
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માન સંબંધિત કથિત વિડીયોનો વિવાદ વધી રહ્યો છે. હવે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ (SGPC) સીએમ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. કમિટીનું કહેવું છે કે મુખ્યમંત્રી વિડીયો બાબતે સંતોષકારક ખુલાસા આપી શક્યા નથી.
ઉપરાંત સમિતિએ ભગવંત માન પર સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ખોટા સબૂતો તૈયાર કરવા અને ધાર્મિક ભાવનાઓ દુભાવવાના આરોપો મામલે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. આ માટે એક પ્રતિનિધિમંડળ DGP સાથે પણ મુલાકાત કરશે અને FIR દાખલ કરવાની માંગ કરશે. ઉપરાંત 5 જુલાઈના રોજ એક સંમેલન પણ બોલાવવામાં આવ્યું છે.
સમિતિએ જાહેર કર્યું કે ભગવંત માને બહુ ગંભીર ભૂલ કરી છે અને તેને કોઈ કાળે માફ કરી શકાય તેમ નથી. તેઓ મુખ્યમંત્રી રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી ચૂક્યા છે અને હવે તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. પ્રસ્તાવ વાંચતાં SGPCના અધ્યક્ષ હરજિંદર સિંઘ ધામીએ કહ્યું કે વિવાદિત વિડીયોના કારણે આખા શીખ સમુદાયમાં આક્રોશ છે. આ બેઠકમાં અકાલ તખ્તના જથેદાર કુલદીપ સિંઘ ગરગજ પણ હાજર હતા.
ગુરુદ્વારા પ્રબંધક કમિટી એ પંજાબ-હરિયાણાની ઐતિહાસિક ગુરુદ્વારાઓનું સંચાલન કરતી બોડી છે અને બહુ જૂની છે. 1920માં તેની સ્થાપના કરવામાં આવી હતી અને 1925ના શીખ ગુરુદ્વારા એક્ટ હેઠળ કાયદાકીય માન્યતા આપવામાં આવી હતી. શીખ મતદારો મતદાન થકી તેના સભ્યોને ચૂંટે છે અને તેમાંથી એક પ્રમુખ અને બાકીના હોદ્દેદારોની નિમણૂક થાય છે. એક રીતે એ શીખોની ધાર્મિક સંસદ છે. જ્યારે અકાલ તખ્ત એ સર્વોચ્ચ સંસ્થા છે.
મુખ્યમંત્રી ભગવંત માનના વિડીયોનો વિવાદ સતત વકરી રહ્યો છે. એક તરફ અકાલ તખ્તે તેમને ખાલસા પંથ વિરોધી ઘોષિત કરી દીધા છે તો બીજી તરફ સરકાર અને આમ આદમી પાર્ટી સતત વિડીયો ખોટો હોવાનું કહીને બચાવ કરી રહ્યાં છે. વચ્ચે પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટીએ બે લેબના રિપોર્ટ રજૂ કર્યા પરંતુ તે ફર્જી હોવાનું સાબિત થયું અને હરિયાણા પોલીસ કેસની તપાસ કરી રહી છે. આ સંજોગોમાં હવે મુખ્યમંત્રી પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે.

