
ગુજરાતના ગૌરવ સમાન ગીરના જંગલમાં તાજેતરમાં સિંહોના સ્વાસ્થ્ય પર મોટું સંકટ આવી પડ્યું હતું. ગીર પૂર્વ અને પશ્ચિમ રેન્જમાં સિંહોમાં ‘બેબેસિયા’ અને અન્ય વાયરસના લક્ષણો દેખાતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ રોગચાળાની ગંભીરતાને જોતાં વન વિભાગે તાત્કાલિક ધોરણે બીમાર અને શંકાસ્પદ 17 સિંહોને જસાધાર અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેટ કર્યા હતા, જ્યાં વનતારાની ટીમ અને સાસણના તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી.
અહેવાલ અનુસાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા 17 સિંહોમાંથી 12 સિંહ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને તેમને ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર જસાધાર સેન્ટર પરથી 4 અને જામવાળા સેન્ટર પરથી 7 સિંહોને મુક્ત કરાયા છે, જ્યારે બાકીના સિંહો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તેમની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે. વધુમાં વન વિભાગે જણાવ્યું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
સમગ્ર પરિસ્થિતિ અંગે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ કેન્દ્રોની મુલાકાત લઈને સ્પષ્ટતા કરી છે કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈ નવું મોત થયું નથી. સિંહોનાં મોત પાછળ કોઈ ગંભીર વાયરસ જવાબદાર નથી. સાવચેતીના ભાગરૂપે ગીર વિસ્તારના 600 જેટલા સિંહોનું ‘ડી-ટિકિંગ’ અને ‘ડી-વોર્મિંગ’ કરવામાં આવ્યું છે તેમજ સમગ્ર વિસ્તારને જંતુમુક્ત કરીને સિંહોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

