હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશું છે ઈન્ડોનેશિયાના પ્રાચીન પ્રમ્બાનન મંદિરનો ઇતિહાસ, જેની પીએમ મોદીએ લીધી મુલાકાત:...

શું છે ઈન્ડોનેશિયાના પ્રાચીન પ્રમ્બાનન મંદિરનો ઇતિહાસ, જેની પીએમ મોદીએ લીધી મુલાકાત: સંરક્ષણમાં ભારત કરશે મદદ, રિસ્ટોરેશન પ્રોજેક્ટનો શુભારંભ

પ્રમ્બાનન મંદિર માત્ર એક મંદિર નહીં પરંતુ તે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના હજારો વર્ષના સાંસ્કૃતિક સંબંધો, ધાર્મિક પરંપરા, સ્થાપત્ય કૌશલ્ય અને ઐતિહાસિક વારસાનું જીવંત પ્રતીક છે.

- Advertisement -

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધો હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક પ્રવાહોથી જોડાયેલા છે. વડા પ્રધાન મોદીની તાજેતરની ઈન્ડોનેશિયાની યાત્રા વખતે પણ આ જોવા મળ્યું. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે યોગ્યાકાર્તા (Yogyakarta) સ્થિત ભવ્ય ‘પ્રમ્બાનન મંદિર’ની (Prambanan Temple) મુલાકાત લીધી હતી. આ મુલાકાત માત્ર એક પ્રવાસ નહોતો, પરંતુ બંને દેશો વચ્ચેના સદીઓ જૂના ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાની અને તેને ભવિષ્યની પેઢીઓ માટે સાચવવાની એક ઐતિહાસિક ક્ષણ હતી.

આ મુલાકાતનું સૌથી મોટું અને મહત્વનું પાસું આ વૈશ્વિક ધરોહરના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવેલો સંયુક્ત પ્રોજેક્ટ છે. બંને નેતાઓએ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતની પ્રખ્યાત સંસ્થા ‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ (ASI) મુખ્ય એજન્સી તરીકે કામ કરશે. વર્ષ 2025માં રાષ્ટ્રપતિ પ્રબોવોની ભારત મુલાકાત દરમિયાન લેવાયેલા નિર્ણયના આધારે આ પ્રોજેક્ટ માટે બંને દેશોએ લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

પ્રમ્બાનન મંદિરનું નિર્માણ અને રોચક ઇતિહાસ

ઇતિહાસકારોના મતે આ ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ આશરે 9મી સદીમાં ઇ.સ. 850ની આસપાસ મધ્ય જાવાનાં ફળદ્રુપ મેદાનો પર થયું હતું. પ્રાચીન માતારામ સામ્રાજ્યના શક્તિશાળી ‘સંજય રાજવંશ’ના શાસનકાળ દરમિયાન આ ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું હતું. ઇતિહાસકારોના મતે આ મંદિરનું નિર્માણ તે સમયે શૈવ હિંદુ ધર્મના પુનરુત્થાનને પ્રદર્શિત કરવા અને નજીકમાં જ બનેલા બૌદ્ધ સ્મારક ‘બોરોબુદુર’ના જવાબમાં રાજવી શક્તિ અને શ્રદ્ધાના પ્રતીકરૂપે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આજના સમયમાં ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે અહીં હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિનો પ્રભાવ ખૂબ જ મજબૂત હતો. તેનું સૌથી જીવંત અને ભવ્ય પ્રતીક પ્રમ્બાનન મંદિર છે. આજે પણ આ મંદિર ભારત અને ઇન્ડોનેશિયાની સંયુક્ત સંસ્કૃતિની સાક્ષી તરીકે અડીખમ ઊભું છે.

ઈન્ડોનેશિયાના સાંસ્કૃતિક હૃદય સમાન યોગ્યાકાર્તા (Yogyakarta) શહેરથી આશરે 17 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત આ મંદિર ઈન્ડોનેશિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો કંબોડિયાના અંકોર વાટ પછી તે સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું અને સ્થાપત્યની દ્રષ્ટિએ અત્યંત જટિલ મંદિર સંકુલ માનવામાં આવે છે. તેની આ જ ભવ્યતા, સ્થાપત્ય શૈલી અને ઐતિહાસિક મહત્વને કારણે વર્ષ 1991માં યુનેસ્કોએ (UNESCO) તેને વૈશ્વિક ધરોહર (World Heritage Site) જાહેર કર્યું હતું.

આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ અદભૂત સ્થાપત્ય રચના

આ મંદિર સંકુલની સ્થાપત્ય રચના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અદભુત છે. સમગ્ર સંકુલને ખગોળશાસ્ત્ર અને આધ્યાત્મિક મંડળની ગણતરી મુજબ ત્રણ કેન્દ્રીય ચોરસ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. સૌથી બહારનો ભાગ સામાન્ય પ્રવૃત્તિઓ માટે હતો, મધ્ય ભાગમાં મુખ્ય મંદિરો અને તેની આસપાસ સેંકડો નાનાં મંદિરો બનાવવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં અહીં કુલ 240 મંદિરો હતાં, જેમાંથી આજે ઘણાં મંદિરોના અવશેષો જ બચ્યા છે, જ્યારે મુખ્ય મંદિરોનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. સૌથી અંદરનો ઊંચો ચોરસ ભાગ સૌથી પવિત્ર માનવામાં આવે છે, જ્યાં મુખ્ય 16 મંદિરો આવેલાં છે.

આ સંકુલના કેન્દ્રમાં હિંદુ ધર્મના પવિત્ર ત્રિદેવ એટલે કે બ્રહ્માંડના સર્જક બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને શિવના મંદિરો સ્થાપિત છે. આ ત્રણેયમાં સૌથી મધ્યમાં અને ભવ્ય શિખર ભગવાન શિવનું છે, જે જમીનથી આશરે 47 મીટર (154 ફૂટ) ઊંચું છે. સ્થાપત્ય કલાનું આ શિખર સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી ઊંચા હિંદુ શિખરોમાં સ્થાન ધરાવે છે, જેની અંદર ભગવાન શિવ મહાદેવની એક અતિ ભવ્ય મૂર્તિ સ્થાપિત છે.

(Photo: Instagram)

મુખ્ય ત્રિમૂર્તિ મંદિરોની બરાબર સામે, તેમના દૈવી વાહનોને સમર્પિત ‘વાહન મંદિરો’ બનાવવામાં આવ્યાં છે. ભગવાન શિવના મંદિરની સામે તેમના પરમ ભક્ત અને વાહન નંદીનું મંદિર છે, ભગવાન બ્રહ્માની સામે હંસનું મંદિર છે અને ભગવાન વિષ્ણુની સામે પક્ષીરાજ ગરુડનું મંદિર છે.

ત્રિમૂર્તિ (ફોટો: Pintrest)

પ્રમ્બાનન મંદિરની સૌથી મોટી વિશેષતા તેની દીવાલો પર કંડારાયેલી કલાત્મક કોતરણી (Bas-reliefs) છે. મંદિરની ગેલેરીઓની દીવાલો પર હિંદુ ધર્મના મહાન ગ્રંથો ‘રામાયણ’ અને ‘ભાગવત પુરાણ’નાં દૃશ્યો ઝીણવટભરી શૈલીમાં કોતરવામાં આવ્યાં છે. અહીં આવતા પ્રવાસીઓ જ્યારે મંદિરની પ્રદક્ષિણા કરે ત્યારે તેઓ દીવાલો પર કોતરાયેલી આખી રામાયણ વાર્તાના સ્વરૂપમાં વાંચી શકે છે. આ કોતરણીમાં ભારતીય કથા હોવા છતાં સ્થાનિક જાવનીઝ કલા શૈલીનો અદભુત સમન્વય જોવા મળે છે.

રામાયણ અને ભાગવતની કોતરણીઓ (ફોટો: Pintrest)

આ મંદિર ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો હજારો વર્ષ જૂના સબંધોનું પ્રતીક છે. પ્રાચીન સમયમાં વેપારીઓ, સાધુ-સંતો અને વિદ્વાનો સમુદ્રી માર્ગે ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. તેમની સાથે હિંદુ ધર્મ, સંસ્કૃત ભાષા, રામાયણ-મહાભારત જેવી પરંપરાઓ અને ભારતીય કલા પણ અહીં પહોંચી હતી. પ્રમ્બાનન મંદિર એ જ સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું સૌથી ભવ્ય સ્મારક છે.

રોરો જોંગરાંગની લોકવાયકા

આ મંદિર સાથે ઇન્ડોનેશિયાની એક બહુ પ્રખ્યાત લોકકથા પણ જોડાયેલી છે, જેના કારણે સ્થાનિક લોકો આ મંદિરને ‘રોરો જોંગરાંગ’ (Loro Jonggrang) તરીકે ઓળખે છે. લોકવાયકા અનુસાર, એક શક્તિશાળી રાજકુમારે સુંદર રાજકુમારી રોરો જોંગરાંગ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ રાજકુમારીએ લગ્નથી બચવા શરત મૂકી કે રાજકુમારે એક જ રાતમાં 1,000 મંદિરો બાંધવાં પડશે. રાજકુમારે પોતાની જાદુઈ અને દૈવી શક્તિઓનો ઉપયોગ કરીને રાત પૂરી થાય તે પહેલાં 999 મંદિરો તૈયાર કરી દીધાં હતાં.

આ અશક્ય કાર્યને પૂરું થતું જોઈ ગભરાયેલી રાજકુમારીએ સવાર વહેલી પડી હોવાનો આભાસ કરાવવા માટે ગ્રામજનોને કહીને આગ પ્રગટાવી અને ડાંગર ખાંડવાનું શરૂ કરાવ્યું. આ અવાજોથી સવાર પડી ગઈ હોવાનું માનીને જાદુઈ શક્તિઓ આખરી મંદિર અધૂરું મૂકીને ગાયબ થઈ ગઈ. છેતરાયેલા અને ક્રોધિત રાજકુમારે રોરો જોંગરાંગને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધી, જે આ સંકુલનું 1,000મું પ્રતિકાત્મક સ્મારક બની ગઈ. સ્થાનિકો આજે પણ શિવ મંદિરમાં આવેલી દેવી દુર્ગાની મૂર્તિને એ જ રાજકુમારી માને છે અને આ વાર્તા આજે પણ ઇન્ડોનેશિયાના સાહિત્ય, નાટકો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં જીવંત છે.

માતા દુર્ગાની મૂર્તિ (ફોટો: ResearchGate)

આ ભવ્ય મંદિરનો ઇતિહાસ જેટલો ગૌરવશાળી છે એટલો જ સંઘર્ષપૂર્ણ પણ રહ્યો છે. 10મી સદી પછી જાવામાં થયેલાં રાજકીય પરિવર્તનો, ભયાનક ભૂકંપો અને નજીકના માઉન્ટ મેરાપી જ્વાળામુખીના વિસ્ફોટોને કારણે આ આખું સંકુલ સદીઓ સુધી જમીનમાં અને ગાઢ જંગલોની વચ્ચે દટાયેલું રહ્યું. 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન આ સ્થળ ફરી શોધાયું હતું. વર્ષ 2006માં આવેલા વિનાશક ભૂકંપમાં પણ આ મંદિરને ભારે નુકસાન થયું હતું, જોકે અદભૂત સ્થાપત્યકળાના કારણે આજે પણ અડીખમ ઊભું છે.

પ્રમ્બાનન પુરાતત્વીય પાર્કમાં માત્ર હિંદુ મંદિરો જ નથી, પરંતુ તેમાં સેવુ (Sewu), બુબ્રાહ (Bubrah) અને લુમ્બુંગ (Lumbung) જેવાં મંદિરોનો પણ સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે ‘સેવુ મંદિર’ ઇન્ડોનેશિયાનું બીજું સૌથી મોટું બૌદ્ધ મંદિર સંકુલ છે. એક જ વિસ્તારમાં હિંદુ અને બૌદ્ધ મંદિરોનું આ અસ્તિત્વ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં ઇન્ડોનેશિયામાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ભાવના કેટલી પ્રબળ હતી.

વડા પ્રધાન મોદીનું આધ્યાત્મિક જોડાણ

મંદિરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને પરંપરાગત વિધિઓનો ભાગ બન્યા હતા. વડા પ્રધાને આ તકે ભાવુક થઈને જણાવ્યું કે, ભગવાન શિવ સાથે જોડાવવાની તેમને વારંવાર તક મળે છે તે તેમનાં અહોભાગ્ય છે. તેમણે પોતાના વતન વડનગરના હાટકેશ્વર મહાદેવ, સોમનાથ જ્યોતિર્લિંગ, કાશી વિશ્વનાથ, કેદારનાથ અને મહાકાલેશ્વર પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરીને પ્રમ્બાનન મંદિરના જીર્ણોદ્ધારના પ્રારંભને પોતાના માટે એક પરમ સૌભાગ્યની ક્ષણ ગણાવી હતી.

આ જીર્ણોદ્ધાર પ્રોજેક્ટ ખૂબ જ પડકારજનક છે, કારણ કે સદીઓ જૂના સેંકડો મંદિરોના પથ્થરો સમગ્ર મેદાનમાં વિખરાયેલા પડ્યા છે. તેને ચોક્કસ કયા મંદિર સાથે જોડવા તે શોધવું અઘરું છે. આ માટે ASIના નિષ્ણાતો પથ્થરોને જોડવાની પરંપરાગત ‘અનાસ્ટાયલોસિસ’ (Anastylosis) પદ્ધતિનો ઉપયોગ કરશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાના સાંસ્કૃતિક મંત્રી ફાદલી ઝોને જણાવ્યું કે, આ પથ્થરોની સચોટ ઓળખ અને પુનઃરચના માટે ડિજિટલ એપ્રોચ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અદ્યતન ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવશે.

ASIને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં પ્રાચીન હિંદુ અને બૌદ્ધ સ્મારકોના સંરક્ષણનો લાંબો અનુભવ છે. ASIએ અગાઉ કંબોડિયાના અંકોર વાટ, વિયેતનામના માય સોન, મ્યાનમારના બાગાન અને લાઓસના વાટ ફૂ જેવાં વિશ્વવિખ્યાત સ્મારકોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે પ્રમ્બાનન મંદિર પણ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે.

પ્રમ્બાનન મંદિર માત્ર એક મંદિર નહીં પરંતુ તે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના હજારો વર્ષના સાંસ્કૃતિક સંબંધો, ધાર્મિક પરંપરા, સ્થાપત્ય કૌશલ્ય અને ઐતિહાસિક વારસાનું જીવંત પ્રતીક છે. ભારતના સહયોગથી શરૂ થયેલું રિસ્ટોરેશન કાર્ય આ અમૂલ્ય ધરોહરને આગામી અનેક સદીઓ સુધી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને બંને દેશોની મિત્રતાને વધુ મજબૂત બનાવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં