હોમપેજદેશવાંચો કોણ છે એ 8 લોકો, જેમની રામ મંદિર દાન વિવાદ મામલે...

વાંચો કોણ છે એ 8 લોકો, જેમની રામ મંદિર દાન વિવાદ મામલે થઈ ધરપકડ: દાનપાત્રથી લઈને કેશ ગણતરીમાં ગેરરીતિના આરોપ

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે દાનપાત્રમાં આવતી રકમ અને બેન્કમાં જમા થતી રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો. આ શંકાસ્પદ ગતિવિધિઓને પકડવા માટે મંદિર સમિતિએ ગુપ્ત કેમેરા  લગાવ્યા હતા.

- Advertisement -
રામ મંદિર દાન ધરપકડ
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ (પ્રતીકાત્મક તસ્વીર: AI)

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કરોડો શ્રદ્ધાળુઓ દરરોજ શ્રદ્ધાપૂર્વક દાન અને ચઢાવો ધરે છે. પરંતુ હવે આ જ ચઢાવા સાથે જોડાયેલા ગેરવહીવટ અને ચોરીના આરોપોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધ્યા બાદ તપાસ ઝડપી બની છે અને અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓનો આરોપ છે કે મંદિરમાં આવતા રોકડ દાનની ગણતરી, જથ્થાબંધ ગોઠવણી અને બેન્કમાં જમા કરવાની પ્રક્રિયા દરમિયાન મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી હતી.

આ સમગ્ર મામલો પ્રથમ વખત 7 જૂનના રોજ ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. SITએ 23 જૂને પોતાની પ્રાથમિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. આ અહેવાલના આધારે કાર્યવાહી તેજ કરવામાં આવી અને પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે તમામ આરોપીઓ મંદિરમાં દાનની રકમની ગણતરી અને સંચાલન સાથે સીધી રીતે જોડાયેલા હતા.

(Photo: OpIndia Hindi)

કોણ છે પકડાયેલા 8 આરોપીઓ

રામશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ યાદવ

તપાસ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ છે રામશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ યાદવનું. સામે આવ્યું છે કે તે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો પૂર્વ ડ્રાઈવર હતો અને વિશ્વ હિંદુ પરિષદના કારસેવકપુરમ સાથે પણ સંકળાયેલો હતો. તપાસ મુજબ દાનપેટીઓની ચાવીઓ પણ ઘણીવાર તેની પાસે રહેતી હતી અને દાનપેટીઓ મંદિરના બેઝમેન્ટ સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં તેનો મહત્વનો ભાગ હતો. આરોપ છે કે ટ્રસ્ટ સાથે નજીકના સંબંધોના કારણે અંદરની વ્યવસ્થામાં તેનો વિશેષ પ્રભાવ હતો. જોકે ટિન્નૂ યાદવે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

- Advertisement -

રામશંકર મિશ્રા

આ કેસમાં અન્ય મહત્વનું નામ રામશંકર મિશ્રાનું છે. તે દાનની રોકડ ગણતરી કરતી ટીમનો સભ્ય હોવાનું કહેવાય છે. તપાસ એજન્સીઓનો આરોપ છે કે તેણે અન્ય કર્મચારીઓ સાથે મળીને ગેરરીતિઓને અંજામ આપ્યો અને પોતાના પુત્ર અનુકલ્પ મિશ્રા તથા જમાઈ લવકુશ મિશ્રાને પણ આ જ કામગીરીમાં સામેલ કર્યા હતા. CCTV ફૂટેજમાં પણ તેઓ કેશ સોર્ટિંગ દરમિયાન જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

અનુકલ્પ મિશ્રા

આ વ્યક્તિ રામશંકર મિશ્રાનો પુત્ર છે. તે પણ દાનની રકમની ગણતરીમાં સામેલ હતો. તપાસ દરમિયાન તેના ઘરેથી રોકડ રકમ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ CCTV ફૂટેજ અને જપ્ત કરાયેલી રકમના આધારે તેની ભૂમિકાની વધુ તપાસ કરી રહી છે.

લવકુશ મિશ્રા

લવકુશ મિશ્રા પણ કેશ કાઉન્ટિંગ ટીમનો સભ્ય હતો. આરોપ છે કે દાનની રકમમાંથી કથિત રીતે કાઢવામાં આવેલા નાણાંને ઠેકાણે પાડવાની જવાબદારી તેની હતી. તપાસ દરમિયાન તેના ઘરેથી આશરે ₹12 લાખ રોકડ મળ્યાના દાવા થયા છે. એજન્સીઓનું માનવું છે કે તે અનુકલ્પ મિશ્રા સાથે મળીને સમગ્ર ગેરરીતિમાં સક્રિય હતો.

અવિનાશ શુક્લા

આરોપીઓમાં અવિનાશ શુક્લાનું નામ પણ સામેલ છે. તે મંદિરની દાન વ્યવસ્થા અને કાઉન્ટિંગ પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે દાનની રકમને સુરક્ષિત રીતે કાઉન્ટિંગ રૂમ સુધી પહોંચાડવાની કામગીરીમાં સામેલ હતો. તપાસ દરમિયાન તેના બેન્ક ખાતામાંથી આશરે ₹5 લાખની રકમ અંગે પણ તપાસ ચાલી રહી છે.

મનીષ કુમાર યાદવ

આ વ્યક્તિ ટિન્નૂ યાદવનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. તે પણ દાનની રકમની ગણતરીમાં સામેલ હતો. તપાસ દરમિયાન તેના ઘરેથી આશરે ₹36 લાખ રોકડ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ રકમનો સ્ત્રોત શું છે અને તેનો કથિત ગેરરીતિ સાથે શું સંબંધ છે તે જાણવા તપાસ ચાલુ છે.

સુભાષચંદ્ર શ્રીવાસ્તવ

તેઓ અગાઉ બેન્ક કર્મચારી રહી ચૂક્યા છે. તેમની બેંકિંગ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેમને મંદિરની કેશ કાઉન્ટિંગ ટીમના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તપાસમાં તેમના પર સમગ્ર પ્રક્રિયા દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાનો અને ગેરરીતિઓ રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

કરુણેશ પાંડે

આઠમા આરોપી કરુણેશ પાંડે પર દાન સાથે સંબંધિત રસીદો અને નાણાકીય દસ્તાવેજોમાં હેરફેર કરવાનો આરોપ છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ તે દાન સંભાળતી મુખ્ય ટીમનો ભાગ હતો અને રોકડ રકમને કાઉન્ટિંગ રૂમ સુધી પહોંચાડવાની જવાબદારી પણ નિભાવતો હતો.

8 આરોપીઓમાંથી 7 પાસેથી મળ્યા ₹79.85 લાખ

પોલીસ અને પ્રોસિક્યુશન અધિકારીઓના જણાવ્યા અનુસાર સુભાષ શ્રીવાસ્તવ સિવાયના બાકીના આરોપીઓ પાસેથી કુલ ₹79,85,493ની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારના આદેશ બાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5) હેઠળ FIR નોંધાયાના બીજા જ દિવસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ટ્રસ્ટના સભ્યોએ નોંધાવેલી ફરિયાદ અને SITના પ્રાથમિક અહેવાલના આધારે કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જોકે બંનેમાંથી કોઈનું નામ FIRમાં આરોપી તરીકે નોંધાયું નથી.

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ધરપકડ કરાયેલા આઠમાંથી પાંચ આરોપીઓ ટ્રસ્ટના બે મહત્વના સભ્યો સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. ટિન્નૂ યાદવ અને મનીષ યાદવ ચંપત રાય સાથે સંકળાયેલા હોવાનું જ્યારે રામશંકર મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા ટ્રસ્ટી અનિલ મિશ્રા સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે.

દાનની રકમ અને બેન્કમાં જમા થતી રકમમાં તફાવત આવતા સામે આવ્યું કૌભાંડ

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે દાનપાત્રમાં આવતી રકમ અને બેન્કમાં જમા થતી રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો. આ શંકાસ્પદ ગતિવિધિઓને પકડવા માટે મંદિર સમિતિએ ગુપ્ત કેમેરા  લગાવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે આરોપીઓ નિયમિત કેમેરાની સામે એવી રીતે ઊભા રહેતા જેથી તેમની ચોરી પકડાય નહીં અને નોટો ગણતી વખતે તેમજ બેન્કમાં લઈ જતા સમયે રકમની હેરાફેરી કરી લેતા હતા.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે રોકડ ઉપરાંત કેટલાક દાગીનાઓની પણ ચોરી કરવામાં આવી હોવાના આરોપ છે. જોકે સોશિયલ મીડિયા પર મંદિરમાંથી 200 કિલો ચાંદીની ચોરી થઈ હોવાના જે દાવા થયા હતા તે પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ, SIT અને અન્ય તપાસ એજન્સીઓ સમગ્ર નાણાકીય વ્યવહાર, જપ્ત કરાયેલી રકમ, આરોપીઓની સંપત્તિ અને તેમની સંભવિત ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અંતિમ સત્ય હવે તપાસ અને કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં