NEET UG પેપર લીક કેસમાં CBIએ દાખલ કરી ચાર્જશીટ, કુલ 13 વ્યક્તિઓ સામે આરોપ: 3 ઑગસ્ટે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરશે સુનાવણી

(Photo: AI)

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ દિલ્હીની કોર્ટમાં પોતાની પ્રથમ ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં NTAના 3 વિષય નિષ્ણાતો અને કોચિંગ સંસ્થાના સંચાલકો સહિત 13 લોકો સામે આરોપ મૂકવામાં આવ્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટે દસ્તાવેજી રેકર્ડ્સ દાખલ કરવા માટે CBIને વધુ 3 દિવસનો સમય આપીને આગામી સુનાવણી 3 ઑગસ્ટના રોજ નક્કી કરી છે.

ચાર્જશીટમાં NTAના 3 વિષય નિષ્ણાતો મનીષા માંઢરે (બાયોલોજી), પ્રહલાદ કુલકર્ણી (કેમિસ્ટ્રી) અને મનીષા હવાલ્દારનાં (ફિઝિક્સ) નામ સામેલ છે. આ ઉપરાંત, લાતુરની RCC કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિક શિવરાજ રઘુનાથ મોટેગાંવકર અને પુણેની APMA કોચિંગના COO તેજસ હર્ષદકુમાર શાહ સહિત વચેટિયાઓ અને દલાલો મનીષા વાઘમારે, ધનંજય લોખંડે, શુભમ ખૈરનાર, યશ યાદવ, માંગીલાલ બીવાલ, વિકાસ બીવાલ, દિનેશ બીવાલ અને ડૉ. મનોજ શિરૂરે સામે પણ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એજન્સી મુજબ આ તમામ ખાનગી વ્યક્તિઓ છે. કોઈ સરકારી અધિકારી સામે ચાર્જશીટ કરાઈ નથી.

CBIએ આરોપીઓ સામે ‘ભારતીય ન્યાય સંહિતા, 2023’ની કલમ 315(2), 318(4), 61(2), 238 અને 303(2) હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત અને પુરાવાનો નાશ કરવા હેઠળ ગુના નોંધ્યા છે. આ સિવાય, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(2) અને 13(1)(a) તેમજ તાજેતરમાં જેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે એ ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ની કલમ 3, 4, 5, 10 અને 11નો ઉપયોગ કરાયો છે. આ કાયદો જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા બનાવવામાં આવ્યો છે.

72 અધિકારીઓની ટીમ અને 92 સ્થળોએ દરોડા

તપાસ માટે CBIએ 72 અધિકારીઓ અને 8 સાયબર નિષ્ણાતોની ટીમો બનાવીને મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના 92 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જપ્ત કરવામાં આવેલાં ડિજિટલ ઉપકરણો, હેન્ડરાઇટિંગ એનાલિસિસ અને ફોરેન્સિક રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું છે કે પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર લીક કરીને ઉમેદવારો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીઓનાં બેન્ક ખાતાં અને લૉકર પણ ફ્રીઝ કરવામાં આવ્યાં છે.

તપાસ એજન્સીએ પોતાના પક્ષને મજબૂત કરવા માટે 360 સાક્ષીઓ, 422 લેખિત દસ્તાવેજો અને 43 ફિઝિકલ એવિડન્સ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. એજન્સીનું કહેવું છે કે તેમણે પેપર ક્યાંથી અને કેવી રીતે લીક થયું તેની આખી કડી શોધી કાઢી છે, પરંતુ વિપુલ પ્રમાણમાં ડેટા હોવાથી તમામ પુરાવા સ્કેન કરીને જમા કરાવવાની પ્રક્રિયા ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, 3 મે 2026ના રોજ 23 લાખ વિદ્યાર્થીઓ માટે યોજાયેલી NEET-UG પરીક્ષા પેપર લીક થયું હોવાનું સામે આવ્યા બાદ 12 મેના રોજ શિક્ષણ મંત્રાલયે રદ કરી હતી અને તપાસ CBIને સોંપી હતી. ત્યારબાદ 21 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. CBIએ સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય ચાર્જશીટ બાદ પણ આ ષડયંત્ર પાછળના અન્ય લોકોની શોધખોળ અને આગળની તપાસ ચાલુ રહેશે.