હોમપેજગુજરાતખેડૂતોના પ્રશ્ને પોલિટિકલ ઓક્સિજન શોધવા ગઈ કોંગ્રેસ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું...

ખેડૂતોના પ્રશ્ને પોલિટિકલ ઓક્સિજન શોધવા ગઈ કોંગ્રેસ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!

ખેડૂતોના એક જેન્યુઈન મુદ્દાનું રાજનીતિકરણ કરીને કોંગ્રેસે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું છે, આ વાત ખેડૂતો જેટલા વહેલા સમજી જાય એટલું તેમના માટે યોગ્ય રહેશે.

- Advertisement -

2022ની વિધાનસભા ચૂંટણી પછી સતત નાશપ્રાયઃ થતી જતી ગુજરાત કોંગ્રેસ ઘણા દિવસથી ફરી બેઠી થવા માટે કોઈ મુદ્દાની શોધમાં હતી એ તેને ખેડૂતોના વીજપોલવાળા પ્રશ્નમાં મળી ગયો. કોંગ્રેસે તક ઝડપી લેવા માટે 15 જૂને ખેડૂતોના આંદોલનની ઘોષણા કરી. થોડાઘણા ખેડૂતો આવ્યા પણ ખરા. અમદાવાદથી ઓગણજના શતાબ્દી મહોત્સવ મેદાન સુધી એક રેલી પણ થઈ.

શરૂઆતમાં કોંગ્રેસ આઈટી સેલે અમુક ફોટા-વિડીયો ચલાવીને માહોલ બનાવવાનો પ્રયાસ પણ કરી જોયો પણ દિવસના અંત સુધીમાં કોંગ્રેસના આ રાજકીય આંદોલનનું પડીકું વળી ગયું. ખેડૂતો જાણી ગયા કે આમાં રાજકારણ વધારે છે અને સમસ્યાના જેન્યુઇન સમાધાનમાં કોઈને ખાસ રસ નથી. પરિણામે સભામાં કોઈ ખાસ ન આવ્યું. સભા પણ ફ્લૉપ ગઈ અને કોઈ ઠોસ નિરાકરણ પણ ન આવ્યું. કોંગ્રેસે વધુ એક આંદોલનની પથારી ફેરવીને જૂની પરંપરા જાળવી રાખી.

કોંગ્રેસ આમાં ફજેતી થતી અટકાવવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટીને દોષ આપવા માંડી છે અને કહી રહી છે કે આ બંને પક્ષોએ તેમનું આંદોલન બગાડવાનો પ્રયાસ કર્યો. સાવ વાહિયાત બહાનું છે પણ દલીલ ખાતર આ સાચું માની પણ લઈએ તોપણ એ કોંગ્રેસની નબળાઈ જ દર્શાવે છે અને એ દેખાડે છે કે તેઓ આયોજન વગર આંદોલન કરવા દોડી ગયા હતા. બાકી મજબૂત નેતૃત્વ હોય, દાવા પ્રમાણે હજારો ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ભીડ એકઠી થઈ હોય તો તેને કોણ નબળું પાડી શકે?

- Advertisement -

આમ આદમી પાર્ટી પાસે તો ગુજરાતમાં હાલ એટલી શક્તિ જ નથી કે એકલે હાથે કોઈ આંદોલન નબળું પાડી શકે. ત્યાં ‘આપ’ના એટલા માણસો પણ ન હતા. ભાજપે તો આંદોલન વિશે એક શબ્દ બોલ્યો નથી કારણ કે તેઓ કોંગ્રેસને ગંભીરતાથી લેતા નથી. ત્યાં કોઈ ભાજપના માણસો આવ્યા હોય એવું પણ કોંગ્રેસ સાબિત કરી શકી નથી. પોલીસે પણ સરકારના ઈશારે કોઈ બળપ્રયોગ કર્યો હોય એમ નથી. ઉપરથી તેઓ તો આંદોલન માટે આવેલા ખેડૂતોને છાશ વહેંચતા હતા. તો આંદોલન નબળું કોણે પાડ્યું? કોંગ્રેસે પોતે.

કોઈ આયોજન વગર ઉતાવળમાં આંદોલન કરવા દોડી ગઈ કોંગ્રેસ

વાસ્તવમાં કોંગ્રેસે ઉતાવળમાં કોઈ નક્કર આયોજન વગર, એજન્ડા વગર આંદોલનની જાહેરાત કરી દીધી હતી. ખેડૂતોની સમસ્યાનું તેઓ સમાધાન કઈ રીતે લાવશે તેનો કોઈ રોડમેપ કોંગ્રેસના નેતાઓ રજૂ કરી શક્યા નહીં. સતત ઉપરછલ્લી વાતો કર્યા કરી અને ખેડૂતોને આશ્વાસન આપતા રહ્યા. જે કંઈ કર્યું એ બધું સોશિયલ મીડિયા પર કર્યું અને આઇટી સેલના માણસો સત્તાના પાયા હલાવી નાખવાની વાતો કરતા રહ્યા.

જે ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા તેમને ખેડૂતોના મુદ્દે લડત આપવાના બહાને બોલાવ્યા હતા. પણ રેલી થઈ પછી કોંગ્રેસે પોત પ્રકાશ્યું. ખેડૂતો જાણી ગયા કે આમાં કોંગ્રેસનો રાજકારણ કરવાનો આશય વધારે દેખાય છે એટલે સભામાં કોઈ ગયું જ નહીં. અમુકે કહ્યું કે તેમને તો ગાંધીનગર જવા માટે બોલાવવામાં આવ્યા હતા, પણ વાસ્તવમાં તો ગાંધીનગર જવાની પરવાનગી પોલીસે આપી જ ન હતી. પરવાનગી શતાબ્દી મહોત્સવ મેદાન સુધીની હતી એટલે પોલીસે ગાંધીનગર આગળ જતા અટકાવ્યા.

કોંગ્રેસ નેતાઓને પહેલેથી ખબર હતી કે ગાંધીનગર જઈ શકાય એમ નથી એટલે તેમણે ખેડૂતોને સભાસ્થળ તરફ વાળવાના પ્રયાસ કર્યા, પણ ખેડૂતો ન આવ્યા. આખરેસભા ફ્લૉપ ગઈ અને કોંગ્રેસના નેતાઓએ ભાષણ કર્યા વગર ચાલતી પકડી. પાલ આંબલિયા વગેરે બે-ત્રણ જણાએ ભાષણ કર્યું એમાં પણ તેઓ ખાસ કશું ઉકાળી ન શક્યા કારણ કે સામે સાંભળવા માટે લોકો જ ન હતા. મીડિયામાં કોંગ્રેસ નેતાઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યુંના સમાચારો ચાલે છે પણ આ અલ્ટીમેટમની ગંભીરતા કોંગ્રેસે સામે ચાલીને ઘટાડી નાખી છે.

પ્રેસ કૉન્ફરન્સ અને સોશિયલ મીડિયાના ભરોસે ન થાય આંદોલન

વાસ્તવમાં કોંગ્રેસ એવું કરવા ગઈ હતી કે રાજ્યભરમાંથી ખેડૂતોને ટ્રેક્ટર સાથે બોલાવવા, અમદાવાદની ચોકડી પરથી સભાસ્થળ સુધી એક રેલીનું આયોજન કરવું, ત્યાં એક મોટી સભા કરવી અને સરકારને અલ્ટીમેટમ આપવું. પણ કોંગ્રેસ એ ભૂલી ગઈ કે આ બધું કરવું હોય તો માત્ર સોશિયલ મીડિયા પર હાકલા-પડકારા ન કરાય અને કામ કરવા માટે, માણસો એકઠા કરવા માટે જમીન પર ઉતરવું પડે.

ગાંધીનગરમાં બેસીને કોંગ્રેસના નેતાઓએ આ બધો પ્લાન બનાવી નાખ્યો હતો પણ માણસો એકઠા કરવા માટે મહેનત કોણ કરશે એનો વિચાર કર્યો જ નહીં. માત્ર પ્રેસ કૉન્ફરન્સ કરીને કે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ખેડૂતો એકઠા ન કરી શકાય. તેના માટે જમીન પર ઉતરવું પડે, સંગઠન કામે લગાડવું પડે. પરંતુ હવે કોંગ્રેસનું એવું સંગઠન પણ રહ્યું નથી કે નેતાઓના ઈશારે ગ્રાઉન્ડ લેવલ પર માણસો ભેગા થઈ શકે. એટલે કોંગ્રેસ ઘણીખરી સોશિયલ મીડિયા અને મીડિયાના ભરોસે જ રહી. પણ સોશિયલ મીડિયાથી આવાં આંદોલનો થઈ શકતાં નથી.

કોંગ્રેસ ખેડૂતોને એકઠા ન કરી શકી. જેમને તેડવામાં આવ્યા તેમને ઘણાખરા અસ્પષ્ટતાના અંધારામાં રાખવામાં આવ્યા કે મૂળ એજન્ડા અને હેતુ શું છે. આખરે સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસ નેતાઓ પાસે પણ વાતો સિવાય બીજું કશું જ નથી. ભીડ ઓછી હતી એટલે આંદોલનની ગંભીરતા આપોઆપ ઘટી ગઈ. આખરે આંદોલન ફ્લૉપ ગયું.

સૌથી મોટું નુકસાન ખેડૂતોને

આમાં સૌથી મોટું નુકસાન કોને છે? ખેડૂતોને. તેમનો પ્રશ્ન ઘણોખરો વ્યાજબી છે. તેનું સમાધાન થાય એ પણ તાતી જરૂરિયાત છે. ખેડૂતો પોતાની રીતે મથી જ રહ્યા હતા, તેમાં કોંગ્રેસ કૂદી પડી. AAP કૂદવા ગઈ પણ જશ ખાટી જવાનું જોખમ દેખાતાં કોંગ્રેસે તગેડી મૂકી. આખરે કોંગ્રેસે નેતૃત્વ કરીને આખા આંદોલનનો વીંટો વાળી દીધો. એક મુદ્દાને કોઈ નક્કર પરિણામ વગર પૂરો કરી દીધો.

વાર્તાનો બોધપાઠ એ છે કે કોઈ વર્ગને સરકાર સામે નારાજગી હોય, સમસ્યા હોય અને તેનું સમાધાન મેળવવું હોય તો કોંગ્રેસ-AAP જેવા આવાં આંદોલનોમાં પોલિટિકલ ઓક્સિજન શોધતા પક્ષોને હાથમાં ન આપી દેવાય, તેઓ તેનું રાજકીયકરણ કરી નાખીને મુદ્દાને ભટકાવી દે છે. આમાં પણ એવું જ થયું.

કોંગ્રેસ અને AAPને ખેડૂતોના પ્રશ્નોમાં આટલો રસ શા માટે છે? એ અલગ ચર્ચાનો વિષય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં