ઉત્તર પ્રદેશના સંભલમાં ગેરકાયદેસર મસ્જિદ પર ફર્યું બુલડોઝર: તપાસ દરમ્યાન મળી આવ્યાં ‘આઈ લવ મોહમ્મદ’નાં પોસ્ટરો, પોલીસે શરૂ કરી તપાસ

ઉત્તર પ્રદેશના સંભલમાં એક સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે તાણી બાંધવામાં આવેલી મસ્જિદ તોડી પાડવામાં આવી છે. મસ્જિદ નખાસા ક્ષેત્રના કસેરુઆ ગામમાં બની હતી.

કોર્ટના આદેશ બાદ સ્થાનિક પ્રશાસને જમીન પરથી કબજો મુક્ત કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી અને અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ શનિવારે (6 જૂન) બે બુલડોઝર લઈને તંત્રની ટીમ પહોંચી હતી. સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગની પણ મદદ લેવામાં આવી.

પોલીસ વિભાગે સ્થાનિક પોલીસ મથક અને અન્ય મથકોમાંથી પણ પોલીસ સ્ટાફ બોલાવી લીધો હતો અને કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ડિમોલિશન પહેલાં તપાસ કરવામાં આવી ત્યારે મસ્જિદના પહેલા માળેથી ‘આઈ લવ મોહમ્મદ’ લખેલાં પોસ્ટરો અને લીલા ઝંડા મળી આવ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મસ્જિદ તોડવા પહેલાં સાફસફાઈ અને તપાસ કરવામાં આવી તો અમુક પોસ્ટરો મળી આવ્યાં હતાં. હવે એ ચકાસવામાં આવી રહ્યું છે કે કોણે આ પોસ્ટર છપાવ્યાં હતાં. તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. એક ઝંડો મળ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગત 21 એપ્રિલના રોજ સ્થાનિક કોર્ટે મસ્જિદ સમિતિને જમીન ખાલી કરવા માટે સૂચના આપી હતી, જેની વિરુદ્ધ સમિતિ જિલ્લા કોર્ટમાં ગઈ હતી પરંતુ કોર્ટે રોક લગાવવાનો કોઈ આદેશ ન આપ્યો. મસ્જિદ સરકારી જમીન પર હતી અને ત્યાં આસપાસ અન્ય મકાન પણ બાંધવામાં આવ્યાં હતાં, જેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે ગામલોકોએ કબ્રસ્તાનની જમીન સુરક્ષિત કરવા માટે ફરિયાદ આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કબ્રસ્તાનની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી છે. ત્યારબાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મામલે જાન્યુઆરી 2026માં સાત વ્યક્તિઓ વિરુદ્ધ એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને જમીનને વક્ફ સંપત્તિ ઘોષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડિમોલિશન બાદ હાલ વિસ્તારમાં શાંતિ હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.