ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી થતી ઘૂસણખોરીને લઈને સામે આવેલી એક વિસ્તૃત તપાસમાં એક પૂર્વ વચેટિયાએ અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. તેના જણાવ્યા અનુસાર વર્ષો સુધી સરહદ પાર લોકોની અવરજવર કરાવતું એક સંગઠિત નેટવર્ક સક્રિય હતું, જેનો વાર્ષિક કારોબાર અંદાજે ₹800 કરોડથી ₹900 કરોડ સુધી પહોંચતો હતો.
ઉત્તર 24 પરગણા જિલ્લાના સરહદી વિસ્તાર સાથે જોડાયેલા આ પૂર્વ વચેટિયાએ દાવો કર્યો કે આ નેટવર્કમાં સરહદની બંને બાજુ કાર્યરત એજન્ટો, સ્થાનિક સંપર્કો, ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા અને નકલી દસ્તાવેજો તૈયાર કરાવનારા લોકો સામેલ હતા.
તેમના જણાવ્યા અનુસાર નવેમ્બર 2025માં મતદાર યાદીની વિશેષ સઘન ચકાસણી (SIR) પ્રક્રિયા શરૂ થયા બાદ અને તાજેતરમાં રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે. તેના કારણે આ ગેરકાયદે ધંધો લગભગ બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગયો છે.
Anandabazar Investigation Exposes a Massive Bangladesh Infiltration Network
— Facts (@BefittingFacts) June 19, 2026
A report claims illegal infiltration across the India-Bangladesh border has evolved into a ₹900 crore annual racket.
• “Ghats” identified as key infiltration points on both sides of the border.
•… pic.twitter.com/h9qVAwrxff
ઘાટ અને ‘લાઇનમેન’ના નેટવર્કથી થતી હતી ઘૂસણખોરી
આનંદબજાર પત્રિકાના અહેવાલમાં પૂર્વ વચેટિયાના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં અંદાજે 1000 જેટલા ‘ઘાટ’ કાર્યરત હતા, જ્યાંથી લોકોને ગેરકાયદે રીતે સરહદ પાર કરાવવામાં આવતી હતી.
તેમના જણાવ્યા અનુસાર કયા સ્થળે અને કયા સમયે સુરક્ષાદળોની નજર ઓછી છે તેની માહિતી એકત્રિત કરવામાં આવતી હતી અને તેના આધારે આખી પ્રક્રિયા ચલાવવામાં આવતી હતી. દાવા મુજબ ભારતીય સરહદી વિસ્તારમાં ખેતરો અને ઝાડીઓ વચ્ચે છુપાયેલા કેટલાક લોકો સતત દેખરેખ રાખતા અને BSFની ગતિવિધિઓ અંગેની માહિતી બીજી બાજુ પહોંચાડતા હતા. માર્ગ સુરક્ષિત હોવાનું જણાય ત્યારબાદ લોકોને સરહદ પાર કરાવવામાં આવતી હતી.
અહેવાલ અનુસાર આ પ્રક્રિયા માત્ર રાત્રિના સમય સુધી મર્યાદિત નહોતી, પરંતુ તક મળે ત્યારે દિવસ દરમિયાન પણ લોકોને સરહદ પાર કરાવવામાં આવતી હતી.
ભારતીય અને બાંગ્લાદેશી સિમ કાર્ડથી ચાલતો હતો સંપર્ક
પૂર્વ વચેટિયાએ દાવો કર્યો કે સરહદની બંને બાજુ રહેલા લોકો વચ્ચે સતત સંપર્ક જાળવવામાં આવતો હતો. તેના માટે ભારતીય તેમજ બાંગ્લાદેશી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘણી વખત ડિજિટલ માધ્યમોથી નાણાંની લેવડદેવડ પણ થતી હોવાનું જણાવાયું છે.
અહેવાલ મુજબ સરહદ પાર પહોંચ્યા બાદ લોકોને નજીકના બસ સ્ટેન્ડ અથવા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની જવાબદારી સ્થાનિક નેટવર્ક સંભાળતું હતું. ત્યારબાદ તેમને મોટા શહેરોમાં મોકલવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે જુદા-જુદા તબક્કે નક્કી કરેલી રકમ વસૂલવામાં આવતી હતી.
પ્રતિ વ્યક્તિ નક્કી થતો હતો દર
દાવાઓ અનુસાર સરહદ પાર કરાવવાના બદલામાં પ્રતિ વ્યક્તિ નક્કી કરેલી રકમ લેવામાં આવતી હતી અને ત્યારબાદ તેનો હિસ્સો સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા વિવિધ લોકો વચ્ચે વહેંચવામાં આવતો હતો.
પૂર્વ વચેટિયાના જણાવ્યા અનુસાર કેટલાક સરહદી વિસ્તારોમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોને ગેરકાયદે રીતે ભારત લાવવામાં આવતા હતા. આ જ કારણસર સમગ્ર નેટવર્કનો કારોબાર ખૂબ મોટો બની ગયો હતો.
અહેવાલમાં કેટલાક સ્થાનિક લોકોના હવાલાથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરહદ પારના કેટલાક તત્વોને આર્થિક લાભ આપીને સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવામાં આવતી હતી. જોકે તાજેતરના વર્ષોમાં સુરક્ષા વધારવામાં આવતા અને વિવિધ ચકાસણી અભિયાનો શરૂ થતાં આવી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું કહેવાય છે.
નકલી દસ્તાવેજોનું સમાંતર નેટવર્ક પણ સક્રિય હોવાનો દાવો
તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરહદ પાર કર્યા બાદ વ્યક્તિઓની ઓળખ સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરાવવાનું સમાંતર નેટવર્ક પણ સક્રિય હતું.
આરોપો અનુસાર જન્મ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અને PAN કાર્ડ જેવા દસ્તાવેજો મેળવવા માટે સ્થાનિક સ્તરે સંપર્કોનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહેવાલમાં કેટલાક પૂર્વ સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર સાથે જોડાયેલા લોકો પર પણ આવા દસ્તાવેજો મેળવવામાં મદદ કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે.

