‘ફોટો માટે મારી પાછળ પડી ગઈ હતી’: ટ્રમ્પના દાવા પર ભડક્યાં ઈટાલીનાં પીએમ મેલોની, કહ્યું- ઈટાલી કોઈની સામે કાકલૂદી કરતું નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે નિવેદનબાજીનો વિવાદ શરૂ થયો છે. ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ફ્રાન્સમાં યોજાયેલા G7 સમિટ દરમિયાન મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે તેમની પાછળ પડી ગઈ હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેમણે મેલોની સાથે ફોટો માત્ર એટલા માટે પડાવ્યો કારણ કે તેમને તેમના પર દયા આવી હતી.

ટ્રમ્પના આ નિવેદન પર જ્યોર્જિયા મેલોનીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્રમ્પના દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને મનઘડંત ગણાવ્યા હતા.

મેલોનીએ કહ્યું કે, “ડોનાલ્ડ ટ્રમ્પની વાતો સંપૂર્ણપણે ખોટી છે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું છે. અમેરિકા જેવા દેશના રાષ્ટ્રપતિ પોતાના સહયોગી દેશો સાથે આવો વ્યવહાર કેમ કરે છે તે સમજાતું નથી.”

વાસ્તવમાં ટ્રમ્પે ઈટાલીની ટેલિવિઝન ચેનલ La7ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે G7 સમિટ દરમિયાન મેલોની તેમની સાથે ફોટો પડાવવા અને વાત કરવા માટે ખૂબ ઉત્સુક હતાં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મેલોની વારંવાર તેમની સાથે ફોટો પડાવવાનો આગ્રહ કરી રહ્યાં હતાં.

જોકે, G7 સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ટ્રમ્પ અને મેલોની લાંબા સમય સુધી વાતચીત કરતા જોવા મળે છે.

ટ્રમ્પના નિવેદનનો જવાબ આપતા મેલોનીએ વધુમાં કહ્યું કે તેઓ પોતાના સહયોગી દેશો પ્રત્યે કડક વલણ દાખવે છે, પરંતુ પશ્ચિમી દેશોના વિરોધીઓ સામે એટલી કડકતા બતાવતા નથી.

મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “એક વાત તેમણે યાદ રાખવી જોઈએ, ન હું અને ન ઈટાલી ક્યારેય કોઈની સામે કાકલૂદી કરતા નથી.”

વિવાદ વધુ ઘેરાતાં ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તજાનીએ 21 અને 22 જૂને યોજાનારી પોતાની અમેરિકા યાત્રા રદ કરી દીધી હતી. તેમણે ટ્રમ્પની ટિપ્પણીઓને ગંભીર અને અપમાનજનક ગણાવી હતી તથા કહ્યું હતું કે આ માત્ર મેલોની નહીં, પરંતુ સમગ્ર ઈટાલીનું અપમાન છે.

ટ્રમ્પ અને મેલોની વચ્ચે શરૂ થયેલા આ શબ્દયુદ્ધે હવે બંને દેશોના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. G7 સમિટ દરમિયાનની એક ટિપ્પણી હવે આંતરરાષ્ટ્રીય કૂટનીતિક વિવાદમાં ફેરવાઈ ગઈ છે.