
પીએમ નરેન્દ્ર મોદીના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલો વિડીયો મંગળવારે (28 જુલાઈ) અચાનક પ્લેટફોર્મ પર બ્લોક થઈ જતાં વિવાદ સર્જાયો હતો. થોડા સમય માટે વિડીયો ખોલવાનો પ્રયાસ કરનારાઓને પોસ્ટ ભારતમાંથી ‘લીગલ રિક્વેસ્ટ’ને કારણે ઉપલબ્ધ નથી તેવો મેસેજ દેખાયો હતો. જોકે થોડા કલાકોમાં જ વિડીયો ફરી રિસ્ટોર કરવામાં આવ્યો હતો.
વિવાદ વધ્યા બાદ Metaએ સત્તાવાર રીતે માફી માંગતા જણાવ્યું કે વિડીયો કોઈ નીતિભંગ કે સરકારી નિર્દેશના કારણે નહીં, પરંતુ આંતરિક ‘ટેક્નિકલ ગ્લિચ’ના કારણે ભૂલથી હટાવી દેવામાં આવ્યો હતો. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ એક અનિચ્છનીય ટેક્નિકલ ભૂલ હતી અને ત્યારબાદ વિડીયો ફરી ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા Meta અને Instagramના ગ્લોબલ હેડ્સને સમન્સ પાઠવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સરકાર આ મામલે કંપની પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગશે કે આખરે વડા પ્રધાનના સત્તાવાર એકાઉન્ટ પરનો વિડીયો કેવી રીતે બ્લોક થયો અને ‘લીગલ રિક્વેસ્ટ’નો મેસેજ કેમ દેખાયો.
નોંધનીય છે કે આ વિડીયો CJPના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે પીએમ મોદીનો જનરેશન-Zને સંબોધતો પ્રથમ સીધો વિડીયો હતો. તેમાં તેમણે પેપર લીકના મુદ્દા અને સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાં વિશે વાત કરી હતી. વિડીયો થોડા સમય માટે બ્લોક રહેતા સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી.
આ પહેલાં પીએમ મોદીએ પણ આ વિડીયોને મળેલા પ્રતિસાદ બદલ યુવાનોનો આભાર માન્યો હતો. આકાશવાણી ન્યુઝના જણાવ્યા અનુસાર વિડીયો 24 કલાકમાં 30.3 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો હતો, જે તેમના સૌથી વધુ જોવાયેલા સોશિયલ મીડિયા વિડીયો પૈકીનો એક બની ગયો છે.
મહત્વનું છે કે હાલમાં ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની કન્ટેન્ટ મોડરેશન નીતિઓ અને સ્થાનિક કાયદાના પાલનને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આવા સમયે પ્રધાનમંત્રીના સત્તાવાર એકાઉન્ટ પરથી વિડીયો અચાનક બ્લોક થવાની ઘટનાએ નવા પ્રશ્નો ઉભા કર્યા છે. Metaએ તેને ટેક્નિકલ ગ્લિચ ગણાવીને મામલો સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ અને સ્પષ્ટતા માંગવાના મૂડમાં છે.

