‘ખોટી, ભ્રામક અને વિકૃત વાતો…’: સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથેની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, અરજદારને ₹2 લાખનો દંડ

સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ મતના અવશેષો હોવાના દાવા અને તેને લગતા સરવેના તારણો જાહેર કરવાની માંગ કરતી જાહેરહિતની અરજીને (PIL) ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે અરજીને ખોટી, ભ્રામક અને વિકૃત હકીકતો પર આધારિત ગણાવી અરજદાર પર દાખલારૂપે ₹2 લાખનો ખર્ચ પણ ફટકાર્યો છે.

મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી. એન. રાયની ખંડપીઠે 25 જૂને આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે આવી પ્રકારની અરજીઓ સાચી જાહેરહિતની અરજીઓની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે. કોર્ટે કહ્યું કે અરજીમાં રજૂ કરાયેલા દાવાઓને સમર્થન આપતા કોઈ અધિકૃત દસ્તાવેજ, વિશ્વસનીય સંશોધન કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

શું હતી અરજી?

આ અરજી મહારાષ્ટ્રના રહેવાસી વિલાસ તુકારામ ખરાતે દાખલ કરી હતી. તેણે પોતાને મરાઠી ભાષાનો વિદ્વાન, બૌદ્ધ અને ‘સનાતન ધમ્મ’ નામની સંસ્થાના સ્થાપક સભ્ય તરીકે ઓળખાવ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) અને IIT ગાંધીનગર દ્વારા સોમનાથ મંદિરની નીચે વૈજ્ઞાનિક સરવે હાથ ધરવામાં આવ્યો હતો, જેના તારણો પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત થયા હતા. અરજદારે આ કથિત સરવેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ASIને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

હાઇકોર્ટે શું કહ્યું?

સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે અરજીમાં કરાયેલા કોઈપણ દાવા અરજદારના વ્યક્તિગત જ્ઞાન, અધિકૃત દસ્તાવેજો અથવા વિશ્વસનીય સંશોધન પર આધારિત હોવાનું સાબિત થતું નથી. કોર્ટે એ પણ પૂછ્યું કે માહિતી મેળવવા માટે સંબંધિત સત્તાધિકારીનો સંપર્ક કર્યા વિના સીધી જાહેરહિતની અરજી કેમ દાખલ કરવામાં આવી.

કોર્ટના જણાવ્યા અનુસાર અરજી ‘ખોટી, ભ્રામક અને વિકૃત હકીકતોથી ભરેલી’ હતી અને તે જાહેરહિતની અરજીની પવિત્રતાને નુકસાન પહોંચાડે છે. ચુકાદામાં કોર્ટે અરજદારને ‘અપ્રામાણિક અરજદાર’ (unscrupulous litigant) તરીકે પણ વર્ણવ્યા હતા અને જણાવ્યું હતું કે અરજી ખોટી, અધૂરી અને ભ્રામક હકીકતો પર આધારિત હોવાથી તેને દાખલારૂપ ખર્ચ સાથે ફગાવવી યોગ્ય છે.

રાજ્ય સરકારે શું દલીલ કરી?

ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ જી. એચ. વિરકે દલીલ કરી હતી કે આ અરજીનો હેતુ કોઈ તથ્યાત્મક આધાર વિના શ્રી સોમનાથ ટ્રસ્ટને બિનજરૂરી વિવાદમાં ખેંચવાનો હતો. તેમણે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અરજીમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અધિનિયમ, 1955નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે આવો કોઈ કાયદો અસ્તિત્વમાં જ નથી. રાજ્ય સરકારે અરજીને પબ્લિસિટી લિટિગેશન ગણાવી હતી.

સુનાવણી દરમિયાન અરજદારે પણ સ્વીકાર્યું હતું કે અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો અખબારોના અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સના આધારે કરવામાં આવ્યા હતા. આ બાબતને પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી. આખરે ખંડપીઠે અરજી ફગાવી દીધી હતી અને અરજદાર પર ₹2 લાખનો દાખલારૂપ દંડ ફટકાર્યો હતો.