બિહારમાં 28 વર્ષીય મહિલા સાથે બર્બરતા: 5 શખ્સો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ, ગુપ્તાંગમાંથી કારતૂસ-પથ્થર અને લાકડાનો ટુકડો મળ્યાનો દાવો

બિહારના બેગુસરાય જિલ્લામાંથી મહિલાની સાથે અત્યંત ક્રૂરતા આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર 11 જૂન 2026ની રાત્રે 5 શખ્સોએ એક 28 વર્ષીય મહિલાના ઘરમાં ઘૂસીને તેના પતિને એક રૂમમાં બંધ કરી દીધો હતો અને ત્યારબાદ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પીડિતાનો આરોપ છે કે દુષ્કર્મ દરમિયાન તેના પર બર્બર અત્યાચાર પણ કરવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર ઘટના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પીડિતાના જણાવ્યા મુજબ તે રાત્રે લગભગ 11:30 વાગ્યે શૌચ માટે ઘરની બહાર ગઈ હતી. આ દરમિયાન આરોપીઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના પતિને એક રૂમમાં બંધ કરી દીધા હતા. મહિલા પરત ફરતાં જ આરોપીઓએ તેનું મોં દબાવી દીધું અને તેને નજીકના એક સૂમસામ સ્થળે ખેંચી ગયા હતા.

મહિલાનો આરોપ છે કે ત્યાં 5 લોકોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. તેણે વિરોધ કરતા આરોપીઓએ બ્લેડ વડે તેના શરીર પર હુમલો કર્યો હતો. પીડિતાના જણાવ્યા મુજબ આરોપીઓએ તેના હાથ બાંધી દીધા હતા અને તેનું મોં પણ બંધ કરી દીધું હતું.

ઘટના બાદ મહિલાએ પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પીડિતાએ દાવો કર્યો છે કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેને અસહ્ય પીડા થતી હતી. ત્યારબાદ ફરી તપાસ કરવામાં આવતાં ડૉક્ટરોએ તેના ગુપ્તાંગમાંથી એક કારતૂસ, પથ્થર અને લાકડાનો ટુકડો બહાર કાઢ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.

પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના પરિવાર પર આ પ્રકારનો હુમલો પ્રથમ વખત થયો નથી. તેના જણાવ્યા મુજબ આશરે ત્રણ મહિના પહેલાં પણ કેટલાક લોકો તેના ઘરમાં ઘૂસ્યા હતા અને મારપીટ તેમજ યૌન ઉત્પીડનનો પ્રયાસ કર્યો હતો. જોકે તે મામલે ફરિયાદ છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ ન હોવાનું તેણે જણાવ્યું છે.

મામલે DSP આનંદ કુમાર પાંડેેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મહિલાના આરોપો સાચા જણાઈ રહ્યા છે અને પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે સારવાર બાદ પણ મહિલાને આંતરિક ઈજાઓ અને પીડાની ફરિયાદ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના ગુપ્તાંગમાંથી એક ગોળી (કારતૂસ) મળી આવી હોવાની માહિતી સામે આવી છે.

પોલીસે જણાવ્યું છે કે આરોપીઓની ધરપકડ માટે દરોડાની કાર્યવાહી ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.