‘અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાના આદેશ આપ્યા’: લોકસભામાં રાહુલ ગાંધીએ લગાવી દીધો આરોપ, સરકારે કહ્યું– પુરાવા રજૂ કરે અથવા માફી માંગે

બુધવારે (29 જુલાઈ) લોકસભામાં પરીક્ષા સંબંધિત સુધારા બિલ પર ચર્ચા દરમ્યાન ભાષણ કરતી વખતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાના આદેશ આપવાનો આરોપ લગાવી દીધો હતો. ત્યારબાદ હોબાળો મચી ગયો અને સરકારે કહ્યું કે રાહુલે પાયા વગરની વાતો કરવાની જગ્યાએ પુરાવા રજૂ કરવા જોઈએ અને તેમ ન કરી શકે તો માફી માગવી જોઈએ.

રાહુલ ગાંધીએ લોકસભામાં ભાષણ કરતી વખતે કહ્યું, “ગૃહ મંત્રીએ આપણા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પેલેટ મારવાનો આદેશ આપી દીધો. ભારતના વિધાર્થીઓને ગોળી મારવામાં આવી.”

ત્યારબાદ તરત સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ વાંધો ઉઠાવીને કહ્યું કે આવી વાતો ન કરી શકાય અને જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય તો આદેશની નકલ આપવી જોઈએ અને ન આપી શકે તો ગૃહની માફી માગવી જોઈએ કારણ કે સંસદમાં પુરાવા વગર કશું બોલી શકાતું નથી. રિજિજુએ માંગ કરી કે આ ટિપ્પણીઓ રેકર્ડ પરથી હટાવવામાં આવે.

ત્યારબાદ સ્પીકરે પણ રાહુલ ગાંધીને સમજાવ્યા હતા કે તેઓ નોટિસ આપ્યા વગર ગૃહમાં કોઈ પણ આરોપ લગાવી શકે નહીં અને તેના પુરાવા પણ રજૂ કરવા પડે છે. તેમણે રાહુલને વિષય પર બોલવા માટે કહ્યું હતું પણ આદત અનુસાર વિપક્ષ નેતા અને તેમના સાથીઓ હોબાળો મચાવતા રહ્યા.

આખરે લોકસભા 2:30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.