વેનેઝુએલામાં ‘ડબલ અર્થક્વેક’: એક મિનિટના અંતરે 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપ, હજાર મોતની આશંકા, કટોકટી જાહેર

વેનેઝુએલામાં ભૂકંપ બાદ બચાવકાર્ય ચાલુ (ફોટો- રૉયટર્સ)

વેનેઝુએલામાં 24 જૂનની સાંજે આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. લગભગ એક મિનિટના અંતરમાં આવેલા 7.2 અને 7.5 તીવ્રતાના આ ભૂકંપોને વૈજ્ઞાનિક ભાષામાં ‘ડબલેટ અર્થક્વેક’ કહેવામાં આવે છે. બંને ભૂકંપોનું કેન્દ્ર રાજધાની કારાકાસથી પશ્ચિમમાં આવેલા મોરોન શહેર નજીક હતું. પ્રથમ આંચકો આવ્યા બાદ માત્ર 39 સેકન્ડમાં બીજો અને વધુ શક્તિશાળી આંચકો આવ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

ભૂકંપના કારણે અનેક ઇમારતો, ઘરો અને અન્ય માળખાંઓ ધરાશાયી થઈ ગયાં છે. દેશના ગૃહમંત્રી ડિઓસદાદો કાબેલોએ જણાવ્યું છે કે અનેક મકાનો તૂટી પડ્યાં છે અને ભારે નુકસાન થયું છે. હાલ બચાવ કામગીરી માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે લોકોને સતત આવનારા આફ્ટરશોક્સને ધ્યાનમાં રાખીને ખુલ્લી જગ્યાઓમાં રહેવાની સલાહ આપી છે.

અમેરિકાની ભૂસ્તરીય સંસ્થાએ (USGS) ચેતવણી આપી છે કે આ ભૂકંપોના કારણે ભારે જાનહાનિ અને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. સંસ્થાના પ્રારંભિક અંદાજ મુજબ મૃત્યુઆંક 10 હજારથી 1 લાખ સુધી પહોંચી શકે છે, જોકે સત્તાવાર રીતે હજુ સુધી મૃત્યુ કે ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

આ ભયાનક આપત્તિને જોતાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશમાં કટોકટી જાહેર કરી દીધી છે અને આગામી થોડા દિવસો માટે શાળાઓ-શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રી ડિઓસ્ડાડો કેબેલોએ લોકોને ઘરની બહાર સુરક્ષિત સ્થાનો પર રહેવાની અપીલ કરી છે કારણ કે મુખ્ય ભૂકંપ બાદ પણ સતત 20 જેટલા આફ્ટરશોક્સ આવ્યા છે.

આ ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે અમેરિકાના ત્સુનામી ચેતવણી કેન્દ્રો દ્વારા પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ જેવા વિસ્તારો માટે સુનામીની એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી, જોકે પાછળથી તેને રદ કરવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન, જાપાનના ઉત્તર-પૂર્વ ભાગમાં પણ 6.9ની તીવ્રતાનો એક અલગ ભૂકંપ નોંધાયો હતો.

ભારતે આપી મદદની ખાતરી

વેનેઝુએલામાં આવેલા ભૂકંપ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી, સાથે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી હતી.

પીએમ મોદીએ કહ્યું, ‘ભારતના લોકો વતી હું વેનેઝુએલાના નાગરિકો અને સરકારને સંવેદના પાઠવું છું. ખાસ કરીને એ પરિવારો પ્રત્યે સાંત્વના જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે. જેઓ ઇજાગ્રસ્ત થયા છે તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના. આ કપરા સમયમાં અમે અસરગ્રસ્તોની પડખે ઊભા છીએ. ભારત તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે તત્પર છે.’