અલ-નીનો પડકાર સામે ગુજરાત સજ્જ: સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે, ઉત્તર ગુજરાતના 300થી વધુ તળાવો સુધી પહોંચશે નર્મદાનું પાણી

ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠા, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સરકારનો મુખ્ય હેતુ નાગરિકો, ખેડૂતો અને પશુધનના હિતોની સુરક્ષા કરવાનો છે.

આ દરમિયાન પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે સરકારે આયોજન કર્યું છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ આવેલા જળાશયો અને ડેમોને પ્રાથમિકતા આધારે નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, અત્યાર સુધી નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટરના વિસ્તાર સુધી આવેલા તળાવો જ ભરાતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. તેના કારણે સુજલામ-સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના 300થી વધુ તળાવો નર્મદાના પાણીથી ભરાશે.

આ ઉપરાંત ખરીફ-2026 માટે રાજ્યમાં બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સરકારે જણાવ્યું છે. ખેડૂતોને સંભવિત મુશ્કેલીઓનો સામનો કરવા માટે વૈજ્ઞાનિક સલાહ સાથે ‘આકસ્મિક પાક આયોજન’ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત એઆઈ આધારિત ‘કૃષિ પ્રગતિ’ પ્લેટફોર્મ મારફતે 50 લાખથી વધુ ખેડૂતોને મોબાઇલ પર લાઇવ હવામાનની માહિતી અને ખેતી સંબંધિત માર્ગદર્શન મોકલવામાં આવી રહ્યું છે.

ઉપરાંત સરકારે પશુધનની સુરક્ષાને પણ મહત્વ આપ્યું છે. વન અને પશુપાલન વિભાગને પૂરતો ઘાસચારો ઉપલબ્ધ રહે તે માટે આગોતરા આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. હાલમાં રાજ્ય પાસે લગભગ બે વર્ષ સુધી પૂરતો રહે એટલો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. સાથે જ મહેસૂલ વિભાગ અને જિલ્લા તંત્રને 24 કલાક સ્થિતિ પર નજર રાખી જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે દરેક અલ-નીનો વર્ષમાં ઓછો વરસાદ પડે એવું જરૂરી નથી. વર્ષ 2006 અને 2023માં તીવ્ર અલ-નીનો હોવા છતાં ગુજરાતમાં સામાન્ય કરતાં 117 ટકા વરસાદ નોંધાયો હતો. તેથી ખેડૂતો અને નાગરિકોએ અફવાઓથી ગભરાવાની જરૂર નથી. હાલમાં સમગ્ર વહીવટીતંત્ર અને કૃષિ વૈજ્ઞાનિકો સંકલન સાથે કાર્ય કરી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા રાજ્ય સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું સરકારે જણાવ્યું છે.