
લદાખના ખેડૂતોને પડતી પાણીની તકલીફના સમાધાન માટે લદાખ પ્રશાસને લેહમાંથી પસાર થતી ઉપશી નદી પર એક બંધ બાંધ્યો છે. પણ આ બંધ સિમેન્ટ-કોંક્રિટનો નહીં પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે, જેને રોક ડેમ કહેવાય છે.
સંપૂર્ણ રીતે પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ બંધથી પાણીનું સ્તર લગભગ 10 ફિટ સુધી વધી જશે. જેના કારણે ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરી શકશે.
વર્ષો સુધી વિસ્તારમાં પાણીની સમસ્યા રહી છે કારણ કે સિંધુ નદી સિસ્ટમની નદીઓનું જળસ્તર એટલું હોતું નથી કે તેમાંથી પંપ વડે પાણી ખેંચી શકાય. બીજી તરફ સિંધુ નદીનું પાણી અમુક મર્યાદા સુધી વાપરી શકાય છે. જેના કારણે ખેડૂતોને તકલીફ પડતી હતી.
આ ડેમથી લગભગ 40 મિલિયન લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે અને જ્યાં-જ્યાં પાણીની અછત રહે છે ત્યાં પાણી પહોંચાડી શકાશે.
રોક ડેમ બનાવીને પ્રશાસન અને સરકારે સ્થાનિક સ્તરે ખેડૂતોની એક મોટી સમસ્યાનું તો સમાધાન કર્યું પણ સાથે-સાથે કુટનીતિક દૃષ્ટિએ જોઈએ તો પાકિસ્તાનને એક મોટો સંદેશ પણ આપ્યો છે.
2025ના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી દીધી હતી. હવે આવા ડેમ બનાવીને ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે દેશ નદીઓ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યો છે અને ખાસ તો પાણી પાકિસ્તાન તરફ જાય એ પહેલાં પોતાનો અને દેશના નાગરિકોનો વિચાર કરીને એ પ્રમાણે કામ કરશે.
આ એક જ નહીં લદાખ સિંધુ નદી પર આવા અનેક ડેમ બનાવી રહ્યું છે. અમુક ઠેકાણે કામ શરૂ થઈ ગયું છે અને અમુક પ્રોજેક્ટ હજુ પાઇપલાઇનમાં છે.
લદ્દાખ પ્રશાસને લગભગ 36 જેટલા ચેક ડેમ પ્રોજેક્ટ માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય પાસેથી મંજૂરી માગી છે. જેમાં લેહ વિસ્તારમાં 7 રોક ચેક ડેમ, અને બાકીના 29 ડેમ કારગીલ વિસ્તારમાં બનાવવામાં આવશે. જેની પાછળ લગભગ ₹56 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

