
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર નજીક ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના પર પોલીસે મંગળવારે (28 જુલાઈ) દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 13 જીવતા ગૌવંશને બચાવી લીધા હતા અને આશરે 700 કિલો શંકાસ્પદ માંસ જપ્ત કર્યું હતું, જેને FSL પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે.
ગેરકાયદે કતલખાનાની આ પ્રવૃત્તિમાં સામેલ કુલ 28 આરોપીઓમાંથી પોલીસે સ્થળ પરથી 22 લોકોની ધરપકડ કરી છે, જેમાં 18 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ₹6 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ તપાસ દરમિયાન બચાવવામાં આવેલા ગૌવંશના કાન પર ટેગ મળી આવ્યા હોવાથી તે કયા ખેડૂતો પાસેથી લાવવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત, સ્થળ પરથી મળી આવેલ કોડ કઈ બેન્ક સાથે સંબંધિત છે અને તેમાં કેટલાં નાણાં જમા થયા છે, તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.
બચાવવામાં આવેલા તમામ 13 ગૌવંશને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને આ કેસમાં ફરાર થયેલા અન્ય 6 વૉન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

