‘કાર્યવાહી નિયમો અને પ્રક્રિયાઓનો ભાગ, કોર્ટના હસ્તક્ષેપની જરૂર જ નથી’: દિલ્હી જિમખાના ક્લબ કેસમાં કેન્દ્રની દલીલ

રાજધાની નવી દિલ્હીના મધ્યમાં વડા પ્રધાન નિવાસસ્થાનની તદ્દન નજીક આવેલા દિલ્હી જિમખાના ક્લબની જમીન ખાલી કરાવવા મામલે કેન્દ્રની નોટિસ બાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીનો સરકારે વિરોધ કર્યો છે. ક્લબના સભ્યો અને સ્ટાફ એસોસિએશને દાખલ કરેલી જમીન ખાલી કરવાની નોટિસ સામે સ્ટે માંગતી અરજી પર કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે આ વાસ્તવમાં એક રૂટિન પ્રક્રિયાનો ભાગ છે અને નોટિસો પર કાર્યવાહી કરવાની સિવિલ કોર્ટને કાનૂની સત્તા હોતી નથી.

કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પબ્લિક પ્રીમિસિસ એક્ટ, 1971’ની કલમ 15 હેઠળ સિવિલ કોર્ટ પર બે નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. પ્રથમ, સરકારી મિલકતમાંથી અનધિકૃત કબજેદારોને હટાવવાની પ્રક્રિયામાં સિવિલ કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે. બીજું, એસ્ટેટ ઑફિસરે લીધેલાં પગલાં પર કોર્ટ કોઈ સ્ટે જારી કરી શકતી નથી, જેથી આ અરજી ટકી શકે તેમ નથી.’

સરકારે કોર્ટને જણાવ્યું કે પબ્લિક પ્રીમિસિસ (PP) એક્ટ પોતાની રીતે જ એક સંપૂર્ણ ન્યાયિક માળખું છે. આ કાયદામાં કારણ દર્શાવો નોટિસ આપવી (કલમ 4), તપાસ બાદ ખાલી કરાવવાનો આદેશ (કલમ 5), પુરાવા એકત્ર કરવા (કલમ 8) અને ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ અપીલ કરવા (કલમ 9) સુધીની સ્પષ્ટ જોગવાઈઓ છે. તેથી એસ્ટેટ ઓફિસરની સત્તા વચ્ચે સિવિલ કોર્ટે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂરિયાત જ રહેતી નથી.

સરકારનું કહેવું છે કે જિમખાના ક્લબ ખાલી કરાવવાની નોટિસ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી હાઇકોર્ટમાં ટકી શકે એમ જ નથી અને સરકારને કાર્યવાહી કરવાની પૂરેપૂરી સત્તા છે.

શું છે સમગ્ર મામલો

22 મેના રોજ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે (L&DO) મૂળ લીઝની ‘જાહેર હેતુ’ શરતનો ઉપયોગ કરીને દિલ્હી જિમખાના ક્લબની લીઝ રદ કરીને 5 જૂન સુધીમાં સફદરજંગ રોડ સ્થિત પરિસર ખાલી કરવા આદેશ આપ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે આ જમીન અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આવેલી છે અને દેશના સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતો માટે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ ક્લબ સામે વર્ષોથી નાણાકીય ભ્રષ્ટાચાર, અનધિકૃત બાંધકામો અને મેમ્બરશિપમાં મનસ્વી વહીવટના ગંભીર આરોપો લાગતા રહ્યા છે. ‘ગ્રીન કાર્ડ’ સિસ્ટમ દ્વારા સભ્યોના પરિવારજનોને વારસાગત વિશેષાધિકારો આપવા જેવી અનિયમિતતાઓને કારણે જ 2021-22માં NCLTએ ચૂંટાયેલી કમિટીને સસ્પેન્ડ કરીને ક્લબનો વહીવટ સરકાર હસ્તક સોંપ્યો હતો.

લીઝ રદ થયા બાદ ક્લબ પક્ષે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેના જવાબમાં 29 જૂને સરકારે કાયદાકીય પ્રક્રિયા મુજબ પબ્લિક પ્રીમિસિસ (PP) એક્ટ હેઠળ નવી શો-કોઝ નોટિસ જારી કરી હતી. જોકે ક્લબે આ નોટિસનો પણ વિરોધ કર્યો હતો. આ સિવાય હાઇકોર્ટમાં જસ્ટિસ અવનીશ ઝિંગનની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન ક્લબના વકીલે જવાબ દાખલ કરવા સમય માંગ્યો હતો જેના કારણે કોર્ટે આગામી સુનાવણી 3 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.