મુંબઈમાં BMCએ હટાવ્યાં બે ગુજરાતી સાઇનબોર્ડ, મરાઠીમાં લગાવ્યાં નવાં બોર્ડ: રાજ ઠાકરેની MNSએ કર્યો હતો વિરોધ

મુંબઈના માલાબાર હિલ વિસ્તારમાં લગાવવામાં આવેલા ગુજરાતી ભાષાનાં બે સાઇનબોર્ડ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા હટાવી દેવામાં આવ્યાં છે. આ કાર્યવાહી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS) દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગુજરાતી સાઇનબોર્ડ હટાવી દેવાયા બાદ મરાઠી ભાષાનાં સાઇનબોર્ડ લગાવવામાં આવ્યાં છે.

MNSએ આ બોર્ડોની હાજરી સામે વિરોધ નોંધાવ્યો હતો અને જો તેમને દૂર કરવામાં નહીં આવે તો પ્રદર્શન કરવાની ચેતવણી પણ આપી હતી. પાર્ટીના નેતાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે જાહેર સ્થળોએ મરાઠી સિવાયની ભાષામાં આવાં બોર્ડ શા માટે મૂકવામાં આવ્યાં છે.

હટાવવામાં આવેલાં બંને બોર્ડ પર ગુજરાતી ભાષામાં લખાણ હતું અને તે ગુજરાતી તથા જૈન સમાજ સાથે સંકળાયેલાં હતાં. તેમાંનું એક બોર્ડ માલાબાર હિલના નીલિમા બિલ્ડિંગ નજીક લગાવવામાં આવ્યું હતું, જ્યારે બીજું બોર્ડ સેન્ટ એલિઝાબેથ હોસ્પિટલ નજીક સ્થિત હતું.

MNSના વિરોધ બાદ BMCની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. BMCના સહાયક મ્યુનિસિપલ કમિશનર સંતોષ સાળુંખેએ જણાવ્યું કે નિરીક્ષણ બાદ બંને સાઇનબોર્ડ હટાવી દેવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન માલાબાર હિલ MLA મંગલ પ્રભાત લોઢાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સમગ્ર મામલે વધુ વિગતો મેળવ્યા બાદ જ ટિપ્પણી કરવામાં આવશે એવું જણાવાયું હતું. 

ગુજરાતી ભાષાના બોર્ડ હટાવવાની આ ઘટનાએ ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાષા આધારિત રાજકારણ અને બિન-મરાઠી સમુદાયોને સાથે થતાં અત્યાચારની ચર્ચાઓને વેગ આપ્યો છે.