
મુંબઈ પોલીસે મોહરમના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના ટાળી હોવાનો દાવો કર્યો છે. પોલીસે ફૈયાઝ પ્રેમજી નામના શખ્સની ધરપકડ કરી છે, જેના પર ‘દર્દની દવા’ હોવાનું કહી ઝિંક ફોસ્ફાઇડ જેવા ઝેરી પદાર્થથી ભરેલા કેપ્સ્યુલ લોકોમાં વહેંચવાનો આરોપ છે. કાર્યવાહી દરમિયાન પોલીસે તેની પાસેથી કુલ 14,900 કેપ્સ્યુલ જપ્ત કર્યા હોવાનું જણાવ્યું છે. આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાસ કરીને મોહરમના જુલૂસમાં આવતા લોકોને નિશાન બનાવી રહ્યો હતો. સૌથી રસપ્રદ બાબત એ છે કે જે જુલૂસને નિશાન બનાવવાનો આરોપ છે, તેમાં ઝેરી કેપ્સ્યુલ વહેંચવાનો આરોપી પોતે પણ મુસ્લિમ હોવાનું પોલીસના તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે આ સમગ્ર કાવતરું તેણે એકલાએ ઘડ્યું હતું કે તેની પાછળ અન્ય કોઈ લોકો પણ સામેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું છે કે તેણે ખાસ મુહર્રમના જુલૂસને નિશાન બનાવ્યું હતું અને તેમાં ભાગ લેનારા લોકોને નુકસાન પહોંચાડવાનો ઇરાદો રાખ્યો હતો. એક વ્યક્તિની તબિયત બગડ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા કેપ્સ્યુલની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસના આધારે ઝિંક ફોસ્ફાઇડ જેવા જીવલેણ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાએ સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરી છે અને હવે પોલીસ આરોપીના સંપર્કો, નાણાકીય વ્યવહારો અને સંભવિત સાગરિતોની તપાસમાં લાગી છે.

