
ભારતે વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ માનવતાવાદી સહાય માટે ‘ઑપરેશન અમિસ્ટાડ’ (Operation Amistad) શરૂ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અભિયાનની જાહેરાત કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાનાં બે C-17 ગ્લોબમાસ્ટર વિમાનો રાહત સામગ્રી, દવાઓ, તબીબી સાધનો અને ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલ યુનિટ સાથે વેનેઝુએલા માટે રવાના થયાં છે. આ સમગ્ર સહાયમાં 35 ટનથી વધુ રાહત સામગ્રી સામેલ છે, જેમાં બે ભીષ્મ ક્યુબ (BHISHM Cube) પણ મોકલવામાં આવ્યા છે.
વેનેઝુએલામાં માત્ર એક મિનિટના અંતરે 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ વિનાશકારી આપત્તિમાં અત્યાર સુધીમાં 235 લોકોનાં મોત થયાં છે, જ્યારે 4,300થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું ત્યાંના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. રાજધાની કારાકાસ અને લા ગુઆઇરા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. હજારો લોકો હજુ પણ ગાયબ હોવાનું માનવામાં આવે છે અને અનેક ઇમારતો ધરાશાયી થતાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે.
ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ હોસ્પિટલની વિશેષ તબીબી ટીમ પણ વેનેઝુએલા માટે રવાના થઈ છે. 41 સભ્યોની આ ટીમમાં 9 તબીબી અધિકારીઓ સામેલ છે. આ ટીમ ઇમરજન્સી સારવાર, ગંભીર ઇજાઓનું સંચાલન, જીવનરક્ષક સર્જરી અને અન્ય આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. તેમની સાથે લગભગ 6 ટન દવાઓ, તબીબી સાધનો અને માનવતાવાદી રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે.
નોંધનીય છે એક ભારતે મોકલેલા ભીષ્મ ક્યુબને આપત્તિ દરમિયાન ઝડપથી કાર્યરત કરી શકાય તેવી આધુનિક મોબાઇલ ફિલ્ડ હોસ્પિટલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આરોગ્ય મૈત્રી (Aarogya Maitri) પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલ આ સિસ્ટમમાં વેન્ટિલેટર, ઓક્સિજન સપોર્ટ, સર્જરી માટેના સાધનો, દર્દીઓની દેખરેખ માટેના ઉપકરણો અને સ્વતંત્ર વીજ પુરવઠાની સુવિધા છે. આ મોડ્યુલ આશરે 200 દર્દીઓને અદ્યતન સારવાર આપવાની ક્ષમતા ધરાવે છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ભારત મુશ્કેલીની આ ઘડીમાં વેનેઝુએલાની સરકાર અને ત્યાંના લોકોની મદદ કરવા પ્રતિબદ્ધ છે. કુદરતી આપત્તિઓ સમયે વિશ્વના વિવિધ દેશોને ઝડપથી માનવતાવાદી સહાય પહોંચાડવાની ભારતની પરંપરાને આગળ વધારતા ઑપરેશન અમિસ્ટાડથી ફરી એકવાર ભારતે વૈશ્વિક સ્તરે જવાબદાર અને વિશ્વસનીય પ્રતિસાદ આપનાર દેશ તરીકેની પોતાની ભૂમિકા મજબૂત બનાવી છે.

