
અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ સો દિવસ કરતાં વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત આણવા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને MoU પર ઔપચારિક હસ્તાક્ષર કર્યા છે. આ શાંતિ કરાર બુધવાર, 18 જૂન 2026ના રોજ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે, જેનાથી તમામ મોરચે સૈન્ય ગતિવિધિઓ અટકી ગઈ છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના વર્સેલ પેલેસમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે રાત્રિભોજન દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ જ સમયે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને તેહરાનમાં આ ડીલ પર સહી કરી હતી. આ પહેલાં રવિવારે બંને દેશોના ઉચ્ચ અધિકારીઓએ પણ ડિજિટલ હસ્તાક્ષર કર્યા હતા.
આ 14 મુદ્દાના કરાર અંતર્ગત બંને દેશો આગામી 60 દિવસમાં અંતિમ કરાર કરવા માટે સહમત થયા છે. કરાર મુજબ, અમેરિકા ઈરાન પર લાદેલા નૌકાદળના પ્રતિબંધો આગામી 30 દિવસમાં સંપૂર્ણપણે હટાવી લેશે અને પોતાની સેનાને ઈરાનની સરહદથી દૂર કરશે. આ સાથે જ ઈરાન બંધ કરેલ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને વિનામૂલ્યે ખુલ્લો મૂકશે.
🚨 President Donald J. Trump has SIGNED the Iran Memorandum of Understanding at Versailles in France. 🇺🇸 pic.twitter.com/JQ6qlbvFAF
— The White House (@WhiteHouse) June 17, 2026
આ ઉપરાંત ઈરાને પરમાણુ હથિયારો નહીં વિકસાવવાની અને યુરેનિયમના જથ્થાને ઓછો કરવાની ખાતરી આપી છે. બદલામાં અમેરિકાએ ઈરાન પરના સંયુક્ત રાષ્ટ્ર અને પોતાના તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું છે. અમેરિકાએ ઈરાનને એક પણ રૂપિયો આપવાની ના પાડી દીધી છે પણ કરારમાં લખવામાં આવ્યું છે કે લગભગ $300 બિલિયનના ખર્ચે ઈરાનના પુનર્નિર્માણ માટે અમેરિકા મધ્ય-પૂર્વના અન્ય મિત્ર દેશો સાથે મળીને કામ કરશે. આમાં અમેરિકા કોઈ ચૂકવણી કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
વધુમાં અમેરિકા અને ઈરાન લેબનોનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને જાળવી રાખવા માટે સંમત થયાં છે. જોકે, ઈઝરાયેલ આ ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા માટે હજુ પણ મક્કમ છે, જેના લીધે આ મુદ્દે પણ ઘણી અસ્પષ્ટતા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સમજૂતીને ખૂબ જ મજબૂત ગણાવી છે, પરંતુ સાથે ચેતવણી પણ આપી છે કે જો ઈરાન શરતોનું પાલન નહીં કરે તો અમેરિકા ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે.
માર્ચ 2026માં શરૂ થયેલા આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર જોખમમાં મુકાયું હતું, તેથી આ શાંતિ કરાર સમગ્ર એક રીતે તમામ દેશો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાથી ક્રૂડ ઓઇલની આભને આંબી રહેલ કિંમતો હવે નીચે આવશે. જોકે આ ડીલની અસરકારકતા કેટલી રહે એ પણ એક પ્રશ્ન છે.

