કાઠિયાવાડ અને ગીરના જંગલોમાં રહેતા લોકો માટે સિંહ કોઈ અજાણ્યું પ્રાણી નથી. ઘણા લોકો એવા હશે જેમણે પોતાના જીવનમાં સિંહને રસ્તો ઓળંગતા જોયો હશે, ખેતરની પાળે બેઠેલો જોયો હશે કે પછી રાત્રે ગામની સીમ પાસે ફરતો જોયો હશે. કાઠિયાવાડમાં સિંહનો ડર છે, પરંતુ એ ડર સાથે એક અજાણી સમજણ પણ જોડાયેલી છે. સ્થાનિક લોકો જાણે છે કે જંગલના રાજાની નજીક જવું જોખમી હોય શકે, છતાં તેઓ એ પણ જાણે છે કે ગીરનો સિંહ સામાન્ય રીતે કારણ વગર માણસ પર હુમલો કરતો નથી. કદાચ એટલા માટે જ ગીરના સિંહો અને માણસો વચ્ચેના સંબંધને દુનિયાના સૌથી અનોખા અને સફળ સહઅસ્તિત્વના ઉદાહરણોમાં ગણવામાં આવે છે.
પરંતુ જૂન 2026માં ભાવનગરના મહુવા અને અમરેલીમાંથી આવેલા સમાચાર સામાન્ય નહોતા. થયું એવું કે અમેરેલીના રાજુલા અને મહુવામાં બે વ્યક્તિઓ પર સિંહોએ હુમલો કર્યો હતો અને તેનું માંસ પણ ખાધું, ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહો મળ્યા અને વિડીયો પણ વાયરલ થયા. આ ઘટનાઓમાં પ્રશ્ન માત્ર હુમલાનો નહોતો. પ્રશ્ન એ હતો કે સિંહોએ માનવ માંસનું ભક્ષણ કર્યું હતું. વન વિભાગે પણ સ્વીકાર્યું કે આવી ઘટનાઓ દુર્લભ છે. મહુવા વન્યજીવ RFO (રિજનલ ફોરેસ્ટ ઑફિસર) ડીજી ગઢવીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સિંહ માટે માણસ કુદરતી ખોરાક નથી. છતાં જ્યારે બે અલગ-અલગ ઘટનાઓમાં માનવ મૃતદેહોના ભક્ષણની વાત સામે આવે ત્યારે માત્ર ઘટના નોંધવા પૂરતી રહેતી નથી. તેનાથી એક મોટો પ્રશ્ન જન્મે છે કે શું આ માત્ર સંજોગોવશાત બનેલી દુર્લભ ઘટનાઓ છે કે પછી ગીરના સિંહો અને માણસો વચ્ચે દાયકાઓથી ચાલતા સહઅસ્તિત્વના મોડેલ સામે કોઈ નવો પડકાર ઊભો થઈ રહ્યો છે?
ગીરના સિંહ અને માણસોની અનોખી જુગલબંધી
વિશ્વમાં એવા ઘણા ઓછા પ્રદેશો છે જ્યાં એક તરફ માનવ વસાહતો હોય, ખેતી થતી હોય, માલધારીઓ ઢોર ચરાવતા હોય અને બીજી તરફ એ જ વિસ્તારમાં સિંહો મુક્તપણે વિચરતા હોય. ગીર અને બૃહદ ગીરનું પરિદૃશ્ય આ બાબતમાં અનોખું છે. અહીં સિંહ માત્ર વન્યજીવ નથી, તે પ્રદેશની ઓળખનો ભાગ છે.
કાઠિયાવાડની લોકકથાઓ, લોકગીતો અને લોકસ્મૃતિમાં સિંહ સતત હાજર રહ્યો છે. સ્થાનિક સમાજે તેને માત્ર ભયના પ્રતિક તરીકે નથી જોયો. જંગલના રાજા તરીકે તેને સ્વીકાર્યો છે. આ સ્વીકાર પાછળનું સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગીરના એશિયાઈ સિંહોએ પણ મોટાભાગે માણસને પોતાના ખોરાક તરીકે ક્યારેય સ્વીકાર્યો નથી.
ગીરના વિસ્તારોમાં રહેતા લોકો પાસે આવી અનેક વાર્તાઓ છે. ક્યાંક સિંહ ગામની બાજુમાંથી પસાર થયો હતો, ક્યાંક રાત્રે ઢોર પાસે આવ્યો હતો, ક્યાંક ખેતરના કિનારે બેસી રહ્યો હતો. પરંતુ મોટાભાગે આ મુલાકાતો સંઘર્ષમાં પરિણમી નથી. વર્ષોથી વન્યજીવ નિષ્ણાતો પણ એ જ વાત કહેતા આવ્યા છે કે ગીરના એશિયાઈ સિંહોનું વર્તન અન્યત્ર જોવા મળતા કેટલાક સિંહોથી અલગ રહ્યું છે. તેઓ માનવ હાજરીથી સંપૂર્ણ અજાણ નથી અને લાંબા સમયથી માણસોની નજીક રહીને પણ પોતાની કુદરતી જીવનશૈલી જાળવી શક્યા છે.
કદાચ આ સંબંધની સૌથી વિશેષ બાબત એ છે કે તે કોઈ નિયમપુસ્તક પર આધારિત નથી. માણસ અને સિંહ વચ્ચે કોઈ વાડ નથી, કોઈ સરહદ નથી અને કોઈ લેખિત કરાર પણ નથી. છતાં દાયકાઓથી બંને એકબીજાની હાજરી સ્વીકારીને જીવતા આવ્યા છે. જાણે બંને વચ્ચે એક અદૃશ્ય સમજણ વિકસી હોય કે માણસ સિંહને તેના વિસ્તારમાં રહેવા દે અને સિંહ માણસને પોતાના શિકાર તરીકે ન જુએ. ગીરના સહઅસ્તિત્વનું રહસ્ય કદાચ આ જ અદૃશ્ય કરારમાં સમાયેલું છે.
પરંતુ હવે સવાલ એ છે કે શું આ અદૃશ્ય કરાર પર ક્યાંક દબાણ વધવા લાગ્યું છે?
હવે શું બદલાઈ રહ્યું છે?
મહુવા અને અમરેલીની તાજેતરની ઘટનાઓએ આ પ્રશ્નને ફરી ચર્ચામાં લાવી દીધો છે. અત્યાર સુધી ગીરના સિંહો દ્વારા માણસો પર હુમલાની એકલદોકલ ઘટનાઓ સામે આવતી રહી છે. મોટાભાગે આવા હુમલાઓ પાછળ ચોક્કસ સંજોગો જોવા મળ્યા છે કે અચાનક સામસામે આવી જવું, સિંહને ઉશ્કેરવો, બચ્ચાંની નજીક પહોંચી જવું અથવા તેના સક્રિય રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જવું.
પરંતુ આ વખતે ચર્ચાનું કેન્દ્ર હુમલો નહોતું. ચર્ચાનું કારણ માનવ મૃતદેહનું ભક્ષણ હતું. વન વિભાગના અધિકારીઓ પણ સ્વીકારે છે કે આવી ઘટનાઓ સામાન્ય નથી. એટલા માટે જ તેની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ માણસ સિંહનો કુદરતી ખોરાક નથી અને આ જ કારણ છે કે માનવ માંસ ભક્ષણનો દરેક કેસ વિશેષ ધ્યાન ખેંચે છે.
દરમિયાન એક બીજી મહત્વની હકીકત પણ સમજવી જરૂરી છે. ગીરના સિંહો હવે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત રહ્યા નથી. છેલ્લા કેટલાક દાયકામાં તેમની સંખ્યા અને વિસ્તાર બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સિંહો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના બૃહદ ગીર વિસ્તારમાં વ્યાપક રીતે ફેલાયેલા છે. વન વિભાગના અધિકારીઓ તો ત્યાં સુધી કહે છે કે હવે ગીર કરતાં વધુ સિંહો બૃહદ ગીર વિસ્તારમાં જોવા મળે છે.
સ્વાભાવિક છે કે જ્યાં સિંહોનો વિસ્તાર વધશે, ત્યાં માણસો સાથેની મુલાકાતો પણ વધશે અને જ્યાં મુલાકાતો વધશે, ત્યાં દુર્લભ અને અસામાન્ય ઘટનાઓ સામે આવવાની સંભાવના પણ વધી શકે છે. પરંતુ શું તેનો અર્થ એવો થાય કે સિંહો માણસોને શિકાર તરીકે જોવાનું શરૂ કરી રહ્યા છે? આ સવાલનો જવાબ એટલો સરળ નથી.
શું ગીરના સિંહો ખરેખર માણસોને શિકાર બનાવે છે?
મહુવા અને અમરેલીની ઘટનાઓ પછી સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન કદાચ આ જ છે. શું ગીરના સિંહો હવે માણસોને શિકાર બનાવતા થયા છે? પરંતુ આ સવાલનો જવાબ શોધવા માટે પહેલાં એક મહત્વનો તફાવત સમજવો જરૂરી છે. હુમલો, શિકાર અને ભક્ષણ, આ ત્રણેય બાબતો એકસરખી નથી.
વન્યજીવોના વર્તનનો અભ્યાસ કરતા નિષ્ણાતો વર્ષોથી કહેતા આવ્યા છે કે કોઈ પ્રાણી દ્વારા હુમલો થવો અને કોઈ પ્રાણીને નિયમિત શિકાર તરીકે સ્વીકારી લેવું, બંને વચ્ચે મોટો તફાવત છે. ઘણી વખત હુમલો ભય, સંરક્ષણ, બચ્ચાંની સુરક્ષા અથવા ટેરિટરીની રક્ષા માટે પણ થતો હોય છે. જ્યારે શિકાર એ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ પ્રાણીને ખોરાક તરીકે નિશાન બનાવવામાં આવે છે.
ગીરના સિંહોના સંદર્ભમાં આ તફાવત વધુ મહત્વનો બની જાય છે. કારણ કે અહીંની આખી બાબત જ એ વાત પર આધારિત રહી છે કે સિંહ અને માણસ દાયકાઓથી એક જ ભૂમિ પર રહ્યા છે, છતાં માણસ સિંહના ખોરાકનો ભાગ બન્યો નથી.
વન વિભાગના અધિકારીઓ પણ આ જ મુદ્દા પર ભાર મૂકે છે. તેમના જણાવ્યા અનુસાર સિંહ માટે માણસ કુદરતી ખોરાક નથી. એટલે જ મહુવા અને અમરેલીની ઘટનાઓને સામાન્ય બનાવ તરીકે નહીં, પરંતુ તપાસના વિષય તરીકે જોવામાં આવી રહી છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે માનવ માંસ ભક્ષણ થયું. પ્રશ્ન એ પણ છે કે આવું બન્યું કેમ?
જંગલની કોઈ સરહદ નથી, છતાં દરેક સિંહ પોતાની હદ જાણે છે
ગીરના જંગલમાં ફરવા જાઓ તો ક્યાંય કોઈ પાટિયું જોવા નહીં મળે કે જ્યાં લખ્યું હોય- અહીંથી સિંહનો વિસ્તાર શરૂ થાય છે અને અહીં પૂરો થાય છે. છતાં દરેક સિંહ પોતાની ટેરિટરી જાણે છે અને આસપાસના અન્ય સિંહો પણ તેને ઓળખે છે.
જંગલની પોતાની એક ભાષા હોય છે. સિંહો આ ભાષા ગંધ, અવાજ અને નિશાનીઓ દ્વારા બોલે છે. તેઓ પેશાબ દ્વારા પોતાની હાજરી નોંધાવે છે, વૃક્ષો પર તરાપ મારી નિશાનીઓ છોડી જાય છે અને ક્યારેક ત્રાડ દ્વારા પણ પોતાના અસ્તિત્વની ઘોષણા કરે છે. માણસને કદાચ આ બધું દેખાતું નહીં હોય, પરંતુ જંગલના અન્ય પ્રાણીઓ માટે આ સંદેશ સ્પષ્ટ હોય છે કે આ વિસ્તાર સિંહનો છે.
વન વિભાગના અધિકારીઓ સાથેની વાતચીતમાં પણ આ મુદ્દો સામે આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર સિંહના સક્રિય રહેણાંક વિસ્તારમાં અકારણ પ્રવેશ કરવો જોખમી બની શકે છે. કારણ કે માણસ માટે જે વિસ્તાર માત્ર જંગલનો એક ખૂણો છે, તે સિંહ માટે તેનુ ઘર, તેનું ક્ષેત્ર અને તેના અસ્તિત્વનો ભાગ છે
આ જ કારણ છે કે વન્યજીવ નિષ્ણાતો હંમેશાં એક મહત્વનો તફાવત કરે છે. જો કોઈ ઘટના સિંહના સક્રિય વિસ્તારમાં બને તો તેને અલગ રીતે જોવામાં આવે છે. પરંતુ જો સિંહ માનવ વસાહતમાં જઈને માણસને શિકાર બનાવે તો તે વધુ ગંભીર ચિંતા ઊભી કરે છે.
ગીરના વિસ્તારોમાં રહેતા લોકો આ વાત સારી રીતે સમજે છે. અનેક વખત લોકો સિંહની નજીકથી પસાર થાય છે, ખેતરોમાં કામ કરે છે, ઢોર ચરાવે છે, છતાં કોઈ સંઘર્ષ થતો નથી. આ અનુભવ જ બતાવે છે કે ગીરના એશિયાઈ સિંહોની મૂળભૂત પ્રકૃતિ અકારણ માણસ પર હુમલો કરવાની નથી.
ત્યારે સવાલ ફરી એ જ રહે છે જો માણસ સિંહનો ખોરાક નથી તો પછી માનવ માંસ ભક્ષણ જેવી ઘટના કેમ બની?
સિંહ માનવ માંસ કેમ ખાય?
આ સવાલનો કોઈ એક જવાબ નથી. વિશ્વભરના વન્યજીવ અભ્યાસો દર્શાવે છે કે મોટા શિકારી પ્રાણીઓ ક્યારેક સંજોગોવશાત અથવા તકવાદી રીતે (ઓપોર્ચ્યુનિસ્ટિકલી) પણ ભક્ષણ કરી શકે છે. તેનો અર્થ એ નથી કે તેમણે એ પ્રજાતિને પોતાના નિયમિત ખોરાક તરીકે સ્વીકારી લીધી છે.
આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ વન વિભાગ પણ કરી રહ્યો છે. હજુ તપાસ ચાલુ છે, તેથી કોઈ નિશ્ચિત તારણ આપવું યોગ્ય નહીં ગણાય. પરંતુ અધિકારીઓ અને વન્યજીવ નિષ્ણાતો કેટલાક સંભવિત પરિબળો તરફ ધ્યાન દોરે છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર માનવ વર્તનમાં આવેલા ફેરફારો પણ એક પરિબળ હોય શકે છે. ઘણી વખત લોકો દારૂના નશામાં અથવા બેફિકરાઈથી એવા વિસ્તારોમાં પહોંચી જાય છે જ્યાં સિંહોની નિયમિત અવરજવર હોય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો સિંહની નજીક જવાનો પ્રયાસ કરે છે, વિડીયો બનાવવા જાય છે અથવા તેને છંછેડે છે. આવી સ્થિતિઓ જોખમને આમંત્રણ આપી શકે છે.
અધિકારીઓ એ પણ જણાવે છે કે સિંહોના રહેણાંક વિસ્તારોમાં વિવિધ કારણોસર લોકોની અવરજવર રહેતી હોય છે. ક્યાંક ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે, ક્યાંક પશુઓની શોધમાં અને ક્યાંક માત્ર ઉત્સુકતાવશ. પરંતુ જંગલમાં માણસ જે પ્રવૃત્તિને સામાન્ય માને છે, તે સિંહ માટે ઘૂસણખોરી સમાન છે.
બીજી તરફ એક મહત્વની હકીકત એ પણ છે કે આજે ગીરના સિંહો પહેલાં કરતાં વધુ વિસ્તાર ધરાવે છે. તેમનો સંપર્ક પહેલાં કરતાં વધુ લોકો સાથે થઈ રહ્યો છે. એટલે માણસ અને સિંહ વચ્ચેના સંઘર્ષના અવસરો પણ વધી રહ્યા છે.
વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે હવે માત્ર સિંહોને બચાવવાની નહીં, પરંતુ સિંહો સાથે જીવવાની સંસ્કૃતિને પણ નવી રીતે સમજવાની જરૂર છે. ગીરના જંગલોમાં રહેતા જૂના માલધારીઓ જે બાબતો સહજ રીતે જાણતા હતા, તે જ સમજ હવે બૃહદ ગીરના વધતા વિસ્તારોમાં રહેતા લોકોને પણ વિકસાવવી પડશે.
કારણ કે એક વાત આજે પણ એટલી જ સાચી છે જેટલી દાયકાઓ પહેલાં હતી કે સિંહ માણસનો કુદરતી ખોરાક નથી અને કદાચ એટલા માટે જ જ્યારે આ નિયમને પડકારતી કોઈ ઘટના સામે આવે છે, ત્યારે તે સમગ્ર પ્રદેશ માટે ચિંતાનો વિષય બની જાય છે.
શું ગીરમાં નરભક્ષી સિંહો ઊભા થઈ રહ્યા છે?
મહુવા અને અમરેલીની ઘટનાઓ પછી સ્વાભાવિક રીતે જ એક સવાલ લોકોના મનમાં ઊભો થયો છે કે શું ગીરમાં નરભક્ષી સિંહો ઊભા થઈ રહ્યા છે? આ સવાલમાં ભય પણ છે, જિજ્ઞાસા પણ છે અને ચિંતા પણ. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ સવાલનો જવાબ હજુ કોઈની પાસે નથી.
વન વિભાગના અધિકારીઓ સ્પષ્ટપણે કહે છે કે હાલ તપાસ ચાલી રહી છે. તેથી ઉતાવળમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં ગણાય. છતાં આ ચર્ચા નવી નથી. ગીરના ઇતિહાસમાં એક એવો પ્રસંગ આવી ચૂક્યો છે, જેણે લગભગ દસ વર્ષ પહેલાં પણ વન વિભાગને ચિંતિત કરી દીધો હતો.
વર્ષ 2016માં ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના અસામાન્ય વર્તનને લઈને ચર્ચા શરૂ થઈ હતી. માર્ચથી જૂન વચ્ચે કેટલાક હુમલાઓ થયા હતા, જેમાં ત્રણેક લોકોનાં મોત પણ થયાં હતાં. તે સમયની તપાસ દરમિયાન વન વિભાગે અનેક સિંહોને પકડીને તેમના વર્તન અને સ્કેટના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું. તપાસમાં કેટલાક સિંહોના નમૂનાઓમાં માનવ અવશેષો મળ્યાના અહેવાલો સામે આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્રણ સિંહોને ફરી જંગલમાં છોડવાને બદલે કાયમી રીતે કેદમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઘટના આજે ફરી યાદ આવી રહી છે. કારણ કે મહુવા અને અમરેલીની ઘટનાઓ બાદ ફરી એ જ પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. પરંતુ અહીં એક મહત્વનો તફાવત છે. 2016 હોય કે 2026, વન વિભાગનો અભિગમ એકસરખો રહ્યો છે કે દરેક ઘટનાને તેના સંજોગો સાથે સમજવાનો.
કારણ કે વન્યજીવ વ્યવસ્થાપનમાં એકાદ ઘટના આખી પ્રજાતિના વર્તનને વ્યાખ્યાયિત કરતી નથી. જો આવું હોત તો કદાચ ગીરનું સહઅસ્તિત્વ વર્ષો પહેલાં જ ખતમ થઈ ગયું હોત.
સિંહો વધી રહ્યા છે, એટલે જવાબદારીઓ પણ વધી રહી છે
ગીરના સિંહોની સફળતાની વાત ઘણીવાર તેમની વધતી સંખ્યાના આંકડાઓમાં કહેવામાં આવે છે. એક સમય એવો હતો જ્યારે એશિયાઈ સિંહોના અસ્તિત્વ પર જ પ્રશ્નચિહ્ન લાગી ગયું હતું. પરંતુ સંરક્ષણના પ્રયાસોએ સ્થિતિ બદલી નાખી. આજે સિંહો માત્ર બચ્યા જ નથી, પરંતુ તેઓ પોતાના પરંપરાગત વિસ્તારની બહાર પણ ફેલાયા છે.
પરંતુ દરેક સફળતા સાથે નવા પડકારો પણ આવે છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે ગીર કરતાં વધુ સિંહો બૃહદ ગીર વિસ્તારમાં જોવા મળે છે. તેનો અર્થ એ થાય છે કે હવે સિંહ અને માણસ વચ્ચેની મુલાકાતો વધવાની જ છે. જ્યાં પહેલાં જંગલ અને માનવ વસાહતો વચ્ચે થોડું અંતર હતું, ત્યાં હવે અનેક જગ્યાએ બંને એકબીજાની નજીક આવી ગયા છે.
કદાચ એટલા માટે જ અધિકારીઓ વારંવાર સાવચેતીની વાત કરે છે. તેઓ કહે છે કે સિંહના સક્રિય વિસ્તારમાં અકારણ જવાનું ટાળવું જોઈએ. જો સિંહ સામે આવે તો તેને પીઠ બતાવીને દોડવું ના જોઈએ. તેને છંછેડવો ના જોઈએ. જંગલમાં અથવા તેની આસપાસ બેદરકારીભર્યું વર્તન ટાળવું જોઈએ. ઘરો અને ફાર્મહાઉસોમાં માંસાહાર બનતો હોય તો તેના અવશેષોનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
આ સલાહો સામાન્ય સૂચનાઓ જેવી લાગે, પરંતુ તેની પાછળ એક મોટી સમજણ છુપાયેલી છે. ગીરનું સહઅસ્તિત્વ માત્ર સિંહોની સમજદારીથી ટક્યું નથી. તેમાં માણસોની સાવધાની અને અનુકૂલનની પણ મોટી ભૂમિકા રહી છે. કારણ કે હકીકત એ છે કે કાઠિયાવાડના લોકો અને સિંહો એકબીજા સાથે જીવતા આવ્યા છે. આ સંબંધ માત્ર જંગલનો વિષય નથી, પરંતુ સમગ્ર પ્રદેશની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખનો ભાગ છે.
કાઠિયાવાડે સિંહ સાથે જીવવાનું શીખ્યું છે
ભારતમાં કદાચ બહુ ઓછા પ્રદેશો એવા હશે જ્યાં લોકો જંગલના રાજાને આટલી નજીકથી ઓળખતા હોય. કાઠિયાવાડમાં સિંહ કોઈ દૂરના જંગલમાં રહેતું પ્રાણી નથી. તે અહીંના જીવનનો ભાગ છે. અહીંના લોકો જાણે છે કે કયા રસ્તે સિંહોની અવરજવર રહે છે, કયા વિસ્તારમાં રાત્રે ન જવું જોઈએ અને જંગલના નિયમો શું છે.
કદાચ એટલા માટે જ સિંહ અને માણસ વચ્ચેનો સંબંધ માત્ર ભયનો નથી રહ્યો. તેમાં આદર છે, અંતર છે અને એક પ્રકારની સમજણ પણ છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વન વિભાગના અધિકારીએ એક મહત્વની વાત કહી છે કે સિંહ કાઠિયાવાડનું ગૌરવ છે. તેનું જતન કરવું જરૂરી છે. પરંતુ એ જ સમયે માણસનું જીવન પણ એટલું જ મહત્વનું છે. એટલે ઉકેલ કોઈ એક પક્ષને દોષી ઠેરવવામાં નથી, પરંતુ બંને વચ્ચેનું સંતુલન જાળવી રાખવામાં છે.
ચેતવણી કે પરિવર્તન?
તો શું મહુવા અને અમરેલીની ઘટનાઓ ગીરના સિંહોના વર્તનમાં મોટા પરિવર્તનનો સંકેત છે? કદાચ હા. કદાચ ના.
શક્ય છે કે વર્ષો પછી જ્યારે આ ઘટનાઓને ફરી જોઈશું, ત્યારે તે માત્ર બે દુર્લભ અપવાદ સાબિત થાય. એ પણ શક્ય છે કે સિંહોની વધતી સંખ્યા અને વધતા માનવ-સિંહ સંપર્કને કારણે હવે પહેલાં કરતાં વધુ આવા કિસ્સાઓ નોંધાઈ રહ્યા હોય. પરંતુ એક ત્રીજી સંભાવના એ પણ છે કે શું આ ઘટનાઓ એવા પરિવર્તનના પ્રારંભિક સંકેતો છે, જેને સમજવા માટે હજુ વધુ સમય અને વધુ અભ્યાસની જરૂર છે?
હાલ આ સવાલોના જવાબ કોઈની પાસે નથી. કદાચ એટલા માટે જ વન વિભાગની તપાસ મહત્વની છે. કારણ કે આ ચર્ચા માત્ર બે દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુઓની નથી. આ ચર્ચા દુનિયાના સૌથી અનોખા માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ મોડેલના ભવિષ્ય વિશે છે. ગીરના જંગલોમાં માણસ અને સિંહ વચ્ચે કોઈ લેખિત કરાર નથી. કોઈ કાયદાકીય સમજૂતી નથી. છતાં દાયકાઓથી બંને એકબીજાની હાજરી સ્વીકારીને જીવતા આવ્યા છે. એકબીજાના અસ્તિત્વને જગ્યા આપી છે.
મહુવા અને અમરેલીની ઘટનાઓ એ સંબંધનો અંત નથી. કદાચ તે માત્ર એક ચેતવણી છે. એક સંકેત છે કે બદલાતા સમય સાથે માણસ અને સિંહ બંનેના વર્તનને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. કારણ કે ચિંતા એટલી નથી કે સિંહે માણસ પર હુમલો કર્યો. ચિંતા એ છે કે ગીરના સિંહ અને માણસ વચ્ચે દાયકાઓથી ચાલતો વિશ્વાસનો અદૃશ્ય કરાર ક્યાંક તૂટી તો નથી રહ્યો ને?


