
અમેરિકાના ન્યૂયોર્ક શહેરના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર વિસ્તારમાં ગુરુવારે (18 જૂન) બપોરે અચાનક ગોળીબારની ઘટના સર્જાતા ભારે અફરાતફરી મચી હતી. ગોળીબારના અવાજ સંભળાતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જીવ બચાવવા માટે દોડ્યા હતા. ઘટના સમયે વિસ્તાર લોકોની ભીડથી ખચાખચ ભરાયેલો હતો, કારણ કે થોડા કલાકો પહેલાં જ ન્યૂયોર્ક નિક્સની NBA ચેમ્પિયનશિપ વિજય પરેડ યોજાઈ હતી અને ફિફા વર્લ્ડ કપને કારણે પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ શહેરમાં હાજર હતા.
પ્રારંભિક માહિતી મુજબ બપોરે લગભગ 3:40 વાગ્યે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન એક 26 વર્ષીય વ્યક્તિને છરો મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીએ ગોળીબાર કર્યો હતો. ન્યૂયોર્ક પોલીસ ઘટના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જેના કારણે આરોપીને ટૂંકા સમયમાં જ પકડી લેવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી 17 વર્ષનો કિશોર છે અને તેની સામે સત્તાવાર આરોપો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ગોળીબારમાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી હોવાની માહિતી સામે આવી નથી, જ્યારે ચાકૂ મારવામાં આવેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
VIDEO: Shots heard in Times Square in Manhattan, New York. pic.twitter.com/SrDq5yHb87
— AZ Intel (@AZ_Intel_) June 18, 2026
આ ઘટના ટાઈમ્સ સ્ક્વેરમાં પાંચ દિવસમાં બનેલી બીજી ગોળીબારની ઘટના છે. 14 જૂને પણ ન્યૂયોર્ક નિક્સની જીતની ઉજવણી દરમિયાન બ્રોડવે અને વેસ્ટ 43મી સ્ટ્રીટ નજીક બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો, જેમાં 17 વર્ષીય યુવકના પગમાં ગોળી વાગી હતી. તે ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં ત્યાં ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો ન્યૂયોર્ક અને નજીકના ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં ભેગા થઈ રહ્યા છે. એવામાં પાંચ દિવસમાં આ બીજીવાર ગોળીબારની ઘટના બની હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

