જંગલમાં કોઈ કોર્ટ નથી. ત્યાં કોઈ જજ નથી, કોઈ સરકારી વકીલ નથી અને કોઈ સાક્ષી પણ નથી. છતાં જ્યારે જંગલનો રાજા કહેવાતો સિંહ માણસને પોતાનો શિકાર બનાવી લે છે ત્યારે તેની સામે પણ એક એવી પ્રક્રિયા શરૂ થાય છે જેનો અંત ઘણી વખત ખુલ્લા જંગલમાંથી કાયમી વિદાયમાં આવે છે. બહારથી જોનારને માત્ર એટલું જ દેખાય છે કે ‘ચાર સિંહોને આજીવન કેદની સજા થઈ.’ પરંતુ આ એક વાક્યની પાછળ પુરાવા, વિજ્ઞાન, વન્યજીવ વ્યવસ્થાપન અને અનેક અધિકારીઓના નિર્ણયોની એવી સાંકળ છુપાયેલી હોય છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે બનેલી ઘટના બાદ ગુજરાતે પણ આવો જ એક દુર્લભ નિર્ણય જોયો. ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશ ચંદ્ર રોજગારી માટે ગુજરાત આવ્યા હતા. 15 જૂનની રાત્રે તેઓ પોતાના માર્ગે જઈ રહ્યા હતા. પીંગલેશ્વર મહાદેવ નજીક અંધારામાં જે બન્યું તેણે બીજા દિવસે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું. સિંહના હુમલામાં તેમનું મૃત્યુ થયું અને સિંહોએ તેમનું શરીર આરોગી લીધું. વન વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો. તપાસ શરૂ થઈ. આસપાસના વિસ્તારમાંથી ચાર શંકાસ્પદ સિંહોને પકડી લેવામાં આવ્યા. તેમનાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં અને પછી એવો નિર્ણય આવ્યો જે સામાન્ય રીતે ભાગ્યે જ લેવામાં આવે છે. એ નિર્ણય છે ચારેય સિંહોને ‘નરભક્ષી’ જાહેર કરીને તેમને આખી જિંદગી માટે જંગલમાંથી દૂર રાખવાનો.
આ સમાચાર જેટલા મોટા હતા એટલો જ મોટો એક પ્રશ્ન પણ તેમની સાથે ઊભો થયો. આખરે કોઈ સિંહને ‘આદમખોર’ જાહેર કેવી રીતે કરવામાં આવે છે? શું માણસ પર હુમલો કર્યો એટલે સિંહ સીધો જ ‘મેન-ઈટર’ બની જાય છે? કે પછી એની પાછળ પણ કોઈ નિયમ, કોઈ પ્રક્રિયા અને કોઈ વૈજ્ઞાનિક તપાસ હોય છે?
તળાજા-મહુવા અને શેત્રુંજય રેન્જના ફોરેસ્ટ ઑફિસરો સાથેની વાતચીતમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો એ જણાવે છે કે કોઈ પણ સિંહને ‘આદમખોર’ જાહેર કરવો એ કદાચ વન વિભાગના સૌથી કઠિન નિર્ણયોમાંનો એક હોય છે.
માત્ર માણસ પર હુમલો કર્યો એટલે ‘આદમખોર’ નહીં
અહીંથી જ આખી વાત શરૂ થાય છે. ઘણા લોકો માને છે કે સિંહે માણસ પર હુમલો કર્યો એટલે વાત પૂરી. હવે તે ‘મેન-ઈટર’ ગણાશે. પરંતુ વન વિભાગ માટે આટલું પૂરતું નથી. કલ્પના કરો કે કોઈ ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં જાય અને ઝાડી પાછળ બેઠેલી સિંહણ અચાનક ગભરાઈને હુમલો કરી દે. અથવા કોઈ વૃદ્ધ સિંહ પોતાના મારણ પાસે બેઠો હોય અને માણસ અજાણતાં તેની ખૂબ નજીક પહોંચી જાય. ક્યારેક બચ્ચાં સાથે રહેલી સિંહણ પોતાનો બચાવ કરતી હોય છે. આ તમામ પરિસ્થિતિમાં હુમલો થઈ શકે છે, માણસનું મૃત્યુ પણ થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સિંહે માણસને ખોરાક તરીકે સ્વીકારી લીધો છે.
વન વિભાગ માટે સૌથી પહેલો પ્રશ્ન જ આ હોય છે હુમલો શા માટે થયો? શું આ આત્મરક્ષણ હતું? શું આ પોતાના વિસ્તારની સુરક્ષા માટેનો હુમલો હતો? શું માણસ અચાનક ખૂબ નજીક પહોંચી ગયો હતો? કે પછી સિંહે ખરેખર માણસને શિકાર તરીકે પસંદ કર્યો? આ સવાલોના જવાબ મળ્યા વિના કોઈ પણ સિંહને ‘મેન-ઈટર’ જાહેર કરવામાં આવતો નથી.
ઘટનાસ્થળ જ બની જાય છે પ્રથમ સાક્ષી
કોવાયાની ઘટનામાં પણ વન વિભાગે સૌપ્રથમ કોઈ સિંહને પકડવાની ઉતાવળ કરી નહોતી. પહેલાં બોલતું કરવામાં આવ્યું ઘટનાસ્થળને. મૃતદેહ ક્યાં મળ્યો? શરીરના કયા ભાગ પર પ્રથમ હુમલો થયો હતો? મૃતદેહને કેટલો દૂર ખેંચવામાં આવ્યો હતો? શરીરના કયા ભાગો આરોગવામાં આવ્યા? આસપાસ કેટલાં પંજાનાં નિશાન હતાં? એક સિંહ હતો કે આખું પ્રાઇડ? નજીક કેમેરા ટ્રેપ હતા? છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં કયા સિંહોની અવરજવર નોંધાઈ હતી?

આ બધા સવાલોના જવાબ ઘટનાસ્થળમાંથી જ શોધવામાં આવે છે. જંગલમાં કોઈ CCTV દરેક જગ્યાએ નથી, કોઈ આંખે જોયેલો સાક્ષી પણ ભાગ્યે જ મળે. ત્યાં પંજાનાં નિશાન જ બોલે છે. જમીન પર પડેલી દરેક છાપ, ઝાડીમાં અટવાયેલા વાળ, મૃતદેહની સ્થિતિ અને આસપાસનું દરેક નિશાન વન અધિકારીઓ માટે એક-એક પુરાવો બની જાય છે. એટલે જ અધિકારીઓ કહે છે કે જંગલમાં તપાસ માણસોની દુનિયાની તપાસ કરતાં અલગ હોય છે. અહીં આરોપી બોલતો નથી, પુરાવા બોલે છે.

શંકાસ્પદ સિંહોને પકડ્યા પછી જ તપાસ શરૂ થાય છે
ઘટનાસ્થળ પરથી મળેલા પ્રાથમિક પુરાવા એક દિશા બતાવે છે, પરંતુ વન વિભાગ માટે માત્ર એટલું પૂરતું હોતું નથી. કારણ કે જંગલમાં એક જ વિસ્તારમાં ઘણી વખત એકથી વધુ સિંહો ફરતા હોય છે. કોઈ એક સિંહે હુમલો કર્યો હોય અને તેની સાથે રહેલા અન્ય સિંહો પછીથી મારણમાં જોડાયા હોય એવી શક્યતા પણ નકારી શકાતી નથી. એટલે જ અધિકારીઓ ઉતાવળમાં કોઈ એક સિંહને ‘ગુનેગાર’ જાહેર કરતા નથી.
જ્યારે પ્રાથમિક તપાસ કોઈ ચોક્કસ વિસ્તાર તરફ ઈશારો કરે છે ત્યારે શંકાસ્પદ સિંહોને ટ્રાંક્વિલાઇઝર ગનથી બેભાન કરીને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવે છે. આ પણ અત્યંત જોખમી કામગીરી હોય છે. ખુલ્લા જંગલમાં દોડતા, સંપૂર્ણ તાકાતમાં રહેલા સિંહને જીવતો પકડવો એ સામાન્ય કામ નથી. પશુચિકિત્સકો, ટ્રેકરો અને અનુભવી વનકર્મીઓ કલાકો સુધી તેની હિલચાલ પર નજર રાખે છે. યોગ્ય તક મળે ત્યારે જ ટ્રાંક્વિલાઇઝર ડાર્ટ છોડવામાં આવે છે. દવાની અસર થતાં જ આખી ટીમ ઝડપથી તેની પાસે પહોંચે છે, કારણ કે બેભાન થયેલા પ્રાણીની પણ દરેક ક્ષણ મહત્વની હોય છે.

કોવાયાની ઘટનામાં પણ આવું જ થયું. હુમલા બાદ આસપાસના વિસ્તારમાંથી ચાર શંકાસ્પદ સિંહોને પકડી લેવામાં આવ્યા. બહારથી જોનારને લાગ્યું કે કદાચ હવે નિર્ણય આવી ગયો. પરંતુ વાસ્તવમાં નિર્ણય તો હજુ ઘણો દૂર હતો.
ચાર સિંહોમાંથી સાચો હુમલાખોર કોણ? સૌથી મુશ્કેલ સવાલ
અમરેલીના કોવાયા કેસમાં પણ વન વિભાગ સામે સૌથી મોટો પડકાર એ જ હતો. આખરે ચારેય સિંહો એક સાથે કેવી રીતે પકડાયા? કારણ કે જંગલમાં કોઈ સિંહ પોતાનું નામ લખીને ફરતો નથી. કોઈ પણ અધિકારી માત્ર અંદાજના આધારે નિર્ણય લઈ શકે નહીં.
વન વિભાગના અધિકારીઓ જણાવે છે કે વિસ્તારના સિંહોની હિલચાલ, ઘટનાસ્થળના પુરાવા, પંજાના નિશાન, કેમેરા ટ્રેપ અને લેબોરેટરીમાંથી મળતાં પરિણામો. આ બધું એકસાથે મૂકીને આખું ચિત્ર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જ નક્કી કરવામાં આવે છે કે કયા સિંહોને આગળની તપાસ માટે રાખવાના અને કયા સિંહોનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી.
કોવાયાની ઘટનામાં પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. ચારેય શંકાસ્પદ સિંહોને પકડી તેમનાં સેમ્પલ સાસણ ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યાં. ત્યારબાદ મળેલાં પરિણામોએ તપાસને નવી દિશા આપી અને આગળનો નિર્ણય શક્ય બન્યો
લેબોરેટરીમાં પહોંચે છે સૌથી મહત્વના પુરાવા
પકડાયેલા સિંહો પાસેથી જરૂરી સેમ્પલ લેવામાં આવે છે અને તપાસ માટે મોકલવામાં આવે છે. આ તપાસ માત્ર એક જ પ્રશ્નનો જવાબ શોધવા માટે નથી કે સિંહે માનવ માંસ આરોગ્યું કે નહીં. તપાસનો હેતુ એ પણ હોય છે કે ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા, મૃતદેહની સ્થિતિ, પંજાના નિશાન, સિંહોની હિલચાલ અને લેબોરેટરીના પરિણામો, આ બધું એક જ દિશામાં ઈશારો કરે છે કે નહીં. અહીં ઘણી વખત લોકો એક સામાન્ય ભૂલ કરે છે. તેઓ માની લે છે કે જો કોઈ સિંહના સેમ્પલમાં માનવ અવશેષોની પુષ્ટિ થઈ ગઈ તો બસ… તે ‘મેન-ઈટર’ સાબિત થઈ ગયો. પરંતુ વન વિભાગની વિચારસરણી એટલી સીધી નથી.

અધિકારીઓ સમજાવે છે કે કોઈ પ્રાણી દ્વારા મૃતદેહમાંથી માંસ આરોગવું અને જીવતા માણસને શિકાર તરીકે પસંદ કરવો– આ બંને પરિસ્થિતિઓ એકસરખી નથી. એટલે જ દરેક પુરાવાને એકબીજા સાથે સાંકળવામાં આવે છે. કોઈ એક રિપોર્ટના આધારે આખરી નિર્ણય લેવામાં આવતો નથી. કોવાયાના કેસમાં પણ વિવિધ પુરાવા અને લેબોરેટરીનાં પરિણામો એકબીજાને સમર્થન આપતાં ગયાં. ત્યારબાદ જ આગળની પ્રક્રિયા શરૂ થઈ.
સક્કરબાગ માત્ર ઝૂ નથી, નિર્ણય પહેલાંનું અંતિમ મથક છે
ઘણા લોકો માટે સક્કરબાગ માત્ર જૂનાગઢનું પ્રાણી સંગ્રહાલય છે. પરંતુ વન વિભાગ માટે તે માત્ર ઝૂ નથી. વર્ષોથી અહીં એવા વન્યપ્રાણીઓને રાખવામાં આવે છે જેમના વિશે વિશેષ નિર્ણય લેવાનો બાકી હોય અથવા જેમને સતત દેખરેખની જરૂર હોય.
અહીં પહોંચ્યા બાદ પકડાયેલા સિંહની ફરીથી વિગતવાર તબીબી તપાસ થાય છે. તેના દાંત ચકાસવામાં આવે છે. જડબું યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે જોવામાં આવે છે. આંખો, પગ, શરીરની જૂની ઇજાઓ, ઉંમર અને સમગ્ર શારીરિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ તપાસ પાછળ પણ મોટું કારણ છે. જો કોઈ સિંહ વૃદ્ધ થઈ ગયો હોય, તેના દાંત તૂટી ગયા હોય અથવા શરીરમાં એવી ઇજા હોય કે જેના કારણે તે કુદરતી શિકાર ન કરી શકતો હોય તો તે સરળ શિકાર તરફ વળે એવી શક્યતા રહે છે. એટલે વન વિભાગ માટે સિંહનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું હોય છે જેટલો ઘટનાસ્થળ પરથી મળેલો કોઈ પુરાવો. પરંતુ શરીરની તપાસ કરતાં પણ વધારે મહત્વનું હોય છે વર્તન.
પાંચ વર્ષ સુધી પણ થઈ શકે છે નિરીક્ષણ, પરંતુ અમરેલીનો કેસ અલગ હતો
શેત્રુંજય વિભાગના ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ) વિરલસિંહ ચાવડા ઑપઇન્ડિયાને જણાવે છે કે સામાન્ય સંજોગોમાં આવા સિંહોના વર્તન પર લાંબા સમય સુધી નજર રાખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ સમયગાળો પાંચ વર્ષ સુધી પણ પહોંચી શકે છે. આ દરમિયાન નિષ્ણાતો સતત જોતા રહે છે કે સિંહનું વર્તન સામાન્ય છે કે નહીં, તે માનવ પ્રત્યે અસામાન્ય આકર્ષણ અથવા આક્રમકતા દર્શાવે છે કે નહીં અને સમય જતાં તેમાં કોઈ ફેરફાર આવે છે કે નહીં.
પરંતુ દરેક કેસ આટલો લાંબો ચાલે જ એવું પણ નથી. જો તપાસ દરમિયાન ઉપલબ્ધ તમામ પુરાવા એટલા સ્પષ્ટ હોય કે તે એક જ નિષ્કર્ષ તરફ લઈ જાય તો વર્ષો સુધી રાહ જોવામાં આવતી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ અમરેલીનો કોવાયા કેસ આવો જ એક અપવાદ હતો. તપાસ, લેબોરેટરીનાં પરિણામો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે આ કેસમાં નિર્ણય પ્રક્રિયા સામાન્ય કરતાં ઘણી ઝડપથી પૂર્ણ કરવામાં આવી.
એટલે જ આ ઘટનાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું. કારણ કે અહીં વર્ષો પછી નહીં, પરંતુ ટૂંકાગાળામાં જ ચારેય સિંહોને ‘મેન-ઈટર’ જાહેર કરીને તેમને ફરી ક્યારેય જંગલમાં ન છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આખરે ‘આજીવન કેદ’નો નિર્ણય કોણ લે છે?
સમગ્ર તપાસ પૂર્ણ થાય પછી સૌથી મહત્વનો તબક્કો આવે છે. બહારથી જોનારને લાગે કે લેબોરેટરીનો રિપોર્ટ આવી ગયો એટલે નિર્ણય પણ આવી ગયો. પરંતુ વાસ્તવમાં લેબોરેટરીનો રિપોર્ટ આખી પ્રક્રિયાનો માત્ર એક ભાગ હોય છે. ઘટનાસ્થળના પુરાવા, પંજાના નિશાન, સિંહોની હિલચાલ, તબીબી તપાસ, વર્તનનું મૂલ્યાંકન અને લેબોરેટરીનાં તમામ પરિણામો એકસાથે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવે છે. ત્યારબાદ આખી ફાઈલનો અભ્યાસ કરીને અંતિમ નિર્ણય લેવામાં આવે છે. પ્રશ્ન માત્ર એટલો જ હોય છે કે શું આ પ્રાણીને ફરી ખુલ્લા જંગલમાં મોકલવું સુરક્ષિત રહેશે?
જો જવાબ ‘ના’ હોય તો પછી જંગલનો રસ્તો હંમેશ માટે બંધ થઈ જાય છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ત્યારબાદ સંબંધિત સિંહને ફરી જંગલમાં છોડવામાં આવતો નથી. ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ તેને સક્કરબાગ, અન્ય અધિકૃત રેસ્ક્યૂ સેન્ટર અથવા અન્ય કોઈ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવે છે, જ્યાં તે બાકીનું આખું જીવન વીતાવે છે.

આ જ કારણ છે કે લોકો તેને ‘આજીવન કેદ’ કહે છે. આ નિયમ માત્ર સિંહો માટે નથી. એક રસપ્રદ વાત એ પણ છે કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર ગીરના સિંહો પૂરતી મર્યાદિત નથી. જો કોઈ વાઘ, દીપડો અથવા અન્ય મોટું માંસાહારી વન્યપ્રાણી પણ માણસને શિકાર તરીકે અપનાવતું હોવાનું વૈજ્ઞાનિક તપાસમાં સાબિત થાય તો તેની સામે પણ લગભગ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવે છે.
કારણ કે વન વિભાગ માટે પ્રશ્ન એ નથી કે પ્રાણી કયું છે. પ્રશ્ન એ છે કે શું હવે તે માનવજીવન માટે સતત જોખમ બની ગયું છે? જો જવાબ હા હોય તો પછી વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા બંને વચ્ચે સંતુલન જાળવવા માટે તેને ખુલ્લા જંગલમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે છે.
સજા નહીં, સંરક્ષણ અને સુરક્ષા વચ્ચેનું સંતુલન
કોવાયાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વાક્ય ખૂબ લખાયું- ‘ચાર સિંહોને આજીવન કેદ.’ પરંતુ આ શબ્દપ્રયોગ પાછળનો અર્થ સમજવો પણ એટલો જ જરૂરી છે. માણસની અદાલતમાં આજીવન કેદ ગુનાની સજા છે. પરંતુ જંગલમાં આવો કોઈ કોન્સેપ્ટ નથી. સિંહે અહીં કોઈ કાયદો તોડ્યો નથી. સિંહે જે કર્યું તે તેના સ્વભાવ, પરિસ્થિતિ અને વૃત્તિનો ભાગ છે. વન વિભાગ પણ તેને ગુનેગાર તરીકે જોતો નથી.
વન વિભાગના અધિકારીઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અહીં હેતુ પ્રાણીને દંડ આપવાનો નથી. કારણ કે સિંહ કોઈ કાયદો તોડતો નથી. તે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. પરંતુ જ્યારે વૈજ્ઞાનિક તપાસમાં એવું સાબિત થઈ જાય કે કોઈ ચોક્કસ સિંહ માણસને હવે માત્ર ઘૂસણખોર કે જોખમ તરીકે નહીં, પરંતુ શિકાર તરીકે જોવા લાગ્યો છે, ત્યારે તેને ફરી ખુલ્લા જંગલમાં મોકલવાનો અર્થ થાય છે ભવિષ્યમાં બીજી કોઈ દુર્ઘટનાનું જોખમ સ્વીકારી લેવું. એટલે જ આવા નિર્ણયોને વન્યજીવ વ્યવસ્થાપનની ભાષામાં સુરક્ષાત્મક નિર્ણય તરીકે જોવામાં આવે છે.
જ્યારે કોઈ પ્રાણી માણસને શિકાર તરીકે અપનાવી લે છે ત્યારે પ્રશ્ન માત્ર એક સિંહનો રહેતો નથી. પ્રશ્ન એ બની જાય છે કે જો આ પ્રાણીને ફરી એ જ વિસ્તારમાં છોડવામાં આવશે તો શું બીજી કોઈ જિંદગી જોખમમાં મૂકાઈ શકે? એટલે જ આ નિર્ણયને ‘સજા’ કરતાં ‘જોખમ વ્યવસ્થાપન’ તરીકે સમજવો વધુ યોગ્ય છે.
ગીર બદલાયું છે… એટલે પડકાર પણ બદલાયા છે
આખી ઘટનાનો સૌથી મોટો પાઠ કદાચ અહીં છુપાયેલો છે. આજે ગીરના સિંહો માત્ર ગીર નેશનલ પાર્ક સુધી મર્યાદિત નથી. તેમની સંખ્યા વધી છે. તેમનો વિસ્તાર વધ્યો છે. અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં હવે સિંહોની હાજરી સામાન્ય બની ગઈ છે.
આ એક મોટી સંરક્ષણ સફળતા છે. પરંતુ આ સફળતા સાથે નવી જવાબદારીઓ પણ આવી છે. જ્યાં પહેલાં જંગલ હતું ત્યાં આજે ખેતી છે. જ્યાં પહેલાં સિંહોના રસ્તા હતા ત્યાં આજે ગામો છે. જ્યાં પહેલાં માત્ર જંગલી પ્રાણીઓ ફરતાં હતાં ત્યાં આજે રાત્રે પણ વાહનો દોડે છે.
માણસ અને સિંહ બંનેનો વિસ્તાર વધ્યો છે અને કદાચ એટલા માટે જ બંને વચ્ચેનું અંતર ઘટ્યું છે. આવા સંજોગોમાં દરેક હુમલો ‘આદમખોર’નો પુરાવો નથી. પરંતુ દરેક હુમલો એ ચોક્કસ યાદ અપાવે છે કે હવે ગીરના સંરક્ષણનો અર્થ માત્ર સિંહોની સંખ્યા વધારવી નથી. એટલું જ મહત્વનું એ પણ છે કે માણસ અને સિંહ વચ્ચેનું અદૃશ્ય સંતુલન જળવાઈ રહે.
કોવાયાની ઘટનામાં ચાર સિંહોને હવે કદાચ ફરી ક્યારેય ગીરના જંગલમાં દોડવાનો મોકો નહીં મળે. તેમણે પોતાનો છેલ્લો મુક્ત સૂર્યોદય કદાચ જોઈ લીધો છે. હવે તેમની દુનિયા વાડ, એનક્લોઝર અને માનવીય દેખરેખ સુધી સીમિત રહેશે. પરંતુ આ આખી ઘટનામાં સૌથી મોટો પાઠ કદાચ સિંહો માટે નથી. આ પાઠ માણસો માટે છે.
કારણ કે આ ઘટના બતાવે છે કે કોઈપણ સિંહને એક જ દિવસમાં ‘આદમખોર’ જાહેર કરી દેવામાં આવતો નથી. તેની સામે કોઈ ભાવનાત્મક કે ઉતાવળનો નિર્ણય લેવાતો નથી. ઘટનાસ્થળના પુરાવાથી શરૂ થયેલી તપાસ પંજાના નિશાન, ફોરેન્સિક સેમ્પલ, તબીબી મૂલ્યાંકન, વર્તનના અભ્યાસ અને અધિકારીઓના અંતિમ નિર્ણય સુધી પહોંચે છે. જ્યારે આ તમામ કડીઓ એક જ સત્ય તરફ ઈશારો કરે છે ત્યારે જ જંગલના રાજાને ખુલ્લા જંગલમાંથી કાયમ માટે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે છે.
આથી કદાચ ‘આજીવન કેદ’ શબ્દ કરતાં વધુ યોગ્ય શબ્દ ‘કાયમી વિદાય’ હોય શકે. કારણ કે અહીં સજા કોઈ ગુનેગારને નથી મળતી. અહીં એક એવો નિર્ણય લેવાય છે, જેમાં એક બાજુ માણસનો જીવ છે અને બીજી બાજુ જંગલનો રાજા. વન વિભાગ માટે સૌથી મુશ્કેલ કામ કદાચ આ જ છે કે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું નહીં, પરંતુ બંનેને શક્ય તેટલા સુરક્ષિત રાખવાનો રસ્તો શોધવો
અને જ્યારે આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે ત્યારે જ જંગલના રાજાને પોતાના જ જંગલમાંથી કાયમ માટે વિદાય લેવી પડે છે.


