આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત અને તેની આગળ વધવાની ગતિએ હવામાન વૈજ્ઞાનિકો અને ખેડૂતો બંનેની ચિંતામાં વધારો કર્યો છે. સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં બેસી જતું ચોમાસું આ વખતે જાણે એક જગ્યાએ થંભી ગયું છે. કરોડો લોકો જેમના જીવન અને આજીવિકાનો આધાર વરસાદ પર છે, તેઓ અત્યારે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. પશ્ચિમ ભારતનાં રાજ્યો, ખાસ કરીને ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું છે.
ચોમાસા પર સમગ્ર દેશનાં જળ સંસાધનો અને કૃષિ ક્ષેત્રનો 70% જેટલો આધાર છે. ભારતની ઘણી ખેતીલાયક જમીન માત્ર ચોમાસા પર જ આધાર રાખે છે. તેથી જો ચોમાસું નબળું પડે તો તેની સીધી અસર દેશના અર્થતંત્ર અને ખાદ્ય સામગ્રીના ભાવો પર જોવા મળી શકે છે. જૂનના પ્રથમ 10 દિવસમાં જ ભારતમાં સામાન્ય કરતાં 26.5% ઓછો વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આ વર્ષે એકંદર ચોમાસું લાંબા ગાળાની સરેરાશના (LPA) 90%થી 92%ની આસપાસ રહેવાની સંભાવના છે. આનો સીધો અર્થ એ થાય કે દેશમાં આશરે 8થી 10% જેટલી વરસાદની ઘટ જોવા મળી શકે છે. યુરોપિયન યુનિયનની ‘કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ’ના ગ્લોબલ મોડેલ્સે પણ પશ્ચિમ અને મધ્ય ભારતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની ચેતવણી આપી છે.
દક્ષિણ ભારતમાં આવી ગયું ચોમાસું
જો દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો ત્યાં ચોમાસાની એન્ટ્રી સમયસર અથવા સામાન્ય વિલંબ સાથે થઈ ચૂકી છે. કેરળમાં 3 દિવસના વિલંબ સાથે ચોમાસાનું આગમન થયું હતું. ત્યારબાદ તે આગળ વધીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગયું છે. આ વિસ્તારોમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય હોવાથી ત્યાં સારો વરસાદ થવાની આશા છે.
દક્ષિણ ભારતમાં ચોમાસું યોગ્ય સમયે બેસી જવા પાછળનું મુખ્ય કારણ એ છે કે હિંદ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો શરૂઆતમાં દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારોને સીધી અસર કરે છે. પશ્ચિમ ઘાટ પર્વતમાળાના કારણે દક્ષિણનાં રાજ્યોમાં વાદળો અટકીને સારો વરસાદ આપે છે, જેથી ચોમાસાના પ્રારંભિક તબક્કામાં ત્યાં કોઈ મોટો અવરોધ નડતો નથી. તેથી દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ચોમાસું આવી ગયું છે.
દક્ષિણ ભારત વટાવ્યા બાદ ચોમાસાની ગતિ અટકી
જોકે, દક્ષિણ ભારત વટાવ્યા પછી ચોમાસાની ગતિ જાણે અટકી પડી છે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત અને મુંબઈમાં સત્તાવાર રીતે દસ્તક આપી દેતું હોય છે, પરંતુ આ વખતે જૂનનો અડધો મહિનો વીતી ગયો હોવા છતાં બંને જગ્યાએ લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. આ અસાધારણ વિલંબ પાછળ કેટલાંક ચોક્કસ વૈજ્ઞાનિક પરિબળો જવાબદાર છે.
મુંબઈ અને મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ચોમાસું 8 જૂનની આસપાસ દક્ષિણ કોંકણ સુધી પહોંચ્યા બાદ થોભી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24-25 જૂન સુધી મુંબઈમાં વ્યાપક અને ભારે વરસાદ થવાની શક્યતા નહિવત્ છે. આ સ્થિતિ માટે વાતાવરણમાં મોટાપાયે કોઈ સાનુકૂળ હવામાન પ્રણાલી (Meteorological Conditions) સક્રિય ન હોવાનું જવાબદાર માનવામાં આવે છે.
‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’: બીજી તરફ ગુજરાતમાં પણ સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, જે હજી સુધી આવ્યું નથી. આ વિલંબ પાછળનું પહેલું મોટું કારણ ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ છે. ભૂમધ્ય સમુદ્રમાંથી આવતી આ હવામાન પ્રણાલી ઉત્તર ભારતમાં વરસાદ અને બરફ લાવે છે, પરંતુ આ વખતે તેણે ચોમાસાના ભેજવાળા પવનોને આગળ વધતા રોકી રાખ્યા છે.

સૂકી હવા: ચોમાસું અટકી જવાનું બીજું એક મુખ્ય કારણ પશ્ચિમ અને મધ્ય ભારતમાં સતત પ્રવેશી રહેલી સૂકી હવા છે. જૂનના પ્રથમ પખવાડિયા દરમિયાન આ સૂકી હવાએ વાદળો બંધાવાની પ્રક્રિયાને દબાવી રાખી અને વાતાવરણને એકદમ ગરમ અને સૂકું બનાવી દીધું, જેના કારણે ચોમાસાના પવનો મધ્ય ભારત તરફ આગળ વધી શક્યા નહીં.

‘સોમાલી જેટ’: આ સિવાય, ચોમાસાનું મુખ્ય એન્જિન ગણાતો ‘સોમાલી જેટ’ આ વર્ષે અસામાન્ય રીતે નબળો રહ્યો છે. સોમાલી જેટ એ આફ્રિકાના પૂર્વ કિનારેથી અરબી સમુદ્ર થઈને ભારત તરફ આવતો પવનોનો એક શક્તિશાળી પ્રવાહ છે, જે પોતાની સાથે પુષ્કળ ભેજ લાવે છે. આ પવન નબળો હોવાથી ભારતની ભૂમિ પર ભેજનો પુરવઠો મર્યાદિત થઈ ગયો હતો.

મૂળ કારણ છે ‘અલ નીનો’
હવામાન વૈજ્ઞાનિકોના મતે, આ બધાં પાછળ ‘અલ નીનો’ (El Niño) જવાબદાર છે. પ્રશાંત મહાસાગરની સપાટીના પાણી ગરમ થવાની આ કુદરતી ઘટના વૈશ્વિક હવામાન પૅટર્નને બદલી નાખે છે. યુનાઇટેડ નેશન્સ (UN) અને વિશ્વ હવામાન સંસ્થાએ (WMO) પણ ચેતવણી આપી છે કે વર્ષ 2026માં આ ‘સુપર અલ નીનો’ વધુ મજબૂત બની શકે છે, જે પૃથ્વીના તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો કરશે.

અલ નીનોની સ્થિતિ ભારતના ચોમાસા પર સીધી નકારાત્મક અસર કરે છે. તેના કારણે ચોમાસાના પવનો નબળા પડે છે અને વરસાદમાં ઘટાડો થાય છે. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ જેવા ચોમાસાના મુખ્ય મહિનાઓમાં અલ નીનો વધુ મજબૂત થવાની સંભાવના હોવાથી વરસાદની વહેંચણી અસમાન થઈ શકે છે, એટલે કે ટૂંકા ગાળામાં ભારે ધોધમાર વરસાદ અને પછી લાંબો સમય સુધી ખેંચાતો દુષ્કાળ જેવો માહોલ સર્જાઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસું મોડું પડવાનું કારણ અરબી સમુદ્રનું તાપમાન
ગુજરાત સંદર્ભે વાત કરીએ તો, અરબી સમુદ્રના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચમાં જે તાપમાન 26.5°C હતું તે જૂન આવતાં સુધીમાં 29°C સુધી પહોંચી ગયું છે. સમુદ્રનું આ વધતું તાપમાન સ્થાનિક લો-પ્રેશર સિસ્ટમ બનાવવામાં મદદ તો કરે છે, પરંતુ દરિયાઈ કરંટ અને પવનોની દિશા અનુકૂળ ન હોવાથી ચોમાસાની સત્તાવાર એન્ટ્રીમાં વિલંબ થઈ રહ્યો છે. માછીમારોએ પણ નોંધ્યું છે કે દરિયાઈ તોફાનો વધવાથી માછલીઓ ઊંડાં પાણીમાં ચાલી ગઈ છે, જેનાથી તેમની આજીવિકા પર ફટકો પડ્યો છે.
જોકે, આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે એક સારા સમાચાર એ છે કે 17 જૂનની આસપાસથી વાતાવરણ પલટો મારી રહ્યું છે. ગુજરાતનાં ઘણાં શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સૂકી હવાનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે અને સોમાલી જેટ તેમજ ‘ક્રોસ-ઇક્વેટોરિયલ ફ્લો’ એટલે કે વિષુવવૃત્ત ઓળંગીને આવતા પવનો મજબૂત બની રહ્યા છે. આના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારતમાં ચોમાસું ફરીથી ગતિ પકડી શકે છે અને જૂનના અંતિમ સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે.
નિષ્ણાતો અત્યારે ખેડૂતોને ખાસ સલાહ આપી રહ્યા છે કે જૂનની શરૂઆતમાં થતા પ્રી-મોન્સૂન વરસાદને અસલી ચોમાસું સમજીને વાવણીની ઉતાવળ ન કરવી. જ્યાં સુધી ચોમાસું સત્તાવાર રીતે ન બેસે અને જમીનમાં પૂરતો ભેજ ન આવે ત્યાં સુધી સિંચાઈ વગર વાવણી કરવી જોખમી સાબિત થઈ શકે છે. આગામી જુલાઈ મહિનાના શરૂઆતનો વરસાદ જ હવે નક્કી કરશે કે આ વર્ષે દેશનાં જળાશયો પૂરતાં ભરાશે કે પછી ચોમાસું ઘણું નબળું રહેશે.


