યવાહી વધુ અસરકારક બને અને સાયબર ગુનેગારો સામે ઝડપથી પગલાં લઈ શકાય તે માટે કૉપીરાઇટ અને આઈપી રાઈટ્સનું કાનૂની રક્ષણ મેળવવું જરૂરી બન્યું હતું.
મંદિર ટ્રસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં સાળંગપુર ધામ તરફથી કોઈ ઓનલાઈન રૂમ બુકિંગ સેવા અથવા ઘર બેઠા પ્રસાદની વ્યવસ્થા ચલાવવામાં આવતી નથી. ભક્તોએ માત્ર સત્તાવાર માધ્યમો પર જ વિશ્વાસ રાખવો જોઈએ અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વેબસાઇટને નાણાં ચૂકવતાં પહેલાં સાવચેતી રાખવી જોઈએ.
વિરોધની શરૂઆત ક્યાંથી થઈ?
જાહેરાત બાદ સૌપ્રથમ વિરોધનો અવાજ વિવિધ સંતો અને સનાતન સંગઠનો તરફથી ઉઠ્યો. સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે આ મુદ્દે વાંધો ઉઠાવતાં પ્રશ્ન કર્યો કે જો આજે હનુમાનજીનાં સ્વરૂપો સાથે કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક જોડાઈ શકે તો કાલે કોઈ અન્ય દેવી-દેવતા અંગે પણ સમાન દાવા થઈ શકે. તેમના મતે સનાતન પરંપરામાં ભગવાનને આ પ્રકારની કાનૂની માલિકી સાથે જોડવાનો વિચાર યોગ્ય નથી.
તેમણે એવો પણ દાવો કર્યો કે સનાતન ધર્મની પરંપરામાં ભગવાન સર્વના છે અને તેમને કોઈ કાનૂની સરહદોમાં બાંધવાનો પ્રયાસ ન થવો જોઈએ. જ્યોતિર્નાથ મહારાજે આ મુદ્દે કાનૂની લડત સુધી જવાની પણ ચીમકી આપી હતી.
વિરોધમાં જોડાયેલો અન્ય એક મહત્વપૂર્ણ અવાજ મેંદરડાના ખાખીમઢી રામજી મંદિરના ગાદીપતિ સુખરામદાસ બાપુનો હતો. તેમણે જણાવ્યું કે ભગવાન ક્યારેય કોઈના કૉપીરાઇટ બની શકે નહીં. તેમના મતે ભગવાન સમગ્ર સમાજના છે અને તેમને કોઈ સંસ્થા કે ટ્રસ્ટ સાથે વિશિષ્ટ રીતે જોડવાનો પ્રયાસ દુઃખદ છે.
બ્રાહ્મણ સંગઠનો પણ મેદાનમાં આવ્યાં
વિવાદ માત્ર સંતો પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સહિત અનેક સંગઠનોએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન, જેઓ કોંગ્રેસ પ્રવક્તા પણ છે, હેમાંગ રાવલે જણાવ્યું કે ભગવાન પર દરેક ભક્તનો અધિકાર છે, કોઈ એક ટ્રસ્ટનો નહીં. તેમના મતે હનુમાનજી, ભગવાન રામ અને ગણપતિ જેવા દેવી-દેવતાઓ કોઈ ચોક્કસ સંપ્રદાયની કોર્પોરેટ સંપત્તિ બની શકે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય બંધારણની કલમ 21 અને 25 નાગરિકોને પોતાના ધર્મ અને આસ્થાનું પાલન કરવાનો અધિકાર આપે છે. આવી સ્થિતિમાં ભગવાનના નામ અથવા સ્વરૂપો સાથે કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક જેવી બાબતોને જોડવી અનેક પ્રશ્નો ઉભા કરે છે. તેમણે ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવા ઉપરાંત હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ વાત કરી હતી.
બ્રહ્મ સમાજના આગેવાનો અશ્વિન ત્રિવેદી અને હેમાંગ રાવલે પણ દલીલ કરી હતી કે ‘સાળંગપુર’ તો એક ગામનું નામ છે અને ‘કષ્ટભંજનદેવ’ હનુમાનજીના પરંપરાગત નામોમાંનું એક છે. તેથી આવા શબ્દો અને પ્રતીકો સાથે ટ્રેડમાર્કનો પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
મહામંડલેશ્વરો અને અન્ય સંતોએ શું કહ્યું?
વિવાદ આગળ વધતાં અન્ય સંતો અને મહામંડલેશ્વરો પણ આ વિવાદમાં જોડાયા. મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજે જણાવ્યું કે ભગવાન કોઈ એક સંપ્રદાય, ટ્રસ્ટ કે સંસ્થાના નથી, પરંતુ સમગ્ર સમાજના છે. અનેક ધાર્મિક આગેવાનોએ પણ લગભગ સમાન ભાવના વ્યક્ત કરતા કહ્યું કે સનાતન પરંપરામાં ભગવાનને સર્વસામાન્ય માનવામાં આવે છે અને આસ્થાના કેન્દ્રો પર કોઈ પ્રકારનો એકાધિકાર ન હોવો જોઈએ.
જોકે તમામ આગેવાનો, સંતો અને વિરોધ કરનારાઓના શબ્દો અલગ હતા, પરંતુ તેમનો મૂળ તર્ક એક જ હતો કે ભગવાન પર કોઈનો વિશેષ અધિકાર હોઈ શકે નહીં.
ટ્રસ્ટે શું સ્પષ્ટતા આપી?
વિવાદ વધતાં સાળંગપુર ધામના વહીવટીતંત્રે વિસ્તૃત સ્પષ્ટતા પણ આપી હતી. ટ્રસ્ટે જણાવ્યું કે સમગ્ર વિવાદમાં સૌથી મોટી ગેરસમજ એ છે કે જાણે મંદિર ભગવાન પર માલિકીનો દાવો કરી રહ્યું હોય. ટ્રસ્ટે કહ્યું કે તેમનો એવો કોઈ હેતુ નથી અને હનુમાનજી મહારાજ સમગ્ર સૃષ્ટિના છે અને સદાય સર્વના જ રહેશે.
ટ્રસ્ટનું કહેવું છે કે કૉપીરાઇટ અને ટ્રેડમાર્કનો સંબંધ ભગવાન સાથે નહીં, પરંતુ મંદિરની આગવી ઓળખ, વિશિષ્ટ પ્રતિમાઓ, સર્જનાત્મક કૃતિઓ, વાઘા-શણગાર અને સંબંધિત વિઝ્યુઅલ અભિવ્યક્તિઓ સાથે છે. આ પગલાંનો મુખ્ય હેતુ ભક્તોને છેતરપિંડીથી બચાવવાનો અને મંદિરની ઓળખનો દુરુપયોગ થતો રોકવાનો છે.
વિવાદનું કેન્દ્ર શું છે?
આ સમગ્ર વિવાદને નજીકથી જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે અહીં બે અલગ દૃષ્ટિકોણ સામસામે છે. એક તરફ મંદિર ટ્રસ્ટનું માનવું છે કે આધુનિક સમયમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે કાનૂની સાધનોનો ઉપયોગ જરૂરી બની ગયો છે. બીજી તરફ વિરોધ કરનારાઓ માને છે કે ભગવાનના સ્વરૂપો અને ધાર્મિક પ્રતીકોને કૉપીરાઇટ તથા ટ્રેડમાર્ક જેવાં માળખાં સાથે જોડવાથી આસ્થા અને પરંપરા અંગેના પ્રશ્નો ઊભા થાય છે.
અત્યારે વિવાદનો મુખ્ય મુદ્દો એ નથી કે મંદિર ટ્રસ્ટ ભગવાન પર માલિકીનો દાવો કરે છે કે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના દાયરામાં આવતી બાબતોને લોકો કેવી રીતે સમજે છે અને તેમની ધાર્મિક લાગણીઓ પર તેની શું અસર પડે છે.
હાલ સ્થિતિ શું છે?
હાલમાં આ વિવાદને લઈને બંને પક્ષો પોતાનાપોતાના વલણ પર અડગ દેખાઈ રહ્યા છે. એક તરફ વિવિધ સંતો અને સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં કાનૂની લડત સુધી જવાની ચીમકીઓ પણ આપવામાં આવી છે. બીજી તરફ સાળંગપુર ધામનું વહીવટીતંત્ર સતત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે તેમનો હેતુ ભગવાન પર માલિકી સ્થાપિત કરવાનો નહીં, પરંતુ મંદિરની આગવી ઓળખ અને ભક્તોની સુરક્ષાનું રક્ષણ કરવાનો છે.
આગામી દિવસોમાં આ ચર્ચા માત્ર ધાર્મિક મંચો પૂરતી મર્યાદિત રહે છે કે પછી કાનૂની સ્તર સુધી પહોંચે છે, તેના પર સૌની નજર રહેશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે સાળંગપુર ધામનો આ નિર્ણય કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, આસ્થા અને ધાર્મિક વારસાના સંરક્ષણ અંગેની એક મોટી ચર્ચાને જન્મ આપી ચૂક્યો છે, જે હજુ આગામી દિવસોમાં વધુ વિસ્તરે તેવી સંભાવના છે.


