
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં અપહરણ કરાયેલા ભારતીય મૂળના 75 વર્ષીય હીરા વેપારી ધીરુભાઈ રામાણી આખરે મુક્ત થયા છે. અહેવાલ મુજબ, યુએસ (US) સ્થિત તેમના પરિવારે માલીમાં અપહરણકર્તાઓને €4 મિલિયનની (લગભગ ₹44 કરોડ) મોટી રકમ ખંડણી પેટે ચૂકવીને તેમને છોડાવ્યા છે. ધીરુભાઈ મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના ધાર ગામના વતની છે અને સુરતના હીરા ઉદ્યોગ સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે.
ધીરુભાઈ રામાણીનું ગત એપ્રિલ મહિનામાં માલીમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ ત્યાં છેલ્લા કેટલાક સમયથી રહેતા હતા અને તાજેતરમાં જ તેમણે ત્યાં સોનાની એક ખાણ ખરીદી હતી. શરૂઆતમાં અપહરણકર્તાઓએ તેમની મુક્તિ માટે ₹100 કરોડની ખંડણી માંગી હતી. પરંતુ યુએસમાં રહેતા તેમના પરિવારે જાતે જ મધ્યસ્થી કરીને અપહરણકર્તાઓ સાથે વાટાઘાટો કરી હતી અને આખરે 4 મિલિયન યુરો પર સંમતિ સાધી હતી.
આ મુક્તિની પ્રક્રિયામાં ભારત સરકારની કોઈ એજન્સી સામેલ નહોતી. મુક્ત થયા બાદ પણ ધીરુભાઈ હાલ માલીમાં જ છે. ત્યાંની સ્થાનિક પોલીસ તેમના અપહરણ, મુક્તિ અને તે સંબંધિત સંજોગો અંગે પૂછપરછ કરી રહી છે. ધીરુ રામાણી 1980ના દાયકાથી હીરાના વેપાર સાથે સંકળાયેલા છે. બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા, જ્યાં તેમનો પરિવાર આંતરરાષ્ટ્રીય સ્તરે હીરાના વ્યવસાય સાથે જોડાયેલો છે.
🎤 Attention:
— India in Mali (@IndianEmbassyML) April 25, 2026
All Indian nationals in Mali are requested to take note of the latest advisory issued by the Embassy of India, Bamako enclosed below: 👇@MEAIndia @IndianDiplomacy @diaspora_india pic.twitter.com/uYTc62vSA0
એપ્રિલ મહિનામાં જ્યારે તેમનું અપહરણ થયું ત્યારે માલીની રાજધાની બમાકો સ્થિત ભારતીય દૂતાવાસે સુરક્ષા એડવાઈઝરી પણ જારી કરી હતી. 25 એપ્રિલના રોજ જારી કરાયેલી આ એડવાઈઝરીમાં ભારતીય દૂતાવાસે માલીમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, સાવચેતી રાખવા અને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરી હતી. જોકે તે સમયે જારી કરાયેલી સુરક્ષા સલાહમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

