અમૃતસરના સુવર્ણ મંદિરમાં લાગ્યા ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા, ઑપરેશન બ્લૂ સ્ટારની વર્ષગાંઠે ભિંડરાંવાલેનાં પોસ્ટરો પણ દેખાયાં

પંજાબના અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિર પરિસરમાં શુક્રવારે (6 જૂન) ઑપરેશન બ્લૂ સ્ટારની વર્ષગાંઠને લઈને કેટલાક ખાલિસ્તાન સમર્થક તત્વોએ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના વિવાદિત નારા લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

અહેવાલ અનુસાર શીખોની સર્વોચ્ચ ધાર્મિક પીઠ અકાલ તખ્ત સાહિબ નજીક મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોના હાથમાં ભિંડરાંવાલેનાં પોસ્ટરો જોવા મળ્યાં હતાં અને ખાલિસ્તાન સમર્થક નારા પણ લગાવવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ 6 જૂને ભિંડરાંવાલે અને ઑપરેશન દરમિયાન મૃત્યુ પામેલા અન્ય ખલિસ્તાનીઓની યાદમાં વિશેષ અરદાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસ અને અર્ધલશ્કરી દળોએ અમૃતસર શહેર તેમજ સુવર્ણ મંદિર આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક રહી હતી.

ઉલ્લેખનીય છે કે ઑપરેશન બ્લૂ સ્ટાર ભારતીય સેનાએ 1થી 8 જૂન, 1984 દરમિયાન હાથ ધરેલું વિશેષ લશ્કરી અભિયાન હતું. તે સમયે સુવર્ણ મંદિર પરિસરમાં આશ્રય લીધેલા જર્નૈલ સિંઘ ભિંડરાંવાલે અને તેના સશસ્ત્ર ખલિસ્તાનીઓને બહાર કાઢવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 6 જૂન, 1984ના રોજ ભિંડરાંવાલે માર્યો ગયો હતો.

ભિંડરાંવાલે 1980ના દાયકામાં પંજાબમાં સક્રિય રહેલો અલગાવવાદી-ખલિસ્તાની નેતા હતો. તેના સમર્થકો તેને ધાર્મિક નેતા તરીકે રજૂ કરે છે, જ્યારે સુરક્ષા એજન્સીઓ તેને પંજાબમાં ઉગ્રવાદના ઉછાળા સાથે જોડીને જુએ છે. તેના મૃત્યુના ચાર દાયકાથી વધુ સમય બાદ પણ તેની વરસી અને ઑપરેશન બ્લૂ સ્ટાર સાથે જોડાયેલી ઘટનાઓ પંજાબમાં ચર્ચાનું કેન્દ્ર બનતી રહે છે.