‘એક મિનિટ માગી હતી, 7 મિનિટ આપી’: પક્ષપલટા રોકવાની માંગ પર સુપ્રીમ કોર્ટ, ‘અસ્પષ્ટ અને પાયાવિહોણા આરોપો’ ગણાવી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે (19 જૂન) રાજકીય નેતાઓના પક્ષપલટા રોકવા અને આવા કિસ્સાઓમાં કાર્યવાહી માટે નિર્દેશો માગતી એક અરજી ફગાવી દીધી હતી. અરજીને ફગાવતા કોર્ટે કહ્યું કે તે ‘અસ્પષ્ટ, મનઘડંત અને સામાન્ય પ્રકારના આરોપો’ પર આધારિત છે અને તેની પાછળ કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ એડવોકેટ સી.આર. જયા સુકિને દલીલ કરી હતી કે દેશમાં કેટલાક રાજકીય નેતાઓને લાંચ આપીને અથવા તેમના પરિવારજનોને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને પક્ષ બદલવા માટે મજબૂર કરવામાં આવે છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ધારાસભ્યો અને સાંસદો રાજીનામું આપ્યા બાદ તાત્કાલિક અન્ય પક્ષમાં જોડાઈ જાય છે, જેના કારણે લોકશાહી નબળી પડી રહી છે.

સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે અરજીમાં કયા શાસક પક્ષનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેના જવાબમાં અરજદાર તરફથી પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોનો સંદર્ભ આપવામાં આવ્યો હતો. જોકે કોઈ પક્ષ કે રાજ્યનું નામ લેવામાં આવ્યું નહોતું.

આ દરમિયાન ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા કહ્યું કે, “કયો શાસક પક્ષ? તમારા રાજ્યમાં તો પક્ષો બદલાતા જ રહે છે.”

અરજદારે દલીલ કરી હતી કે કેટલાક રાજ્યોમાં સ્પીકર રાજીનામાં સ્વીકારી લે છે અને થોડી જ મિનિટોમાં સંબંધિત નેતાઓ અન્ય પક્ષમાં જોડાઈ જાય છે. તેમણે આ પ્રક્રિયાની તપાસ માટે સ્પીકરને નિર્દેશ આપવા કોર્ટને વિનંતી કરી હતી.

જોકે સુપ્રીમ કોર્ટે અરજીમાં કોઈ તથ્યાત્મક આધાર ન હોવાનું જણાવીને તેને સાંભળવાનો ઇનકાર કર્યો હતો. અરજી ફગાવતા પહેલાં ચીફ જસ્ટિસે અરજદારને કહ્યું, “તમે એક મિનિટ માગી હતી, અમે તમને 7 મિનિટ આપી.”

કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે અરજીમાં કરવામાં આવેલા આરોપો અત્યંત સામાન્ય, અસ્પષ્ટ અને આધારવિહોણા છે. રેકોર્ડ પર કોઈ વિશ્વસનીય સામગ્રી રજૂ કરવામાં આવી નથી જેના આધારે કોર્ટ હસ્તક્ષેપ કરે. તેથી અરજી ફગાવી દેવામાં આવે છે.

નોંધનીય છે કે આ અરજી એવા સમયે આવી હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC), મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં (SP) આંતરિક બળવો અને સંભવિત પક્ષપલટાની અટકળો ચાલી રહી છે.

અહેવાલો અનુસાર પશ્ચિમ બંગાળમાં TMCના કેટલાક સાંસદો અને ધારાસભ્યો દ્વારા અલગ વલણ અપનાવવામાં આવ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ શિવસેનાના (UBT) કેટલાક સાંસદો પક્ષના નિર્દેશોનું પાલન ન કરતા ‘ઑપરેશન ટાઈગર’ની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવી રાજકીય ઘટનાઓનો સામાન્ય ઉલ્લેખ કરીને કોઈ વ્યાપક અને આધારવિહોણી અરજી દાખલ કરવામાં આવે તો તેના આધારે કોર્ટ કોઈ આદેશ આપી શકે નહીં.