
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક માનહાનિના કેસમાં કોર્ટમાં માફી માગી લીધી છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય ચૌહાણે દાખલ કરેલા એક માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં લેખિતમાં માફી માગી લીધી છે અને પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધીનું લેખિત નિવેદન સ્વીકારીને કોર્ટે સામેના પક્ષ તરફથી જવાબ માગીને સુનાવણી ગુરુવારે (25 જૂન) મુકરર કરી છે.
શું છે મામલો?
મામલો વર્ષ 2018નો છે. ઝાબુઆમાં એક ચૂંટણી સભા દરમ્યાન રાહુલ ગાંધીએ પનામા પેપર્સ લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે ત્યારે બહુ ચર્ચામાં હતો. આ પ્રકરણનો ઉલ્લેખ કરતી વખતે રાહુલ ગાંધીએ શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેયનું પણ નામ લીધું હતું.
કાર્તિકે ચૌહાણે ભોપાલની MP/MLA કોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદ સાથે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પોતે ક્યાંય પેપર્સ લીક પ્રકરણ સાથે જોડાયેલા નથી, તેમ છતાં રાહુલ ગાંધીએ તેમને ચૂંટણીમાં લાભ લેવા અને રાજકારણ કરવા માટે વિવાદમાં ઘસડ્યા હતા.
ચૌહાણની અરજી પર કોર્ટે સુનાવણી શરૂ કરી હતી અને ડિસેમ્બર 2024માં રાહુલને રૂબરૂ હાજર રહેવા માટે સમન્સ પણ મોકલ્યું હતું. જેની ઉપર રાહુલ ગાંધી હાઇકોર્ટ ગયા અને કેસ અને સમન્સ બંને રદ કરવા માટેની માંગ કરી હતી.
તાજેતરમાં રાહુલ ગાંધીએ વકીલ મારફતે એક લેખિત નિવેદન કોર્ટ સમક્ષ દાખલ કર્યું અને માફી માગતાં કહ્યું કે તેમની ટિપ્પણીઓ કાર્તિકેય સિંઘ માટે ન હતી અને પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કરે છે.
આ મામલે પ્રતિપક્ષ તરફથી જવાબ દાખલ કરવામાં આવશે. મામલાની આગલી સુનાવણી ગુરુવારે (25 જૂન) થવા જઈ રહી છે.
ભાજપે કહ્યું– હવે રાહુલે નામમાં જ ‘સૉરી’ ઉમેરી દેવું જોઈએ
રાહુલ ગાંધીએ માફી માંગી લીધા બાદ ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવિયાએ લખ્યું, “રાહુલ ગાંધીએ નામમાં જ ‘સૉરી’ ઉમેરી દેવું જોઈએ. કેટલી વખત તેઓ માફી માંગી ચૂક્યા છે, ખેલ વ્યક્ત કરી ચૂક્યા છે અને બદનક્ષીભર્યાં નિવેદનો પાર્ટ ખેંચી ચૂક્યા છે તેનો આંકડો પણ હવે તો યાદ નથી.”
Rahul Gandhi should perhaps make “Sorry” his middle name. One has lost count of the number of times he has had to apologise, express regret, or retract his defamatory and irresponsible statements.
— Amit Malviya (@amitmalviya) June 25, 2026
The latest instance comes in the defamation case filed by Kartikeya Singh, son of… pic.twitter.com/konx8e9Iry
તાજેતરના કેસનો ઉલ્લેખ કરીને માલવિયાએ સવાલ કર્યો કે જો નિવેદન કાર્તિકેય સિંઘ સંબંધિત ન હોય તો પહેલી વાત એ છે કે એ ઉલ્લેખ ભાષણમાં કરવામાં કેમ આવ્યો હતો? અને જો કોઈ તથ્ય વગર વાત કહેવામાં આવી હોય તો એ રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરે છે.
માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધી અવારનવાર આવા સનસનાટીભર્યા આરોપ લગાવતા રહે છે, તેની હેડલાઇન બને છે અને મામલો કોર્ટમાં જાય ત્યારે ‘ખેદ વ્યક્ત કરવાના નામે’ પીછેહઠ કરી લે છે. વિપક્ષ નેતા પાસેથી જવાબદારીપૂર્વકના વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે પણ રાહુલ ગાંધી માટે માનહાનિ કરવી અને પછીથી માફી માંગી લેવી એ આદત બની ગઈ છે.

