
રામ મંદિર દાન ચોરી મામલે ચાલતી તપાસ વચ્ચે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પર એક પત્ર શૅર કર્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ SITનો અંતિમ અહેવાલ જાહેર થયા બાદ જ સમગ્ર મુદ્દે વિગતવાર પ્રતિક્રિયા આપશે. ચંપત રાયે સ્પષ્ટ કર્યું કે તપાસ પૂર્ણ થયા પહેલાં કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી.
પત્રમાં ચંપત રાયે જણાવ્યું કે SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તેઓ તેમના પર લગાવવામાં આવેલા દરેક આરોપનો મુદ્દાવાર જવાબ આપશે. તેમણે કહ્યું કે હાલ તેઓ તપાસ એજન્સીને પોતાનું કામ કરવા દેવા માંગે છે અને તમામ હકીકતો બહાર આવ્યા પછી જ પોતાનો પક્ષ જાહેર કરશે.
આ ઉપરાંત તેમણે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે તેઓ વર્ષ 1991થી પ્રચારક છે અને તેમનું જીવન છેલ્લાં 45 વર્ષથી ખુલ્લા પુસ્તક સમાન છે. હાલમાં તેમણે આ મુદ્દે મૌન સેવી લીધું છે અને SITનો અંતિમ રિપોર્ટ આવશે પછી જ ટિપ્પણી કરશે એવું જાહેર કર્યું છે.
धीरज धर्म मित्र अरु नारी,
— Champat Rai (@ChampatRaiVHP) July 7, 2026
आपद काल परिखिअहिं चारी। pic.twitter.com/PHtGs95ass
પત્રમાં શું લખવામાં આવ્યું છે?
ચંપત રાયે પત્ર રામભક્તોને સંબોધીને લખ્યો છે, જેમાં તેઓ કહે છે કે–
“7 જૂનથી શ્રીરામજન્મભૂમિ મંદિર પરિસરના દાનપત્રની ગણના સમયે કરવામાં આવેલી ચોરી સંબંધે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલે છે અને મારી ઉપર પણ વ્યક્તિગત રીતે અનેક લોકોએ અગણિત આરોપ લગાવ્યા છે. મેં મૌન ધારણ કરી લીધું છે.”
“6 જુલાઈએ યોજાયેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં SITનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ગોપનીય છે પણ હવે સાર્વજનિક થઈ ચૂક્યો છે. તમને સૌને આશ્વાસન આપું છું કે SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ ફેલાવવામાં આવી રહેલા તમામ બિંદુઓ પર મારો ઉત્તર ક્રમાનુસાર આપીશ અને સત્ય સામે આવી જશે.”
“ઑક્ટોબર 1991માં મને સંગઠન દ્વારા અયોધ્યા મોકલવામાં આવ્યો હતો. હું જ્યાં-જ્યાં રહ્યો… 45 વર્ષથી મારું પ્રચારક જીવન ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે. સૌને આદરપૂર્વક નમન.”

