
તાજેતરમાં રાજ્ય સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થાની રાજ્યવ્યાપી તપાસ કરીને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 39,787 કિલો ઘી, 1,67,256.60 કિલો ખાદ્ય તેલ, 675.40 કિલો દૂધ અને દૂધજન્ય પદાર્થો તેમજ 5,229 કિલો પનીરનો સમાવેશ થાય છે. વિવિધ સ્થળોએથી લેવામાં આવેલા નમૂનાઓ અને તપાસના આધારે જરૂરી કાનૂની પગલાં ભરવામાં આવ્યાં હતાં.
આ કાર્યવાહી હેઠળ અંદાજે 5.89 કરોડથી વધુ કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી હતી. તેમાં ઘીની કિંમત 2.38 કરોડ, ખાદ્ય તેલની 3.34 કરોડ, દૂધ અને દૂધજન્ય પદાર્થોની 47 હજારથી વધુ તેમજ પનીરની 15.68 લાખ જેટલી કિંમતનો સમાવેશ થાય છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા, ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડ અને ખુલ્લા વેચાણમાં રહેલાં ઉત્પાદનોની ચકાસણી કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે અને લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા કાયદાના અસરકારક અમલીકરણ માટે રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ, તપાસ અને દરોડાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે. ‘સ્વસ્થ ગુજરાત–સુરક્ષિત ગુજરાત’ના સંકલ્પ સાથે આવનારા સમયમાં પણ આવા વિશેષ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે.

