
ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સરવેમાં જાણવા મળ્યું છે કે કબ્રસ્તાનના ઉપયોગ માટેની જમીન પર મસ્જિદનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું અને મસ્જિદને જૂન 2023માં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં રજિસ્ટર પણ કરી દેવાઈ હતી. આ મામલે સંભલ મસ્જિદ સંચાલન સમિતિના સાત સભ્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
આ મામલે સંભલના લેખપાલની ફરિયાદ પર ઝાકિર હુસૈન, તસ્લીમ, ભૂરે અલી, શફરુદ્દીન, દિલ શરીફ અને મોહમ્મદ અલી અને નન્હે નામની વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
તપાસમાં સામે આવ્યું કે કબ્રસ્તાન માટેની જમીન પર મસ્જિદનું નિર્માણ કરીને તેને વક્ફ ઘોષિત કરવા માટે દસ્તાવેજોમાં પણ ઘાલમેલ કરવામાં આવી હતી. જમીન કબ્રસ્તાન માટેની હોવાનું દર્શાવતા દસ્તાવેજો ક્યારેય રજૂ કરવામાં જ ન આવ્યા અને મસ્જિદ નોંધાવી દેવામાં આવી હતી.
સંભલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 329(3) અને પ્રિવેન્શન ઑફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 1984 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

