
ગુજરાત ACBએ ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહી કરી છે. આણંદના તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) અને હાલ સસ્પેન્શન હેઠળ રહેલા વર્ગ-1ના સિનિયર સ્કેલના મહિલા અધિકારી કેતકી વ્યાસ વિરુદ્ધ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ACBની તપાસમાં સામે આવ્યું છે કે કેતકી વ્યાસે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરની આવક કરતાં અધધ મિલકતો એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી કુલ ₹3,56,03,910ની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જે તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં આશરે 68.84% જેટલી વધુ હોવાનું બહાર આવ્યું છે.
11 વર્ષના ચેક પિરિયડ
ACBના જણાવ્યા અનુસાર આ સમગ્ર તપાસ માટે 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2023સુધીનો 11 વર્ષનો સમયગાળો (ચેક પિરિયડ) નક્કી કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન તેમણે મામલતદારથી લઈને એડિશનલ કલેક્ટર સુધીના વિવિધ સરકારી હોદ્દાઓ પર રહીને પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટાપાયે ગેરકાયદેસર રોકાણ કર્યું હોવાનું સાબિત થયું છે.
આ સમગ્ર મામલે કેતકી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની (સુધારા અધિનિયમ-2018) વિવિધ કલમો હેઠળ અમદાવાદ ACB પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હાઈપ્રોફાઈલ ગુનાની આગળની સઘન તપાસ નાયબ નિયામકના સીધા સુપરવિઝન હેઠળ અમદાવાદ એકમના મદદનીશ નિયામકને સોંપવામાં આવી છે.
હનીટ્રેપ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવી ચૂક્યું છે નામ
મહત્વની વાત એ છે કે કેતકી વ્યાસનું નામ અગાઉ પણ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર વર્ષ 2023ના આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું હતું. આ કૌભાંડમાં આણંદના તત્કાલીન જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં જ ગુપ્ત વિડીયો શૂટ કરીને તેમને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા, જેથી તેમની પાસેથી નોન-એગ્રીકલ્ચર જમીનની ફાઈલો પર ખોટી રીતે સહીઓ કરાવી શકાય અથવા નાણાં પડાવી શકાય.
આ અશ્લીલ ક્લિપો વાયરલ થયા બાદ રાજ્ય સરકારે કલેક્ટર ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે કેતકી વ્યાસની નર્મદા જિલ્લામાં બદલી કરાઈ હતી. જોકે, ત્યારબાદ ગુજરાત ATSએ આ હનીટ્રેપના ષડયંત્રનો પર્દાફાશ કરીને કેતકી વ્યાસ અને તેમના સાથીદારોની ધરપકડ કરી હતી, જેના કારણે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેતકી વ્યાસ હાલમાં સસ્પેન્શન હેઠળ છે અને અગાઉ આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી. તે કેસમાં ગુજરાત ATSએ તેની સહિત અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી અને બાદમાં તે જામીન પર મુક્ત થયાં હતાં. હવે ACBની તપાસમાં તેની સામે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત એકત્રિત કરવાના આરોપો સામે આવતા વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. આ મામલે ACB દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

