RSS પર અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતાઓ પ્રિયાંક ખડગે અને મોહમ્મદ નાલપાડને બેંગલુરુની કોર્ટનું સમન્સ, 21 જુલાઈએ હાજર રહેવા આદેશ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર અપમાનજનક અને આપત્તિજનક ટિપ્પણીઓ બદલ કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જંક ખડગેના પુત્રને કર્ણાટકની એક કોર્ટે સમન્સ મોકલ્યું છે. બેંગલુરુ શહેર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 27 જૂનના રોજ આ આદેશ આપ્યો હતો. ખડગે સાથે આરોપી તરીકે કોંગ્રેસ નેતા મોહમ્મદ નાલપાડનું પણ નામ છે.

આ મામલે તેજસ નામના એક શખ્સે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ નેતાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે અને તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવે. ખડગેએ ઑગસ્ટ 2025માં એક X પોસ્ટ કરી હતી, જ્યારે નાલપાડે એક યુટ્યુબ ચેનલ સાથેના ઈન્ટરવ્યુમાં સંઘ વિશે ટિપ્પણીઓ કરી હતી.

ફરિયાદમાં ખડગે અને નાલપાડ સાથે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવનું પણ નામ હતું, પરંતુ કોર્ટે તેમની સામે કાર્યવાહી શરૂ કરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર હજુ તેનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ કોર્ટે બાકીના બેને સમન્સ મોકલીને 21 જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું છે.

કોર્ટે ફરિયાદ પર સંજ્ઞાન લઈને ક્રિમિનલ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ જ ક્રમમાં બંને આરોપીઓને સમન્સ મોકલવામાં આવ્યાં છે.