હોમપેજગુજરાતભુજના હિંદુ યુવક પર જીવલેણ હુમલાના કેસમાં નિઝામ મોગલને 3 વર્ષની સજા:...

ભુજના હિંદુ યુવક પર જીવલેણ હુમલાના કેસમાં નિઝામ મોગલને 3 વર્ષની સજા: ‘મુસ્લિમ હોવાના કારણે ફસાવી દીધા’ની દલીલ ના ટકી શકી: વાંચો શું કહ્યું કોર્ટે

કચ્છ સેશન્સ કોર્ટે નિઝામ અબ્દુલગની મોગલને ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 હેઠળ દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદ અને દંડની સજા ફટકારી છે. સાથે જ ટ્રાયલ દરમિયાન કાચા કેદી તરીકે જેલમાં વિતાવેલો સમય સજામાં ગણવાનો પણ આદેશ કર્યો છે.

- Advertisement -

લગભગ બે વર્ષ પહેલાં કચ્છના ભુજમાં વિશ્વ હિંદુ પરિષદના (VHP) કાર્યકર ભાવેશ પરમાર પર થયેલા જીવલેણ હુમલા મામલે હવે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જુલાઈ, 2024માં બનેલી આ ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. તે સમયે નોંધાયેલી FIR, પીડિત સાથેની વાતચીત અને ઘટનાક્રમના આધારે સમગ્ર મામલો રજૂ કરવામાં આવ્યો હતો. હવે કચ્છ સેશન્સ કોર્ટે 78 પાનાંના વિસ્તૃત ચુકાદામાં હુમલાના પુરાવાઓ, સાક્ષીઓ, મેડિકલ અભિપ્રાય, FSL રિપોર્ટ અને બચાવ પક્ષની દલીલોનું વિશ્લેષણ કરીને આરોપી નિઝામ અબ્દુલગની મોગલને ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 118 હેઠળ દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જ્યારે સહઆરોપી ઇરફાન મામદરફીક બલોચને શંકાથી પર પુરાવા ન મળતાં નિર્દોષ મુક્ત કરવામાં આવ્યો છે.

આ ચુકાદાની સૌથી મહત્વની બાબત એ રહી કે ટ્રાયલ દરમિયાન આરોપી પક્ષે પોતાને મુસ્લિમ હોવાના કારણે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાની દલીલ કરી હતી. જોકે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું કે આ દાવાને સમર્થન આપતો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. માત્ર આવો દાવો કરી દેવાથી તે સ્વીકારી શકાય નહીં. બીજી તરફ કોર્ટે ઇજાગ્રસ્ત ફરિયાદી, બંને પ્રત્યક્ષદર્શી, ડૉક્ટર, ડિસ્કવરી પંચનામું અને વૈજ્ઞાનિક પુરાવાઓને વિશ્વસનીય માન્યા હતા. ચુકાદાની નકલ ઑપઇન્ડિયા માટે ઉપલબ્ધ છે.

ટ્રાફિક કાર્યવાહીના ફોટાથી શરૂ થયો હતો વિવાદ, પછી મળવા બોલાવી થયો હુમલો

આ સમગ્ર ઘટનાની શરૂઆત 19 જુલાઈ, 2024ના રોજ થઈ હતી. ભુજના માધાપર વિસ્તારમાં પોલીસે નિયમભંગ કરતી અમુક રિક્ષાઓ ડિટેઇન કરી હતી. તે દરમિયાન સ્થાનિક પત્રકાર રાજુ પ્રજાપતિએ પોલીસ કાર્યવાહીના ફોટોગ્રાફ લીધા હતા. ફરિયાદ અનુસાર આ બાબતનું મનદુઃખ રાખીને નિઝામ મોગલ અને ઇરફાન બલોચે રાજુ પ્રજાપતિને ફોન કરીને ગાળો આપી હતી અને મળવા માટે બોલાવ્યો હતો.

- Advertisement -

રાજુએ આ વાત પોતાના મિત્ર અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર ભાવેશ પરમારને કરી હતી. ભાવેશ પરમાર, જે ગૌરક્ષા પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા હોવાનું તેમણે તે સમયે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું, તેમણે રાજુને એકલા ન જવા દેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બંને સાથે અન્ય એક વ્યક્તિ જ્યુબિલી સર્કલ પાસે પહોંચ્યા હતા.

‘ગાળો ન આપો’ કહેતાં છરો કાઢ્યો, ગળા પર હુમલાનો પ્રયાસ

ફરિયાદ અનુસાર સ્થળ પર પહોંચ્યા બાદ નિઝામ મોગલે રાજુ પ્રજાપતિને ધક્કો મારી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે ભાવેશ પરમારે વચ્ચે પડીને ગાળો ન આપવા કહ્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે આ વાતથી નિઝામ ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાની પાસે રહેલો છરો કાઢીને ભાવેશના ગળા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

ભાવેશે બચવા માટે માથું નીચે નમાવ્યું હતું. ત્યારબાદ ફરી હુમલો થતાં તેમણે હાથ વચ્ચે રાખીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેમના ડાબા હાથ અને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે હુમલા બાદ બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાવેશ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાને આધારે ભુજ ‘બી’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2)(બ), 109, 115(2), 296(બ), 351(2) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

ટ્રાયલ દરમિયાન 12 સાક્ષી અને 21 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા

કેસ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા બાદ પ્રોસિક્યુશને કુલ 12 સાક્ષીઓ અને 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમાં સૌથી મહત્વના સાક્ષીઓ તરીકે ઇજાગ્રસ્ત ભાવેશ પરમાર, પ્રત્યક્ષદર્શી મહેશ જોગી અને રાજુ પ્રજાપતિની જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત ઇજાની સારવાર કરનાર ડૉક્ટર, ડિસ્કવરી પંચનામાના પંચ સાક્ષીઓ તથા ત્રણ તપાસ અધિકારીઓની જુબાની પણ નોંધવામાં આવી હતી. મેડિકલ પ્રમાણપત્ર, FSL રિપોર્ટ, સ્થળ પંચનામું, ડિસ્કવરી પંચનામું સહિતના દસ્તાવેજો પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.

ચુકાદામાં કોર્ટે સૌથી પહેલાં ઇજાગ્રસ્ત સાક્ષીના કાયદાકીય મહત્વની ચર્ચા કરી છે. કોર્ટે નોંધ્યું કે જે વ્યક્તિ પોતે હુમલાનો ભોગ બની હોય, તે સાચા હુમલાખોરને છોડીને નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવે તેવી શક્યતા સામાન્ય રીતે ઓછી હોય છે. તેથી ઇજાગ્રસ્ત સાક્ષીની જુબાનીને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

કોર્ટે નોંધ્યું કે ભાવેશ પરમારે શરૂઆતથી અંત સુધી ઘટનાક્રમ એકસરખો વર્ણવ્યો હતો. ફોન આવવાથી લઈને જ્યુબિલી સર્કલ પહોંચવા, નિઝામ દ્વારા ગાળો આપવી, છરી કાઢવી અને હુમલો કરવો આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ મૂળભૂત વિરોધાભાસ જોવા મળ્યો નહોતો.

ત્રણેય મુખ્ય સાક્ષીઓની જુબાનીમાં કોઈ ગંભીર વિરોધાભાસ નહીં

કોર્ટના ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે ભાવેશ પરમાર, મહેશ જોગી અને રાજુ પ્રજાપતિ ત્રણેયની જુબાની એકબીજાને સમર્થન આપે છે. બચાવ પક્ષે ઉલટતપાસ દરમિયાન તેમની જુબાનીમાં વિરોધાભાસ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટના મત અનુસાર કોઈ ગંભીર વિરોધાભાસ સામે આવ્યો નહોતો.

કોર્ટે ખાસ નોંધ્યું કે ત્રણેય સાક્ષીઓ ઘટનાસ્થળે શા માટે હાજર હતા તેનું સ્વાભાવિક કારણ હતું. તેઓ ‘કુદરતી સાક્ષી’ હોવાનું કોર્ટે જણાવ્યું અને તેમની જુબાની અગાઉથી ગોઠવેલી કે શીખવાડેલી હોવાનું માનવાનો કોઈ આધાર મળ્યો નહોતો.

ડૉક્ટર, ડિસ્કવરી અને FSLએ પણ પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપ્યું

કોર્ટના ચુકાદામાં મેડિકલ પુરાવા અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે. ડૉક્ટરની જુબાની અનુસાર ભાવેશ પરમારને ધારદાર હથિયારથી થયેલી ગંભીર ઇજા હતી. કોર્ટે નોંધ્યું કે ડૉક્ટરનું પ્રમાણપત્ર ફરિયાદમાં વર્ણવાયેલા હુમલા સાથે મેળ ખાય છે.

આ ઉપરાંત નિઝામ મોગલની માહિતીના આધારે મળી આવેલી છરીની ડિસ્કવરીને પણ કોર્ટે મહત્વપૂર્ણ પુરાવો ગણાવ્યો છે. પંચ સાક્ષીએ ડિસ્કવરીની કાર્યવાહીનું સમર્થન કર્યું હોવાનું પણ ચુકાદામાં નોંધાયું છે. FSL રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓ પણ પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપતા હોવાનું કોર્ટે નોંધ્યું છે.

પોલીસ તપાસમાં ખામીઓ હતી, છતાં કેસ ફગાવી શકાય નહીં: કોર્ટ

ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે પોલીસ તપાસમાં અનેક ખામીઓ દર્શાવી હતી. મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા નહોતા, કોલ ડિટેઇલ્સ એકત્રિત કરવામાં આવી નહોતી, ઓળખ પરેડ કરાવવામાં આવી નહોતી અને કેટલાક અન્ય પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા નહોતા, તેવી દલીલો કરવામાં આવી હતી.

કોર્ટે સ્વીકાર્યું કે તપાસમાં કેટલીક ખામીઓ રહી હતી. જોકે સાથે જ સ્પષ્ટ કર્યું કે માત્ર તપાસની ખામીઓના આધારે સમગ્ર કેસને નકારી શકાય નહીં. જ્યારે ઇજાગ્રસ્ત સાક્ષી વિશ્વસનીય હોય, પ્રત્યક્ષદર્શીઓ તેની પુષ્ટિ કરતા હોય અને મેડિકલ તથા વૈજ્ઞાનિક પુરાવા પણ તેને સમર્થન આપતા હોય ત્યારે આવી ખામીઓથી આખો કેસ તૂટી પડતો નથી.

‘મુસ્લિમ હોવાથી ફસાવી દીધા’ની દલીલ કોર્ટમાં ટકી નહીં

ચુકાદાનો સૌથી મહત્વનો ભાગ આરોપી પક્ષ દ્વારા કરવામાં આવેલી આ દલીલ સાથે સંબંધિત છે કે તેઓ મુસ્લિમ હોવાથી તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. કોર્ટ સમક્ષ બંને આરોપીઓએ પોતાના નિવેદનમાં આ દાવો કર્યો હતો. જોકે ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ નોંધ્યું છે કે આ દલીલને સમર્થન આપતો કોઈ દસ્તાવેજી કે મૌખિક પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. માત્ર એવો દાવો કરવાથી તે સ્વીકારી શકાય નહીં. કોર્ટે આ દલીલને નામંજૂર કરી હતી અને ઉપલબ્ધ પુરાવાના આધારે જ કેસનું મૂલ્યાંકન કર્યું હતું.

આ કેસમાં સૌથી વધુ ચર્ચા એ મુદ્દાની થઈ શકે કે FIRમાં હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો લગાવવામાં આવી હતી, પરંતુ અંતે કોર્ટ માત્ર BNS કલમ 118 હેઠળ જ દોષિત કેમ ઠેરવે છે. ચુકાદામાં કોર્ટે સમજાવ્યું છે કે પ્રોસિક્યુશન નિઝામ દ્વારા છરાથી ઇજા પહોંચાડવાનો ગુનો તો શંકાથી પર સાબિત કરવામાં સફળ રહ્યું છે. પરંતુ હત્યાના પ્રયાસ, ગુનાહિત કાવતરું અને અન્ય ગંભીર કલમો માટે જે કાનૂની સ્તરનો પુરાવો જરૂરી હોય છે, તે આ કેસમાં ઉપલબ્ધ પુરાવાના આધારે શંકાથી પર સાબિત થતો નથી. તેથી કોર્ટ માત્ર જે ગુનો પુરાવાથી સાબિત થાય છે ત્યાં સુધી જ મર્યાદિત રહી છે.

ચુકાદામાં કોર્ટે ઇરફાન બલોચ અંગે અલગથી ચર્ચા કરી છે. કોર્ટના જણાવ્યા અનુસાર ઇરફાન ઘટનાસ્થળે હાજર હતો એવી વાત માનવામાં આવે તો પણ તેણે છરા વડે હુમલો કર્યો હતો અથવા હુમલામાં તેની સક્રિય ભાગીદારી હતી તે શંકાથી પર સાબિત થતું નથી. આથી તેને કાયદા મુજબ શંકાનો લાભ આપવો જરૂરી બને છે અને કોર્ટે તેને નિર્દોષ મુક્ત કર્યો છે.

અંતે કચ્છ સેશન્સ કોર્ટે નિઝામ અબ્દુલગની મોગલને ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 હેઠળ દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદ અને દંડની સજા ફટકારી છે. સાથે જ ટ્રાયલ દરમિયાન કાચા કેદી તરીકે જેલમાં વિતાવેલો સમય સજામાં ગણવાનો પણ આદેશ કર્યો છે. બીજી તરફ સહઆરોપી ઇરફાન મામદરફીક બલોચને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં