
NEET UG પુનઃ પરીક્ષા પહેલાં ટેલિગ્રામ પર કામચલાઉ ધોરણે રોક લગાવવાના નિર્ણયનો કેન્દ્ર સરકારે કોર્ટમાં બચાવ કર્યો છે. પ્લેટફોર્મે દાખલ કરેલી અરજીના જવાબમાં એફિડેવિટ દાખલ કરતાં સરકારે કહ્યું કે ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે અને તેમાં એવી અમુક ગેરકાયદેસર અને વાંધાજનક ગતિવિધિઓ જોવા મળી છે કે પરીક્ષા પહેલાં તેને પ્રતિબંધિત કરવું જરૂરી હતું.
એફિડેવિટમાં સરકારે કહ્યું, “ટેલિગ્રામ હવે નવું ડાર્ક વેબ બની રહ્યું છે, જેમાં અમુક આતંકવાદી ગતિવિધિઓ થવાનું પણ જોખમ છે. ગુનેગારો હવે ટેલિગ્રામનો ઉપયોગ કરવા માંડ્યા છે અને એવી ચેનલો બનાવવામાં આવી છે જે ડીપ વેબ લિંક્સ મારફતે ડાર્ક વેબ ફોરમ સાથે જોડાયેલી હોય, જે સરળતાથી ટ્રેક થઈ શકે એમ નથી.”
સરકારે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે NEET UG 2026ના પેપર લીકમાં ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એક સુવ્યવસ્થિત નેટવર્કના માધ્યમથી પેપર અગાઉથી પહોંચાડવામાં આવ્યાં હતાં, જેના કારણે પછીથી પરીક્ષા રદ કરવી પડી. સરકાર કહી રહી છે કે 21 જૂને પરીક્ષા ફરીથી યોજાઈ રહી છે ત્યારે તે વ્યવસ્થિતપણે યોજાય તે માટે અમુક પગલાં લેવાં આવશ્યક છે.
સરકારે એક ચેનલનું પણ ઉદાહરણ આપ્યું. ‘NEET માફિયા’ નામની આ ચેનલના છેલ્લે ચકાસવામાં આવ્યું ત્યારે 18 હજારથી વધુ સબસ્ક્રાઈબર હતા. આ ચેનલ મારફતે સતત પેપર લીકેજ, એડવાન્સ બુકિંગ, પેમેન્ટ મેકેનિઝમની ચર્ચા કરવામાં આવતી અને વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હતું કે તેમની પાસે પેપર પહોંચી જશે.
ગેરકાયદેસર ગતિવિધિઓ માટેની પસંદ બની રહ્યું છે આ પ્લેટફોર્મ: સરકાર
ટેલિગ્રામ અને અન્ય એપ્લિકેશન વચ્ચેનો ફેર સમજાવતાં કોર્ટે કહ્યું કે તેનું યુનિક ટેકનિકલ આર્કિટેક્ચર એવું છે કે એપ સંપૂર્ણપણે ક્લાઉડ પર આધારિત છે, જેથી એક બોટ દૂર કરવામાં આવે તો જુદાં-જુદાં નામે આવાં અનેક બોટ તૈયાર કરી શકાય છે અને એક ઠેકાણે કોઈ ચેનલ બ્લૉક કરવામાં આવે તો તેના સભ્યોને તરત બીજી ચેનલ પર શિફ્ટ કરી દેવામાં આવે છે. ઉપરાંત ગ્રુપમાં એકસાથે લાખો લોકોને એડ કરીને કન્ટેન્ટ બ્રોડકાસ્ટ કરી શકાય છે.
આ સિવાય સરકારે જણવ્યું કે ટેલિગ્રામ ફોન નંબરના સ્થાને બોટ અને યુઝરનેમનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે જેથી કોઈ વ્યક્તિ ઓળખ છુપાવીને પણ ગેરકાયદેસર ગતિવિધિ કરી શકે અને સરળતાથી ટ્રેક પણ થઈ શકતી નથી.
સરકારે કહ્યું કે ટેલિગ્રામ થકી ભૂતકાળમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ, ચાઈલ્ડ એક્સપ્લોઇટેશન, સાયબર સ્કેમ, ફ્રોડ વગેરેના કેસ પણ સામે આવી ચૂક્યા છે અને આતંકવાદી સંગઠનો અને અન્ય કટ્ટરપંથી જૂથોની સામગ્રી પણ આ એપ્લિકેશન પરથી પ્રસારિત કરવામાં આવતી રહે છે. ઉપરાંત પાઇરેટેડ મૂવી, વેબ સિરીઝ અને અન્ય પેઇડ મીડિયા કન્ટેન્ટ માટેનું પણ આ મોટું હબ છે.
એફિડેવિટમાં સરકારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગનો રિપોર્ટ ટાંકીને જણાવ્યું છે કે અનેક ક્રિમિનલ સાયબર પ્રવૃત્તિઓ માટે ટેલિગ્રામનો ઉપયોગ થતો હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે એક જ વિકલ્પ એ રહે છે કે પ્લેટફોર્મ પરની તમામ પ્રવૃત્તિ પર રોક લગાવી દેવી, કારણ કે તેમાં યોગ્ય કન્ટેન્ટ કયું છે અને ગેરકાયદેસર શું છે એ ફેર કરવો તકનીકી રીતે શક્ય નથી.
આ મામલે ગુરુવારે (18 જૂન) દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી, જેમાં ટેલિગ્રામે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો, જ્યારે સરકારે બચાવ કર્યો છે. કોર્ટે બંને પક્ષને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે.

