
NEET (UG) પરીક્ષામાં પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. CJPએ આંદોલન ફરી શરૂ કરવાની ચીમકી આપ્યા બાદ આસામ અને બિહાર સરકારે પ્રદર્શનકારીઓ અને વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ પોલીસ કેસો પાછા ખેંચવાની અને ધરપકડ કરાયેલા લોકોને તુરંત મુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
બિહાર સરકારના ગૃહ વિભાગે મોડી રાત્રે જારી કરેલ નિવેદન અનુસાર 26 જુલાઈ 2026ના રોજ સાંજે 6 વાગ્યા પહેલાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા કોઈપણ વ્યક્તિ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. સરકારે આ સંબંધિત તમામ FIR અને શો-કોઝ નોટિસ પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે અને ધરપકડ કરાયેલા લોકોને તુરંત છોડી મૂકવાની ખાતરી આપી છે.
બિહાર પોલીસના જણાવ્યા અનુસાર 25 જુલાઈના રોજ લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોએ આપેલ ‘બિહાર બંધ’ દરમિયાન કુલ 694 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાંથી 339 સગીરોને છોડી મુકાયા હતા, જ્યારે બાકીના 355 લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. અટકાયત કરાયેલા મુખ્ય નેતાઓમાં CPI(ML) લિબરેશનના ધારાસભ્ય સંદીપ સૌરવ અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવનો પણ સમાવેશ થતો હતો, જેમને હવે મુક્ત કરવામાં આવશે.
આસામ સરકારે પણ રદ્દ કર્યા કેસ
બીજી તરફ આસામના ગૃહ અને રાજકીય વિભાગે પણ જાહેરાત કરી છે કે NEET અનિયમિતતાઓ સામેના વિરોધ પ્રદર્શન સંબંધિત નોંધાયેલા તમામ 5 કેસો પાછા ખેંચવામાં આવશે. આ કેસો હેઠળ અટકાયતમાં લેવાયેલા 13 લોકોને મુક્ત કરવામાં આવશે. આસામ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં સુધારા અને પારદર્શિતા લાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રદર્શનકારીઓ સામેની તમામ કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણયો CJPના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સોમવારે રાત્રે 2થી 3 કલાક ચાલેલી વાટાઘાટો બાદ સામે આવ્યા છે. CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ જણાવ્યું કે જંતર-મંતર ખાતેનું આંદોલન સમેટી લેતા પહેલાં સરકાર સાથે આ મુદ્દે સંમતિ સધાઈ હતી. સરકારે બિહાર અને આસામના નોટિફિકેશનની નકલો શેર કરી છે અને ભવિષ્યમાં પ્રદર્શનકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપી છે.
સરકાર સાથે થયેલી આ વાતચીત બાદ CJPએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર અને અન્ય ભાજપ/એનડીએ શાસિતરાજ્યો પણ આગામી સમયમાં આવી જ લેખિત ગેરંટી આપતા નોટિફિકેશન જારી કરે. CJPએ સ્પષ્ટ કર્યું છે કે જો કરાર મુજબ તમામ FIR પાછી ખેંચવામાં નહીં આવે તો તેઓ ફરીથી દેશવ્યાપી આંદોલન શરૂ કરીને અરાજકતા ફેલાવશે.

