જંતર-મંતર પર પ્રદર્શન કરવા દિલ્હી પહોંચ્યો CJPનો સંસ્થાપક અભિજીત દીપકે, પોલીસે શરતો સાથે આપી મંજૂરી

NEET પેપર લીક વિવાદને લઈને દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરનાર ‘કોકરોચ જનતા પાર્ટી’નો (CJP) સ્થાપક અભિજીત દીપકે શનિવારે (6 જૂન 2026) સવારે અમેરિકાના બોસ્ટનથી દિલ્હી પહોંચ્યો છે. દિલ્હી પહોંચ્યા બાદ દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સમર્થકોને જંતર-મંતર પર મળવાની અપીલ કરી હતી.

X પર કરેલી પોસ્ટમાં દીપકે લખ્યું કે તેનું લેન્ડિંગ થઈ ગયું છે અને તે જંતર-મંતર પર તમામને મળવા આતુર છે. સાથે તેણે સમર્થકોને પુસ્તક અને તિરંગો લાવવા તેમજ પોલીસકર્મીઓને ફૂલ ભેટ આપવાની અપીલ કરી હતી. દીપકે કહ્યું હતું કે આંદોલન પ્રેમ અને શાંતિપૂર્વક ચલાવવામાં આવશે. તેણે સમર્થકોને સવારે 9 વાગ્યે પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સામે એકત્ર થવા પણ કહ્યું હતું.

આ દરમિયાન પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસની તૈયારીઓ પણ ચર્ચામાં રહી હતી. જંતર-મંતર અને આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. 

જોકે હવે દિલ્હી પોલીસનો એક સત્તાવાર પત્ર સામે આવ્યો છે, જેમાં કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકને 6 જૂન 2026ના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જંતર-મંતર ખાતે ધરણા-પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, નવી દિલ્હી જિલ્લા કાર્યાલય તરફથી જારી થયેલા આ પત્રમાં જણાવાયું છે કે અરજી પ્રાપ્ત થયા બાદ નિર્ધારિત શરતો અને નિયમોના પાલન સાથે આ મંજૂરી આપવામાં આવી છે. પત્રમાં તેને ‘વન-ટાઇમ એક્ઝેમ્પશન’ તરીકે મંજૂર કરવામાં આવ્યું હોવાનું પણ ઉલ્લેખિત છે.

આથી હવે સ્પષ્ટ થયું છે કે આ પ્રદર્શન માટે દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે અને જંતર-મંતર ખાતે કાર્યક્રમ નિર્ધારિત સમયગાળા દરમિયાન યોજાય તેવી શક્યતા છે.