ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા વિશ્વના 2 મહાન નેતાઓમાંના એક: કહ્યું- તેઓ યુદ્ધથી દૂર રહે છે પણ અત્યંત મજબૂત માણસ છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો ફરી એકવાર દુનિયાની સામે આવ્યા છે. એક ખાસ ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે પત્રકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને દુનિયાના બે સૌથી મહાન નેતાઓના નામ પૂછ્યા ત્યારે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું. ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

ટ્રમ્પે પીએમ મોદીની કામ કરવાની પદ્ધતિ અને તેમની રાજકીય કોઠાસૂઝના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે ખાસ નોંધ્યું કે પીએમ મોદી હંમેશા યુદ્ધોથી દૂર રહે છે અને વૈશ્વિક તણાવ વચ્ચે આ તેમનો ખૂબ જ સમજદારીભર્યો નિર્ણય છે. ટ્રમ્પના મતે લગભગ 150 કરોડની વિશાળ વસ્તી ધરાવતા ભારત દેશનું નેતૃત્વ પીએમ મોદી અત્યંત શાનદાર અને પ્રભાવશાળી રીતે કરી રહ્યા છે.

પહેલાં ભારતમાં ખૂબ ઝડપથી બદલાતી સરકારો

ભારતની રાજકીય સ્થિરતાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે ભૂતકાળની યાદો તાજી કરી હતી. તેમણે કહ્યું કે, “મેં આખી જિંદગી ભારતને જોયું છે, જ્યાં અગાઉ સરકારો ખૂબ જ ઝડપથી બદલાઈ જતી હતી. કોઈ નેતા છ મહિના તો કોઈ વર્ષ દિવસ જ સત્તા પર ટકી શકતા હતા. પરંતુ ત્યાર બાદ નરેન્દ્ર મોદી આવ્યા અને તેઓ છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી મજબૂતી સાથે સત્તા પર ટકેલા છે.”

પીએમ મોદીના વ્યક્તિત્વની ખાસિયત જણાવતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે મોદીમાં શાંતિ અને રાજકીય મજબૂતીનો એક અનોખો સંગમ જોવા મળે છે. તેઓ દરેક મુશ્કેલ કાર્યને ખૂબ જ શાંતિથી પૂરું કરે છે. જોકે, તેઓ બહારથી જેટલા શાંત દેખાય છે, અંદરથી તેટલા જ કડક અને મજબૂત મનોબળ ધરાવતા નેતા છે. હું તેમને ખૂબ જ નજીકથી ઓળખું છું.

મોદી સાથેના સબંધો પર મૂક્યયો ભાર

તાજેતરમાં G7 સમિટ દરમિયાન થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે પીએમ મોદી સાથેના પોતાના અંગત સંબંધો પર પણ ભાર મૂક્યો હતો. વેપાર અને આર્થિક મોરચે વાત કરતા ટ્રમ્પે ભારતની આર્થિક પ્રગતિના આંકડાઓને પણ બિરદાવ્યા હતા. તેમણે ખુલાસો કર્યો કે ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વ્યાપાર કરાર થવાની ખૂબ જ નજીક છે, જેના પર બંને દેશો લાંબા સમયથી સાથે મળીને કામ કરી રહ્યા છે.

અંતમાં આ ઈન્ટરવ્યુ બાદ ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતની પુષ્ટિ કરતી એક પોસ્ટ શેર કરી હતી. ટ્રમ્પને વિશ્વાસ છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી ભારતના નેતા રહેશે, ત્યાં સુધી ભારત વૈશ્વિક શાંતિ, વેપાર અને દુનિયાની દરેક મોટી બાબતોમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહેશે.