‘સરકારનું પગલું યોગ્ય અને કાયદેસર’: NEET પરીક્ષા પહેલાં ટેલિગ્રામ પરનો પ્રતિબંધ યથાવત, દિલ્હી હાઇકોર્ટે ફગાવી કંપનીની અરજી; વાંચો વિગતો

NEET-UG 2026ની પુનઃપરીક્ષા પહેલાં ટેલિગ્રામ પર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને દિલ્હી હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. શુક્રવારે (19 જૂન) જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે Telegram FZ LLC અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. ટેલિગ્રામે સરકારના નિર્ણયને પડકારતાં દલીલ કરી હતી કે આ પ્રતિબંધ ગેરવાજબી છે અને તેના કારણે 15 કરોડથી વધુ ભારતીય યુઝર્સને અસર થઈ રહી છે, પરંતુ કોર્ટે તેમાં દખલ કરવાનો ઇનકાર કર્યો.

કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારને IT Actની કલમ 69A હેઠળ ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે. સાથે જ કોર્ટે નોંધ્યું કે આ મામલામાં સરકાર દ્વારા લેવામાં આવેલું પગલું ‘પ્રમાણસર’ (Proportionate) અને ‘ઓછામાં ઓછું પ્રતિબંધક’ (Least Restrictive) છે. કોર્ટે એ પણ જણાવ્યું કે સરકારે કાયદા મુજબની પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને આદેશ પાછળ પૂરતા કારણો હતા.

ટેલિગ્રામે કોર્ટમાં દલીલ કરી હતી કે MeitYના સચિવે યોગ્ય રીતે વિચાર્યા વિના પ્રતિબંધનો આદેશ આપ્યો હતો અને કંપનીને પૂરતા કારણો પણ આપવામાં આવ્યા નહોતાં. જોકે કોર્ટે non-application of mind તેમજ રિઝન્સ સપ્લાય સંબંધિત બંને દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે સરકારના આદેશોને યોગ્ય કારણો પર આધારિત ગણાવ્યા હતા.

કેન્દ્ર સરકારે 16 જૂને ટેલિગ્રામ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય 21 જૂને યોજાનારી NEET-UG 2026ની પુનઃપરીક્ષા પહેલાં લેવામાં આવ્યો હતો. સાથે જ ટેલિગ્રામને 30 જૂન સુધી અગાઉ પોસ્ટ થયેલા મેસેજના એડિટિંગ ફીચરને પણ નિષ્ક્રિય રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સરકારનો દાવો હતો કે ટેલિગ્રામનું ટેકનિકલ માળખું અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતાં અલગ છે અને તેનો ઉપયોગ સંગઠિત પેપર લીક નેટવર્ક દ્વારા કરવામાં આવી રહ્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ટેલિગ્રામ પર બોટ્સ અને મિરર ચેનલો સરળતાથી બનાવી શકાય છે, જેના કારણે એક ચેનલ અથવા બોટ બંધ કરવામાં આવે તો તેની જગ્યાએ તરત જ અન્ય ચેનલો ઉભી થઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર આ માળખું એજન્સીઓ માટે પડકારરૂપ બની રહ્યું છે.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે ટેલિગ્રામને ‘નવું ડાર્ક વેબ’ ગણાવ્યું હતું. સરકારે દાવો કર્યો હતો કે પ્લેટફોર્મનો ઉપયોગ સાયબર ક્રાઇમ, નાણાકીય છેતરપિંડી, ડ્રગ ટ્રાફિકિંગ, આતંકવાદી પ્રવૃત્તિઓ, બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રીના પ્રસાર, પાયરેટેડ કન્ટેન્ટના વિતરણ અને વિવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કરવા અને વિદ્યાર્થીઓને છેતરવા માટે પણ ટેલિગ્રામ ચેનલોનો ઉપયોગ થતો રહ્યો છે.

બીજી તરફ ટેલિગ્રામે કોર્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ NEET સંબંધિત 900થી વધુ ગેરકાયદે લિંક્સ અને ચેનલો દૂર કરી દીધી હતી. કંપનીએ AI, મશીન લર્નિંગ અને મેન્યુઅલ મોડરેશન દ્વારા ગેરકાયદે કન્ટેન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો પણ કર્યો હતો. ટેલિગ્રામના CEO પાવેલ દુરોવે પણ નિવેદન આપીને કહ્યું હતું કે પ્રતિબંધના કારણે 15 કરોડથી વધુ સામાન્ય ભારતીય વપરાશકર્તાઓને સજા થઈ રહી છે, જ્યારે પેપર લીક માટે જવાબદાર લોકો પર તેની અસર થતી નથી.

સુનાવણી દરમિયાન જસ્ટિસ તેજસ કારિયાએ એક તબક્કે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું માત્ર NEET ઉમેદવારોને ધ્યાનમાં રાખીને 15 કરોડથી વધુ યુઝર્સના અધિકારો મર્યાદિત કરી શકાય? જોકે તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અંતે કેન્દ્ર સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે IT Act હેઠળ ‘information’ શબ્દની વ્યાખ્યામાંથી ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મને બહાર રાખવાનું કોઈ કારણ નથી. કોર્ટે સરકારના બ્લોકિંગ આદેશોને યોગ્ય અને કાયદેસર ગણાવતાં ટેલિગ્રામની અરજી ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે NEET-UG 2026ની મૂળ પરીક્ષા પેપર લીક અને ગેરરીતિઓના આરોપો બાદ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ભલામણના આધારે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ સામે આ કાર્યવાહી કરી હતી.