
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) આંતરિક બળવો અને નેતૃત્વ સંકટ વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે. પાર્ટીના લઘુમતી સેલના રાજ્ય સચિવ અજમલ સિદ્દીકીએ શનિવારે (6 જૂન) પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામાં સાથે તેમણે TMCના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર તાનાશાહી વલણ અપનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
માહિતી અનુસાર હજ યાત્રાથી પરત ફર્યાના બે દિવસ બાદ અજમલ સિદ્દીકીએ રાજીનામાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે પાર્ટી સાથે રહેવું હવે તેમના માટે અસ્વસ્થતાજનક બની ગયું હતું અને પક્ષ લોકો માટે કોઈ વાસ્તવિક કામ કરી રહ્યો નથી.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા સિદ્દીકીએ કહ્યું હતું કે પાર્ટી માત્ર બદનામી જ લાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પક્ષના ઘણા નેતાઓ વિવિધ વિવાદો અને અયોગ્ય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અને ભવિષ્યમાં પણ વધુ કૌભાંડો સામે આવી શકે છે.
અજમલ સિદ્દીકીએ TMCની હાલની સ્થિતિ માટે સીધા અભિષેક બેનર્જીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે પાર્ટીના પતન પાછળ એક જ વ્યક્તિ જવાબદાર છે અને તે અભિષેક બેનર્જી છે. તેમના જણાવ્યા અનુસાર અભિષેક બેનર્જીના તાનાશાહી વલણ અને વર્ષો સુધી સહન કરેલા દબાણને કારણે પક્ષમાં કામ કરવું મુશ્કેલ બન્યું હતું.
તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તેમના વિરુદ્ધ 12થી 13 વર્ષ પહેલાં ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને પૈસાની માંગણી જેવા દબાણોનો પણ સામનો કરવો પડ્યો હતો. આ બધું અસહ્ય બનતાં તેમણે આખરે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ સુધી સત્તા ભોગવ્યા બાદ TMCને તાજેતરમાં BJP સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી પક્ષમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં અનેક નેતાઓ અને ધારાસભ્યો દ્વારા ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
પાર્ટી માટે સૌથી મોટો ઝટકો ત્યારે આવ્યો હતો, જ્યારે 58 બળવાખોર TMC ધારાસભ્યોના જૂથને વિધાનસભામાં મુખ્ય વિપક્ષી જૂથ તરીકે માન્યતા મળી હતી. આ જૂથનું નેતૃત્વ રૈતબ્રત બેનર્જી કરી રહ્યા છે.

